Home Gujarat Gujarat Ucc Bill 24 March Assembly Report

ગુજરાતમાં UCC લાગુ કરવાની તૈયારી : 24 માર્ચે વિધાનસભામાં બિલ રજૂ થવાની શક્યતા, જાણો શું છે લેટેસ્ટ અપડેટ

ગુજરાતમાં UCC લાગુ કરવાની તૈયારી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 09:19 AM IST

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. રાજ્ય સરકાર હવે ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ UCC લાગુ કરવા તરફ મક્કમ ડગલાં ભરી રહી છે. તાજેતરમાં UCC માટે રચાયેલી ખાસ કમિટીએ પોતાનો વિસ્તૃત અભ્યાસ પૂર્ણ કરી મુખ્યમંત્રીને અંતિમ રિપોર્ટ સોંપી દીધો છે.

​ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ પોતાનો વિસ્તૃત અને આખરી અહેવાલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મંગળવારે ગાંધીનગરમાં સોંપ્યો હતો.
આ અહેવાલ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી આ સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને રાજ્યના જિલ્લાઓની મુલાકાત લઇને લોક અભિપ્રાયો મેળવીને તથા ઘનિષ્ઠ જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને રચવામાં આવેલી આ સમિતિમાં નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ સી.એલ. મીણા, વરિષ્ઠ એડવોકેટ આર.સી. કોડેકર, પૂર્વ કુલપતિ ડૉ. દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર મતી ગીતા શ્રોફનો સમાવેશ થયેલો છે.

મુખ્યમંત્રી સમક્ષ આ અહેવાલ અર્પણ કરતાં જે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું તેમાં જણાવાયું હતું કે લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું આ ડ્રાફ્ટ અહેવાલમાં સમિતિ દ્વારા સૂચવવામાં આવ્યું છે.
કમિટીનો રિપોર્ટ અને સરકારની આગામી રણનીતિ

નોંધનીય છે કે, 4 ફેબ્રુઆરી, 2025ના રોજ આ કમિટીની રચના કરવામાં આવી હતી. કમિટીએ લગ્ન, છૂટાછેડા, મિલકતમાં વારસાઈ હક અને દત્તક વિધાન જેવા સંવેદનશીલ વિષયો પર ઊંડો અભ્યાસ કરીને પોતાની ભલામણો તૈયાર કરી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આ રિપોર્ટ સુપ્રત કરાયા બાદ હવે રાજ્ય સરકાર કાયદાકીય પ્રક્રિયા હાથ ધરશે.

24 માર્ચે વિધાનસભામાં ઐતિહાસિક બિલ આવી શકે છે

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, 17 માર્ચે યોજાનારી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. સરકાર આ સત્રમાં કુલ 4 મહત્વપૂર્ણ વિધેયકો લાવવાની તૈયારીમાં છે, જેમાં 24 માર્ચે UCC બિલ ગૃહમાં રજૂ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. વિધાનસભાનું આ સત્ર 25 માર્ચ સુધી ચાલવાનું છે, જેના અંતિમ દિવસોમાં આ ઐતિહાસિક બિલ પર મહોર વાગી શકે છે.

વિધાનસભામાં ચૂંટણી પંચના ખર્ચ મુદ્દે હંગામો

ગૃહમાં આજે અન્ય એક મુદ્દે પણ ભારે ચર્ચા જોવા મળી હતી. ચૂંટણી પંચના ખર્ચ અંગે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી ખર્ચ અંગેની ચર્ચાને કેમ અટકાવવામાં આવી રહી છે.

સરકાર અને અધ્યક્ષનો પક્ષ

મંત્રી અર્જુન મોઢવાડિયા: તેમણે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પંચ એક સ્વાયત્ત બંધારણીય સંસ્થા છે. તેની ટીકા કે તે મુદ્દે કાપ દરખાસ્તો ગૃહમાં લાવી શકાય નહીં.

અધ્યક્ષ શંકર ચૌધરી: અધ્યક્ષે જણાવ્યું કે, હાઈકોર્ટ અને ચૂંટણી પંચ જેવી સંસ્થાઓ ગૃહમાં હાજર હોતી નથી, તેથી તેમની કામગીરી પર અહીં ચર્ચા થઈ શકે નહીં. અનુદાનની માંગણીઓ પર ચર્ચા માત્ર અધ્યક્ષના નિર્દેશથી જ શક્ય છે.

CM અને DyCM ની દિલ્હી મુલાકાત બાદ હલચલ

તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દિલ્હીમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ ગુજરાતમાં UCC લાગુ કરવાની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. જો આ કાયદો અમલી બનશે, તો તમામ ધર્મના નાગરિકો માટે પારિવારિક કાયદાઓ સમાન બની જશે.

ગુજરાત હવે ઉત્તરાખંડ બાદ UCC લાગુ કરનાર દેશનું મહત્વનું રાજ્ય બનવા તરફ આગળ વધી રહ્યું છે. 24 માર્ચના રોજ વિધાનસભામાં શું થાય છે તેના પર હવે સૌની નજર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now