રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે આજે તા. 11 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 68.79 ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં જ્યારે પૂર્વ-મધ્યમમાં 66.54 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.21 ટકા, કચ્છમાં 65.13 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 56.31 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે.
52 ડેમ હાઈએલર્ટ
વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 52 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 25 ડેમ એલર્ટ પર તેમજ 26 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 75 ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.
ગુજરાતમાં સરેરાશ 82.35 ટકા વરસાદ
ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ 82.35 ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 20 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં 2.65 લાખ હેક્ટરમાં સોયાબીન જ્યારે ત્રીજા ક્રમમાં 2.64 લાખ હેક્ટર વિસ્તારમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમ, કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે. ગુજરાતના માછીમારોને તા. 11 થી 14 ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા IMD દ્વારા જણાવાયું છે. હાલની સ્થિતિમાં ગુજરાતના તમામ ગામોમાં વીજ પુરવઠો તેમજ એસ.ટી બસના તમામ 14,598 રૂટ પર 40,264 ટ્રીપ કાર્યરત છે.






