ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદનું જોર ઘટ્યું હોવા છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ 8 જુલાઈ સવારે 6 વાગ્યાથી 9 જુલાઈ સવારે 6 વાગ્યા સુધી રાજ્યના કુલ 60 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જ્યારે 208 તાલુકામાં વરસાદ પડ્યો નહોતો. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 1.78 મિમી વરસાદ નોંધાયો છે.
અહેવાલ મુજબ સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકામાં 38 મિમી નોંધાયો છે. આ ઉપરાંત કપરાડામાં 34 મિમી, આહવા ખાતે 24 મિમી, વાંસદામાં 23 મિમી અને સુરત જિલ્લાના ઉમરપાડામાં 16 મિમી વરસાદ નોંધાતા દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ
ઝોનવાર વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 8.65 મિમી વરસાદ નોંધાયો છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 534.90 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદના 34.69 ટકા જેટલો છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 0.13 મિમી વરસાદ નોંધાયો છે અને સિઝનનો કુલ સરેરાશ વરસાદ 210.44 મિમી એટલે કે સામાન્ય વરસાદના 27.61 ટકા સુધી પહોંચ્યો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સરેરાશ 0.33 મિમી, ઉત્તર ગુજરાતમાં માત્ર 0.04 મિમી જ્યારે કચ્છમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ નોંધાયો નથી.
આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસું જામ્યું: છેલ્લા 10 દિવસમાં 143 મિમી સરેરાશ વરસાદ : અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ
સિઝનનો સરેરાશ વરસાદ 223.88 મિમી
રાજ્યમાં અત્યાર સુધી સિઝન દરમિયાન સરેરાશ 223.88 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય સિઝનલ વરસાદના 24.63 ટકા જેટલો થાય છે. દક્ષિણ ગુજરાત વરસાદની દ્રષ્ટિએ સૌથી આગળ છે, જ્યારે કચ્છમાં હજુ પણ વરસાદની મોટી ઘટ જોવા મળી રહી છે. કચ્છમાં અત્યાર સુધી માત્ર 9.60 મિમી એટલે કે સામાન્ય વરસાદના 1.92 ટકા વરસાદ જ નોંધાયો છે.
અમુક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન નવસારીના વાંસદામાં 23 મિમી, ખેડાના ફાગવેલમાં 4 મિમી, વડોદરાના કરજણમાં 4 મિમી, સિનોરમાં 3 મિમી, દાહોદ અને ધાનપુરમાં 2-2 મિમી તેમજ ભરૂચ, નર્મદા, સુરત અને ડાંગ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ અમદાવાદ, રાજકોટ, અમરેલી, જામનગર, મોરબી, જુનાગઢ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ પડ્યો નથી.
હવામાનની સ્થિતિને જોતા આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ યથાવત રહેવાની શક્યતા છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં સ્થાનિક વાતાવરણના આધારે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.






