ગાંધીનગર: ગુજરાતે રોકાણ અને ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા દેશના પ્રથમ Investment Friendliness Index 2026માં ગુજરાતે 56.6ના સર્વોચ્ચ સ્કોર સાથે મોટા રાજ્યોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 17 અગ્રણી રાજ્યોના મૂલ્યાંકનમાં ગુજરાતે મહારાષ્ટ્ર (53.7) અને તમિલનાડુ (53.3)ને પાછળ રાખીને દેશના સૌથી વધુ રોકાણમૈત્રી રાજ્ય તરીકે સ્થાન મેળવ્યું છે.
આ સૂચકાંક રાજ્યમાં રોકાણ માટે ઉપલબ્ધ નીતિઓ, વહીવટી કાર્યક્ષમતા, ઔદ્યોગિક માળખું, લોજિસ્ટિક્સ, વીજ પુરવઠો, નાણાકીય શિસ્ત અને નવીનતા સહિતના વિવિધ માપદંડોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, આ રેન્કિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમલમાં મૂકાયેલી ઉદ્યોગલક્ષી નીતિઓ અને રોકાણકારમૈત્રી સુધારાઓને મળેલી રાષ્ટ્રીય સ્તરની માન્યતા છે.
આ પણ વાંચો: બોટાદના રાણપુરમાં ભાજપના આગેવાન પર જીવલેણ હુમલો : ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા
84 સૂચકાંકો અને 8 મુખ્ય સ્તંભોના આધારે મૂલ્યાંકન
નીતિ આયોગનો Investment Friendliness Index 2026 કુલ 84 સૂચકાંકો અને 8 મુખ્ય સ્તંભોના આધારે રાજ્યોનું મૂલ્યાંકન કરે છે. તેમાં નીતિગત સ્થિરતા, વ્યવસાય શરૂ કરવાની સરળતા, ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શ્રમ વ્યવસ્થા, લોજિસ્ટિક્સ, વીજ પુરવઠો, નાણાકીય સ્થિતિ અને ઇનોવેશન જેવા પરિબળોને મહત્વ આપવામાં આવ્યું છે.
રિપોર્ટ અનુસાર ગુજરાતની નીતિગત સ્થિરતા અને રોકાણકારોને અનુકૂળ વહીવટી માળખું રાજ્યની સૌથી મોટી તાકાત છે. ખાસ કરીને iNDEXTb (Industrial Extension Bureau) દ્વારા આપવામાં આવતી સિંગલ-વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ રોકાણકારોને એક જ સ્થળે વિવિધ મંજૂરીઓ અને માર્ગદર્શન ઉપલબ્ધ કરાવે છે, જેના કારણે પ્રોજેક્ટ મંજૂરીની પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બની છે.
સરળ NOC પ્રક્રિયા અને સ્થિર શ્રમ વાતાવરણથી રોકાણકારોમાં વિશ્વાસ
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઉદ્યોગો માટે જરૂરી No Objection Certificate (NOC) સમયસર અને સરળ પ્રક્રિયા દ્વારા ઉપલબ્ધ થતી હોવાથી રાજ્યમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થયું છે.
આ ઉપરાંત આવશ્યક સેવાઓમાં હડતાલ પરના નિયંત્રણ સહિતની વ્યવસ્થાઓને કારણે રાજ્યમાં શ્રમ વિક્ષેપ (Labour Disruption)નું પ્રમાણ ઓછું છે. પરિણામે ઉદ્યોગોને સતત અને સ્થિર કામગીરી માટે અનુકૂળ માહોલ મળે છે.
આ પણ વાંચો: બોટાદના રાણપુરમાં ભાજપના આગેવાન પર જીવલેણ હુમલો : ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા
ધોલેરાથી GIFT City સુધી મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ
ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં ધોલેરા SIR, GIFT City, સાણંદ, દહેજ, ઝઘડિયા અને સાયખા જેવા ઔદ્યોગિક ક્લસ્ટર્સ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ વિસ્તારોમાં રોકાણકારોને પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી નવા ઉદ્યોગો ઝડપથી શરૂ કરી શકાય છે.
રિપોર્ટમાં દ્વિવાર્ષિક વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને પણ રાજ્યમાં દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષવામાં મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે દર્શાવવામાં આવી છે.
લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટીમાં ગુજરાત આગળ
લોજિસ્ટિક્સ અને પરિવહન સુવિધાઓમાં પણ ગુજરાતે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. રાજ્યમાં દેશના કુલ સ્ટેટ હાઇવે નેટવર્કનો આશરે 10 ટકા હિસ્સો છે, જ્યારે રાષ્ટ્રીય એક્સપ્રેસવેની સૌથી વધુ લંબાઈ પણ ગુજરાતમાં હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
આ ઉપરાંત દેશના કુલ રેલવે નેટવર્કનો લગભગ 7 ટકા હિસ્સો ગુજરાતમાં આવેલો છે. કાર્યક્ષમ બંદરો, માર્ગ અને રેલવે નેટવર્કને કારણે રાજ્યની સપ્લાય ચેઇન વધુ સ્પર્ધાત્મક બની હોવાનું રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: જમીનનું સ્વાસ્થ્ય બચાવવું હોય તો પ્રાકૃતિક ખેતી અપનાવો : ગાંધીનગરના મહુન્દ્રા ગામમાં CM ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મનું કર્યું નિરીક્ષણ
સસ્તી વીજળી અને મજબૂત નાણાકીય સ્થિતિ ઉદ્યોગો માટે ફાયદાકારક
રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં ઔદ્યોગિક ગ્રાહકો માટે વીજળીના દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં અંદાજે 29 ટકા ઓછા છે. ઉપરાંત રાજ્યમાં સરેરાશ દરરોજ 23.8 કલાક વીજ પુરવઠો ઉપલબ્ધ રહે છે, જેના કારણે ઉદ્યોગોને ઉત્પાદન ખર્ચમાં રાહત મળે છે.
નાણાકીય વર્ષ 2024માં રાજ્યની રાજકોષીય ખાધ (Fiscal Deficit) GSDPના માત્ર 2.81 ટકા રહી હતી, જ્યારે રાજ્યની કુલ દેવાદારી GSDPના આશરે 18 ટકા છે, જે મોટા રાજ્યોની સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે ઓછી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
નિકાસ, MSME અને ઇનોવેશનમાં પણ ગુજરાતનું મજબૂત સ્થાન
ગુજરાત દેશની કુલ મર્ચેન્ડાઇઝ નિકાસમાં આશરે 31 ટકા યોગદાન આપે છે. વર્ષ 2019થી 2024 દરમિયાન રાજ્યનો GSDP વૃદ્ધિ દર દેશના અગ્રણી રાજ્યોમાં રહ્યો છે. પ્રતિ વ્યક્તિ GSDP પણ મોટા રાજ્યોની સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે વધુ હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
ઇનોવેશન ક્ષેત્રે પણ રાજ્યએ પ્રગતિ નોંધાવી છે. નાણાકીય વર્ષ 2025 સુધીમાં ગુજરાતમાં 614 અટલ ટિંકરિંગ લેબ્સ (ATLs) કાર્યરત છે, જે વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં નવીનતાને પ્રોત્સાહન આપે છે. રાજ્યનું મજબૂત MSME નેટવર્ક અને ઇનોવેશન આધારિત માળખું લાંબા ગાળાના ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે.






