Home Gujarat Gujarat Weather Alert Heavy Rain

માવઠાની મોકાણ હજુ ટળી નથી : આજે 10 જિલ્લામાં યલો એલર્ટ, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની નવી આગાહી

માવઠાની મોકાણ હજુ ટળી નથી
Published by: OBS Bureau
Last Updated: Nov 02, 2025, 03:59 AM IST

અરબી સમુદ્રમાં સક્રિય થયેલી હવામાનની સિસ્ટમ હવે ગુજરાત તરફ ધીમે ધીમે ખસી રહી છે. હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ આ સિસ્ટમની તીવ્રતા પહેલાંની સરખામણીમાં ઘટી ગઈ છે. પરિણામે સોમવાર બાદ પવન અને વરસાદ બંનેનું પ્રમાણ ઓસરવાની શક્યતા છે. તેમ છતાં આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સિસ્ટમનો પ્રભાવ યથાવત રહેશે અને કેટલાક જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

કયા વિસ્તારોમાં વરસાદની વધુ શક્યતા?

હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદનું પ્રમાણ સૌથી વધારે રહેશે. વલસાડ, નવસારી, તાપી, સુરત અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ અને જૂનાગઢ જિલ્લામાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. અન્ય વિસ્તારોમાં મધ્યમથી સામાન્ય વરસાદનો અહેવાલ છે. સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે.

રાજ્યના અનેક તાલુકામાં કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે શનિવારે રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ ધંધુકા તાલુકામાં અંદાજે 2.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ઉપરાંત પોરબંદર, લીમખેડા, સંખેડા, ઉમરાળા, ચુડા, ગરુડેશ્વર, સલાયા અને જંબુસર તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગતરાત્રે બે કલાકમાં જ લગભગ પોણો ઈંચ જેટલો વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને ગ્રામ્ય માર્ગો પર અવરજવર ખોરવાઈ ગઈ હતી.

ખેડૂતોને પાકનું નુકસાન, રાજ્ય સરકાર એક્શનમાં

કમોસમી વરસાદથી રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવીને ત્રણ દિવસની અંદર નુકસાનનું સર્વેક્ષણ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં કલેક્ટર અને ડીડીઓને ઝડપથી રાહત કાર્યો શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. અમરેલી, ગાંધીનગર અને શિહોર સહિતના વિસ્તારોમાં ખેડૂતો વિવિધ રીતે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, ક્યાંક ખેડૂતો પોક મુકી રડ્યા તો ક્યાંક ઢોલ વગાડીને અથવા પાક બાળીને આક્રોશ વ્યક્ત કર્યો છે.

અંબાલાલ પટેલની નવી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્રની સિસ્ટમ હજુ પણ સક્રિય છે અને આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. તેમના અનુસાર સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે. સાબરકાંઠા, પાટણ, અમદાવાદ અને ગાંધીનગર સહિત પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી પ્રવૃત્તિ વધશે. અંબાલાલ પટેલે સ્પષ્ટ કર્યું છે કે સિસ્ટમ ધીમે ધીમે નબળી પડે તેવી શક્યતા છે, પરંતુ તેની અસર 2 દિવસ સુધી રાજ્યના વાતાવરણમાં જણાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ