Home Gujarat Gujarat Successful In Raising Bhujal Level Read About Bhujal Scheme

ગુજરાતના 6 જિલ્લાઓમાં 4 ફૂટ ઉંચા આવ્યા ભૂગર્ભ જળ સ્તર : જાણો શું છે 'અટલ ભુજલ યોજના'?

ગુજરાતના 6 જિલ્લાઓમાં 4 ફૂટ ઉંચા આવ્યા ભૂગર્ભ જળ સ્તર
Published by: OBS Bureau
Last Updated: Apr 28, 2025, 02:37 PM IST

'જળ એ જીવન છે'ના મંત્રને ચરિતાર્થ કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. પ્રથમ તબક્કામાં દેશમાં ગુજરાત સહિત વિવિધ ૭ રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તરને નીચે જતું અટકાવવું અને તેનું સ્તર ઊંચુ લાવવાના ઉમદા હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શુસાશન દિવસ તા. ૨૫ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ‘અટલ ભૂજલ યોજના’નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ યોજનાના અમલીકરણના પરિણામે ગુજરાતમાં પસંદગી કરાયેલા ૬ જિલ્લાઓના ૩૬ તાલુકામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં તેમજ જળ સંચયના લોક ભાગીદારીના સંયુક્ત પ્રયાસોથી કેટલાક વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્તરમાં ૦૪ મીટર સુધી અને તેના કરતાં વધુ ઊંચા લાવવામાં રાજ્ય સરકારને સફળતા મળી છે તેમ, જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું.

મંત્રી કુંવરજીએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, અટલ ભુજલ વિસ્તારમાં પાણીની માંગ ઘટાડવા અને પૂરવઠો વધારવા માટે હાથ ધરાયેલ પ્રયાસોથી ભૂગર્ભ જળ લેવલમાં થતા ફેરફારના અભ્યાસની સાથે ભૂગર્ભ જળ લેવલ અને ગુણવત્તાના મોનિટરિંગ માટે પસંદ કરાયેલા ૦૬ જિલ્લાઓમાંના અટલ ભુજલ યોજના વિસ્તારના ૩,૦૬૦ સ્ટેશન પર નિયત સમયાંતરે મોનિટરિંગ હાથ ધરવામાં આવે છે. જે પૈકી અટલ ભૂજલ યોજના ડીસબર્સમેંટ લીક ઈંડીકેટર-૫ની માર્ગદર્શિકા મુજબ ભૂગર્ભ જળ લેવલ નીચા જવાના દરના મૂલ્યાંક્ન માટે ન્યુનતમ ડેટા રીક્વાયરમેંટના માપદંડ મુજબ વિશ્લેષણ પાત્ર થતા ૪૪૧ સ્ટેશનના ભૂગર્ભ જળ મોનીટરીંગના આંકડાઓનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે.

જેમાં, અટલ ભૂજલ વિસ્તારમાં વિશ્લેષણ પાત્ર થતા ૪૪૧ મોનિટરિંગ સ્ટેશનમાં ૩૧૦ ગ્રામ પંચાયતમાં આવેલી છે. જે પૈકી ૨૮ તાલુકાની ૧,૫૧૧ ગ્રામ પંચાયતોમાંથી ૧૩૦ ગ્રામ પંચાયતના ૧૯૫ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૩ના પ્રી-મોનસુન અને પોસ્ટ મોનસુનના સરેરાસ વોટર લેવલ સામે વર્ષ ૨૦૨૪માં પ્રી-મોનસુન અને પોસ્ટ મોનસુનના વોટર લેવલ ઊંચા આવ્યા છે. આ ૧૯૫ મોનિટરિંગ સ્ટેશન પૈકી પ્રી-મોનસુનમાં ૬૦ સ્ટેશનમાં ૪ મીટર કરતાં વધારો, ૫૪ સ્ટેશનમાં ૨ થી ૪ મીટર સુધી અને ૭૯ સ્ટેશનમાં ૨ મીટર સુધી જળ સ્તર ઊંચા આવ્યા છે. જ્યારે પોસ્ટ મોનસુનમાં ૭૩ સ્ટેશનમાં ૪ મીટર કરતાં વધારે, ૪૯ સ્ટેશનમાં ૨ થી ૪ મીટર સુધી તેમજ ૭૧ સ્ટેશનમાં ૨ મીટર સુધી જળ સ્તર ઊંચા આવ્યા છે.

મંત્રીએ કહ્યું હતું કે, આ યોજનાનો સમયગાળો પાંચ વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૦-૨૧ થી ૨૦૨૪-૨૫નો નક્કી કરાયો હતો. જેને વધુ એક વર્ષ ૨૦૨૫-૨૬ સુધી લંબાવાયો છે. એપ્રિલ-૨૦૨૦થી ભૂગર્ભજળમાં વધારો કરવાના મંત્ર સાથે પાયલોટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ગુજરાતમાં બનાસકાંઠા, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા એમ ૬ જિલ્લાના ૩૬ તાલુકાઓની ૧,૮૭૩ ગ્રામ પંચાયતમાં આ યોજના અમલી બનાવી છે.

જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે, આ યોજનાનો મુખ્ય ધ્યેય જન સમુદાયના સહયોગથી ભૂગર્ભ જળ વ્યવસ્થાપનના સશક્તિકરણને ઉતેજન આપવાનો અને ભૂગર્ભ જળ ક્ષેત્રે સુધારાનું વાતાવરણ સર્જન કરવાનો છે. અટલ ભૂજલ યોજના અંતર્ગત ૧,૮૭૩ ગ્રામ પંચાયતના ગ્રામ પંચાયત સમિતિમાં ગામની ભૌગોલિક સ્‍થિતિ અનુરૂપ વોટર સીક્યોરીટી પ્‍લાનમાં આયોજીત કરેલ પાણીની માંગ ઘટાડવા ડિમાન્ડ સાઇડના કામો જેવા કે, ડ્રીપ, સ્પ્રિન્કલર અને પૂરવઠો વધારવા માટે સપ્લાય સાઇડનાં કામો જેવા કે ચેકડેમ, તળાવ ઉંડા કરવા, તળાવ ડિસીલ્ટીંગ, રીચાર્જ કૂવા, વોટર શેડ વગેરેના કામો રાજ્યમાં જુદા જુદા વિભાગો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.

મંત્રીએ કહ્યું હતું કે,ડીસબર્સમેંટ લીક ઈંડીકેટર-૫ની માર્ગદર્શિકા મુજબ જે તાલુકાના કુલ મોનિટરીંગ સ્ટેશન પૈકી ૫૦ ટકા કે તેથી વધુ સ્ટેશનો ૨૦૧૫ થી ૨૦૨૩ના પ્રી-મોનસુન અને પોસ્ટ મોનસુનના સરેરાશ વોટર લેવલ સામે વર્ષ ૨૦૨૪માં પ્રી-મોનસુન અને પોસ્ટ મોનસુનના વોટર લેવલમાં વધારો દર્શાવે તે તાલુકા ક્વોલીફાય ગણાય છે. આ અંતર્ગત ૧૯૫ સ્ટેશન, ૧૩૦ ગ્રામ પંચાયત અને ૧૨ તાલુકાનો સમાવેશ થાય છે. જેમાં દહેગામ, માંડવી, બહેચરાજી, જોટાણા, મહેસાણા, સતલાસણા,વડનગર, વિજાપુર, પાટણ, ઈડર,પ્રાંતિજ અને વડાલી તાલુકાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે,કેન્દ્ર સરકાર પુરસ્કૃત આ યોજનાનું અમલીકરણ પ્રથમ તબક્કામાં ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં કરવામાં આવ્યું છે. આ યોજનાના કાર્યક્ષેત્ર વિસ્તારમાં ભૂગર્ભ જળનો સંગ્રહ કરતા જલભર (એક્વિફર) એક સમાન નથી. અલગ અલગ વિસ્તારમાં વિવિધ પ્રકારનાં વિવિધ લાક્ષણિકતા ધરાવતા એક્વિફર જેવા કે એલ્યુવિયલ, હાર્ડ રોક અને સોફ્ટ રોક અસ્તિત્વ ધરાવે છે. જેમાં ભૂગર્ભ જળની સંગ્રહ ક્ષમતા એક સમાન નથી જેથી ભૂગર્ભ જળ વ્યવસ્થાપનના પ્રયાસોની અસર એક સમાન જોવા મળતી નથી. એલ્યુવીયલ વિસ્તારમાં બહુ સ્તરીય (મલ્ટી એક્વીફર) સીસ્ટમમાં ભૂગર્ભ જળના સ્તર ઊંડા હોવાથી અને તેની ઉપરના એક્વિફર આંશિક સંતૃપ્ત હોવાથી તેમાં ભૂગર્ભ જળ લેવલ હાર્ડ રોક વિસ્તારની તુલનાએ ત્વરિત સુધારો જોવા મળતો નથી.

આગામી મૂલ્યાંકન વર્ષમાં ડીસબર્સમેંટ લીક ઈંડીકેટર-૫ની માર્ગદર્શિકા મુજબ મૂલ્યાંક્ન માટે ન્યુનતમ ડેટા રીક્વાયરમેંટના માપદંડ મુજબ યોજનાના અમલીકરણ દરમિયાન શારવામાં આવેલ પીઝોમીટર વિશ્લેષણ પાત્ર થતા હોવાથી માઈક્રો લેવલ પર વિશ્લેષણ હાથ ધરી શકાશે જેના પરિણામે ક્વોલીફાઈંગ તાલુકાની સખ્યામાં વધારો જોવા મળી શકે છે.

રીચાર્જ ટ્યુબવેલ દ્વારા ભૂગર્ભ જળમાં નોંધપાત્ર વધારો


જમીનમાં વરસાદી પાણીને ફરીથી ઉતારવું હોય/સંગ્રહ કરવો હોય તો રિચાર્જ ટ્યુબવેલનો ઉપયોગ કરી શકાય છે. કારણ કે રિચાર્જ ટ્યુબવેલ દ્વારા છેક નીચેના જલભરમાં ભલે ધીમે ધીમે પણ લાંબા સમય માટે સતત પાણી નીચે ઉતરતું રહે છે. આ માટે વરસાદનું સીધેસીધું પાણી ઉતારીએ તો અશુદ્ધિ અને પ્રદૂષકો પણ ભૂગર્ભમાં જાય અને કદાચ માટીના રજકણોના કારણે ટ્યુબવેલમાં રિચાર્જ થવામાં અવરોધ થાય છે જેથી રિચાર્જ દર પણ ઘટી જાય અને તેથી ભૂગર્ભજળની ગુણવત્તા પણ બગડે છે.

આ માટે વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. આ રીચાર્જ સ્ટ્રક્ચરમાં પાણીને ફિલ્ટર કરવા માટે ત્રણ કુંડી અને એક રીચાર્જ ટ્યુબ વેલના બાંધકામનો સમાવેશ થાય છે. પ્રથમ કુંડીમાં તળાવમાં ગામ લોકોની જરૂરિયાત કરતાં જે વધારાનું પાણી છે તે જાય છે અને સ્થિર થાય એટલે ભૌતિક અશુદ્ધિ નીચે બેસી જાય અને ચોખ્ખું પાણી બીજી કુંડીમાં જાય છે જેમાં કાંકરી (ગ્રાવેલ), રેતી, ચારકોલના થર દ્વારા ફિલ્ટર કરીને પાણીને પીવાલાયક કરવામાં આવે છે અને તે પાણી ત્રીજી કુંડીમાંથી પસાર થઈને પાણી ભૂગર્ભમાં ઉતારી ટ્યુબવેલમાં નીચે ઉતરે છે .ચોક્કસ સમયમાં તળાવનું કેટલું પાણી ભૂગર્ભમાં ટ્યુબ વેલ મારફત નીચે ઉતર્યું તે આ ત્રીજી કુંડીમાં ફિટ કરેલા ફ્લોમીટરથી જાણી શકાય છે.

આમ નદીઓના માધ્યમથી સમુદ્રમાં વહી જતાં વધારાના વરસાદી પાણીને તળાવમાં વાળીને રિચાર્જ ટ્યુબવેલ દ્વારા ભૂગર્ભમાં ઉતારીને ખાલી થયેલ જલભરને ફરીથી રિચાર્જ કરવા આવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now