Gujarat ST fare increase : નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ગુજરાત એસ.ટી.) દ્વારા મુસાફરો પર મોંઘવારીનો માર ચલાવવામા આવ્યો છે. ગુજરાત એસ.ટી.ના બસ ભાડામાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે આજ મધરાતથી અમલમાં આવશે. એટલે કે 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રીથી 1 જાન્યુઆરી 2026થી એસ.ટી. બસ ભાડામાં 3 ટકા વધારો લાગુ પડશે.
27 લાખ મુસાફરો પર ભાડાનો બોજ વધ્યો
આ ભાડા વધારાનો સીધો અસર રાજ્યભરના અંદાજે 27 લાખ જેટલા દૈનિક મુસાફરો પર પડશે. એસ.ટી. બસ ભાડામાં 3 ટકા સુધીનો વધારો કરવામાં આવતા સામાન્ય મુસાફરોના મુસાફરી ખર્ચમાં વધારો થશે. નોંધનીય છે કે આ અગાઉ 28 માર્ચ 2025ના રોજ ગુજરાત એસ.ટી. દ્વારા ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આમ માત્ર 9 મહિનાના ગાળામાં બીજીવાર એસ.ટી. બસ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.
ST બસ ભાડામાં 3 ટકા સુધીનો વધારો
ગુજરાત એસ.ટી. તંત્ર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. વધતા સંચાલન ખર્ચ, ઈંધણના ભાવ અને જાળવણી ખર્ચને ધ્યાનમાં રાખીને ભાડા વધારાનો નિર્ણય લેવાયો હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, નવા વર્ષની શરૂઆત સાથે જ ભાડા વધારાના કારણે મુસાફરોમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. એસ.ટી. બસ રાજ્યના સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકો માટે મહત્વપૂર્ણ પરિવહન સાધન હોવાથી આ વધારો નાગરિકોની રોજિંદી મુસાફરી પર અસર કરશે.





















