Ahmedabad News: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો અમદાવાદમાં બન્યો હતો. જેમાં શહેરના પોશ વિસ્તાર ગણાતા નવરંગપુરાની સ્કૂલની ઈમારતમાંથી વિદ્યાર્થિનીએ છલાંગ લગાવી હતી. 24 જુલાઈના રોજ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સોમ લલિત સ્કૂલમાં ધોરણ 10માં ભણતી વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નીચે પટકાતા વિદ્યાર્થિનીને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાઈ હતી, જેમાં આજે 25 જુલાઈના રોજ સારવાર દરમિયાન તે વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે.
વિદ્યાર્થિનીએ નવરંગપુરામાં આવેલી સોમ લલિત સ્કૂલના ચોથા માળેથી ગુરૂવારે બપોરે 12:27 વાગ્યે બાલકનીની રેલિંગ કૂદીની મોતની છલાંગ લગાવી હતી. વિદ્યાર્થિનીને બચાવવા તેની ફ્રેન્ડે પ્રયાસ કર્યો હતો, પરંતુ એ પહેલાં જ તેણે છલાંગ લગાવી દીધી હતી. આપઘાતના પ્રયાસ કરવા પાછળનું ચોક્કસ કારણ હજી અકબંધ છે. નવરંગપુરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ઘટનાની વિગતો:
વિદ્યાર્થિનીને પહેલા નવરંગપુરાની નિધિ હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવી હતી. તેને માથા, હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આરંભમાં તેને બીજી હોસ્પિટલમાં ખસેડવાની યોજના હતી, પરંતુ અંતે તે ત્યાં જ સારવાર હેઠળ રહી ગઈ.
સ્કૂલનું નિવેદન અને વિદ્યાર્થીઓ માટે ચેતવણીરૂપ લક્ષણો:
પ્રિન્સિપાલ લીના અરોરાએ જણાવ્યું કે વિદ્યાર્થીની ઘટના પહેલાંથી જ અસ્વસ્થ લાગતી હતી. દિવસની શરૂઆતથી જ તે વિચલિત જોવા મળી હતી અને ક્લાસરૂમમાં અચાનક ચીસો પાડવા લાગી હતી, જેને શિક્ષકે શાંત કરવાનું પ્રયાસ કર્યું હતું. સ્કૂલમાં પાછું ફરતી પહેલાં તેણે એક મહિનાની લાંબી રજા લીધી હતી, અને વાલીએ મેડિકલ સર્ટિફિકેટ પણ જમા કરાવ્યું હતું. નવરંગપુરા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ વધુ તપાસ શરૂ કરી છે. આપઘાતના પ્રયાસ પાછળનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યુ નથી.
વિદ્યાર્થિનીના આપઘાત મામલે ચોંકાવનારી માહિતી સામે આવી છે
વિદ્યાર્થિનીના આપઘાત મામલે નવી માહિતી સામે આવી છે જેમાં વિદ્યાર્થિની અનેક વખત શાળાથી ગેરહાજર રેહતી હતી અને તેના બીમાર હોવાના પણ દાવા કરવામાં આવ્યા છે. આ મુદ્દે પોલીસ વધુ તપાસ કરશે અને વિદ્યાર્થિનીના પરિવારની પણ પુછપરછ કરવામાં આવશે સાથે સાથે તેના સહપાઠી વિદ્યાથીઓની પણ પુછપરછ કરવામાં આવશે. અને સમગ્ર મામલે વિદ્યાર્થિનીના બીમાર હોવાનું જાણવા મળશે તો ડોક્ટરની પણ યોગ્ય પુછપરછ કરવામાં આવશે.આ સમગ્ર મામલે વિદ્યાર્થિનીના સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવશે. શાળામાં આવી ગંભીર ઘટના કેમ બની તેની હકીકત ઉકેલવા માટે સ્કૂલ સંચાલક, ક્લાસ ટીચર અને અન્ય વિદ્યાર્થીઓના પણ નિવેદન લેવામાં આવશે.





