ગુજરાતના નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં આજે 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. થરાદના માલુપુર સ્થિત હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ મુખ્ય કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સવારે 9:00 વાગ્યે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરેલી પરંપરા મુજબ, આ વર્ષે સરહદી વિસ્તાર એવા વાવ-થરાદમાં આ રાષ્ટ્રીય ઉત્સવ ઉજવાયો હતો. ધ્વજવંદન બાદ રાજ્યપાલે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને પોલીસ દળની વિવિધ પ્લાટુન્સ દ્વારા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ જવાનો દ્વારા સાહસિક કરતબોનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ ઐતિહાસિક અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાના વિકાસ માટે ₹207 કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી. જેમાં ₹70 કરોડના ખર્ચે બનનારા આધુનિક 'જિલ્લા સેવા સદન'નો શિલાન્યાસ અને અન્ય 19 નવા પ્રકલ્પોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, થરાદ નગરપાલિકાને 'A-Class'નો દરજ્જો આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.




















