Gujarat : ગુજરાત અત્યારે પ્રવાસન ક્ષેત્રે નવા શિખરો સર કરી રહ્યું છે. પવિત્ર યાત્રાધામોથી લઈને આધુનિક પ્રવાસન કેન્દ્રો સુધી, ગુજરાતમાં પ્રવાસીઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના હાલના આંકડા મુજબ, ગત વર્ષે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે, જે દર્શાવે છે કે, લોકો માટે હવે ગુજરાત પહેલી પસંદ બની રહ્યું છે.
પ્રવાસીઓના આંકડામાં મોટો વધારો
કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના ડેટા અનુસાર, વર્ષ 2025 માં ગુજરાતના ટોપના 10 પ્રવાસન સ્થળોએ કુલ 12.4 કરોડ સ્થાનિક પ્રવાસીઓ નોંધાયા હતા. આ આંકડો વર્ષ 2024 ના 9.1 કરોડની સરખામણીએ 36.9% વધુ છે. જો આપણે વર્ષ 2023 સાથે સરખામણી કરીએ, તો પ્રવાસીઓની સંખ્યામાં 60.2% નો તોતિંગ વધારો થયો છે, જે રાજ્યના પ્રવાસન ઉદ્યોગ માટે ખૂબ જ સારા સમાચાર છે.
સૌથી વધુ મુલાકાત લેવાયેલા સ્થળો
ગુજરાતમાં મુખ્યત્વે 10 એવા સ્થળો છે, જ્યાં સૌથી વધુ ભીડ જોવા મળી હતી. આ લિસ્ટમાં અમદાવાદ શહેર, અંબાજી, ડાકોર, દ્વારકા, સોમનાથ અને પાવાગઢનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કાંકરિયા લેકફ્રન્ટ, એકતા નગર (સ્ટેચ્યુ ઓફ યુનિટી), નાગેશ્વર જ્યોતિર્લિંગ અને સુરત શહેરમાં પણ પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો હતો. યાત્રાધામો આ પ્રવાહમાં સૌથી આગળ રહ્યા છે.
વિદેશી પ્રવાસીઓનું વધતું આકર્ષણ
માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ વિદેશી પ્રવાસીઓમાં પણ ગુજરાત લોકપ્રિય બની રહ્યું છે. વર્ષ 2023 માં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 13.2 લાખ હતી, જે વધીને 2024 માં 14.7 લાખ અને 2025 માં 16 લાખ સુધી પહોંચી ગઈ છે. જોકે આ વૃદ્ધિ સ્થાનિક પ્રવાસીઓની સરખામણીએ ધીમી છે, પણ સતત વધી રહી છે.
સુવિધાઓ અને નવી હોટલોનો લાભ
નિષ્ણાતોના મતે, કોવિડ પછી લોકોમાં આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવાસનો ક્રેઝ વધ્યો છે. સોમનાથ અને દ્વારકા જેવા સ્થળોએ રોડ કનેક્ટિવિટી સુધરી છે અને રહેવા માટે હોટલ તથા રિસોર્ટ્સની સારી સુવિધાઓ ઊભી થઈ છે. હવે માત્ર ધર્મશાળાઓ જ નહીં, પણ લક્ઝરી પ્રોપર્ટીઝ પણ ઉપલબ્ધ છે, જેના કારણે યુવા પ્રવાસીઓ પણ આ તરફ આકર્ષાયા છે.
નવા હબ તરીકે એકતા નગરનો ઉદય
સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત એકતા નગર હવે પ્રવાસનનું નવું કેન્દ્ર બની ગયું છે. વર્ષ 2023 માં અહીં 36.9 લાખ પ્રવાસીઓ આવ્યા હતા, જે 2025 માં વધીને 68.3 લાખ થઈ ગયા છે. એટલે કે, માત્ર બે જ વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. સરકાર દ્વારા કરવામાં આવેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ પ્રમોશનના રોકાણને કારણે આ સફળતા મળી રહી છે.





