અમદાવાદ: ગુજરાતમાં અત્યારે આકરા ઉનાળાનો મિજાજ જોવા મળી રહ્યો છે. પારો 44 ડિગ્રીને પાર પહોંચતા લોકો ગરમી અને બફારાથી અકળાઈ ઉઠ્યા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં સૂકું અને ગરમ વાતાવરણ યથાવત રહેશે, જેના કારણે અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડશે. અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં તાપમાન સામાન્ય કરતા ઘણું ઊંચું નોંધાઈ રહ્યું છે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ પર સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
એક તરફ સત્તાવાર હવામાન વિભાગ ગરમી વધવાની શક્યતા દર્શાવી રહ્યું છે, તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાતાવરણમાં મોટા પલટાની આગાહી કરી છે. તેમના મતે, રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ રહી છે, જેને કારણે આગામી દિવસોમાં ધૂળની ડમરીઓ અને અચાનક વરસાદી ઝાપટાં પડી શકે છે. આમ, ગુજરાતીઓએ અત્યારે ગરમી અને અણધાર્યા વરસાદ એમ બેવડી મોસમનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
પારો 2 થી 3 ડિગ્રી ઉછળશે: હીટવેવની ચેતવણી
હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી ત્રણ દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. હાલમાં રાજકોટ, અમરેલી, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં તાપમાન 43 થી 44 ડિગ્રીની આસપાસ છે, જે હજુ વધવાની ભીતિ છે. ખાસ કરીને બપોરના સમયે ફૂંકાતા ગરમ અને સૂકા પવનોને લીધે 'લૂ' લાગવાની શક્યતા વધી ગઈ છે.
આ પણ વાંચો: હિમાચલમાં ગુજરાતી પરિવારને 'કાળ આભડ્યો'! : કાર ખીણમાં ખાબકતાં 5 નાં મોત, 4નો બચાવ
કયા જિલ્લાઓમાં 'યલો એલર્ટ'?
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગરમીનું જોર સૌથી વધુ રહેવાનું છે. હવામાન વિભાગે નીચેના જિલ્લાઓ માટે સાવચેતીના ભાગરૂપે યલો એલર્ટ જાહેર કર્યું છે:
ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર.
સૌરાષ્ટ્ર-કચ્છ: રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર.
મધ્ય અને દક્ષિણ ગુજરાત: અમદાવાદ, વડોદરા અને સુરત.
અંબાલાલ પટેલની આગાહી: આંધી-વંટોળ સાથે વરસાદની શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 11 થી 20 મે દરમિયાન રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. આ સમયગાળા દરમિયાન ધૂળની ડમરીઓ અને આંધી-વંટોળ સાથે પવન ફૂંકાઈ શકે છે.
12 મે સુધી: કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે.
23 મે આસપાસ: અણધાર્યો વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે.
જૂન મહિનામાં વાવાઝોડું: 15 મે પછી અરબ સાગર અને બંગાળની ખાડી સક્રિય થતા જૂન મહિનામાં વાવાઝોડું સર્જાવાની પણ સંભાવના છે.
આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા: શું રાખશો કાળજી?
તાપમાનમાં થઈ રહેલા સતત વધારાને જોતા આરોગ્ય વિભાગે નાગરિકોને ખાસ સાવચેત રહેવા અપીલ કરી છે.
બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું.
વધુમાં વધુ પાણી, ઓઆરએસ (ORS) અને લીંબુ પાણી જેવા પ્રવાહી લેવા.
વૃદ્ધો, બાળકો અને ખેતરોમાં કામ કરતા શ્રમિકોએ વિશેષ કાળજી રાખવી.





