Home Sports IPL 2026 Gujarat Titans Jason Holder Selection Ipl 2026 Controversy

GT ની પ્લેઇંગ 11 પર ઉઠ્યા સવાલો : ગુજરાત ટાઇટન્સના 7 કરોડના ઓલરાઉન્ડરને કેમ નથી મળતી તક

Gujarat Titans
Published by: Aryan Shah
Last Updated: Apr 22, 2026, 10:41 AM IST

Gujarat Titans : IPL 2026 માં ગુજરાત ટાઇટન્સની સફર અત્યારે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ખાસ કરીને મુંબઈ ઈન્ડિયન્સ સામે મળેલી કારમી હાર બાદ ટીમની સિલેક્શન પ્રક્રિયા પર અનેક સવાલો ઉભા થયા છે. આ ચર્ચાઓના કેન્દ્રમાં છે વેસ્ટ ઈન્ડિઝના અનુભવી ઓલરાઉન્ડર જેસન હોલ્ડર, જેમને 7 કરોડ રૂપિયાની મોટી કિંમતે ખરીદવા છતાં હજુ સુધી એક પણ મેચ રમવાની તક આપવામાં આવી નથી. ફેન્સ અને નિષ્ણાતો હવે સોશિયલ મીડિયા પર મેનેજમેન્ટના આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે.

ચર્ચાઓને ગણાવી બિનજરૂરી

જેસન હોલ્ડરે પ્લેઇંગ ઇલેવનમાં તેના સ્થાનને લઈને ચાલી રહેલી તમામ અટકળો પર પોતાનું મૌન તોડ્યું છે. તેમણે ખૂબ જ ગંભીરતાથી કહ્યું કે, "પ્લેઇંગ ઇલેવન વિશેની ચર્ચાઓમાં ભાગ લેવો એ માત્ર બિનજરૂરી ઊર્જાનો બગાડ છે." હોલ્ડરના મતે, એક વ્યાવસાયિક ક્રિકેટર તરીકે તેનું કામ માત્ર પોતાની ફિટનેસ અને પ્રેક્ટિસ પર ધ્યાન આપવાનું છે. તેણે સ્પષ્ટ કર્યું કે, તે કોઈપણ પ્રકારના વિવાદમાં પડવાને બદલે માત્ર પોતાના તકની રાહ જોઈ રહ્યો છે અને જ્યારે પણ મોકો મળશે ત્યારે તે પોતાને સાબિત કરવા તૈયાર છે.

7 કરોડનું રોકાણ છતાં બેન્ચ પર સ્થાન

34 વર્ષીય જેસન હોલ્ડર બે સિઝનના લાંબા વિરામ બાદ IPL માં પરત ફર્યો છે. ગુજરાત ટાઇટન્સે ઓક્શનમાં તેના અનુભવ અને ઓલરાઉન્ડ ક્ષમતાને ધ્યાનમાં રાખીને 7 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ખર્ચ કરી હતી. જોકે, સિઝનની ઘણી મેચો વીતી ગઈ હોવા છતાં તેને પ્લેઇંગ 11 માં સ્થાન મળ્યું નથી. ટીમ મેનેજમેન્ટ હાલમાં જોશ બટલર, રાશિદ ખાન, ગ્લેન ફિલિપ્સ અને કાગીસો રબાડા જેવા વિદેશી ખેલાડીઓ પર વધુ નિર્ભર છે, જેના કારણે હોલ્ડર જેવા મેચ વિનર ખેલાડીએ અત્યારે ડ્રેસિંગ રૂમમાં બેસવું પડી રહ્યું છે.

મુંબઈ સામેની હાર બાદ વધ્યું દબાણ

હાલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સનો 99 રને પરાજય થયો હતો. 200 રનના લક્ષ્યનો પીછો કરતાં ટીમ માત્ર 100 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ હાર બાદ શુભમન ગિલની કેપ્ટન્સી અને ટીમ કોમ્બિનેશન પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે, મધ્યક્રમમાં હોલ્ડર જેવો એક્સપિરિયન્સ બેટ્સમેન અને ડેથ ઓવર્સમાં ચોકસાઈપૂર્વક બોલિંગ કરી શકે તેવો બોલર ટીમ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

આગામી મેચમાં કમબેકની આશા

પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાનથી નીચે સરકી ગયેલી ગુજરાત ટાઇટન્સ માટે હવે દરેક મેચ 'કરો યા મરો' જેવી છે. ટીમનો નેટ રન રેટ પણ અત્યંત ખરાબ (-0.821) થઈ ગયો છે. આવી સ્થિતિમાં, આગામી 24 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચમાં ટીમ મેનેજમેન્ટ મોટા ફેરફાર કરી શકે છે. હોલ્ડરની પાવરપ્લે અને ડેથ ઓવરની બોલિંગ ક્ષમતા ગુજરાતને ફરીથી જીતના પાટા પર લાવી શકે છે. હોલ્ડરે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ટીમ ગભરાયા વગર પોતાની ભૂલો સુધારીને મજબૂત કમબેક કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now