છેલ્લા બે દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાતે અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારતી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચેતવણી આપતાં જણાવ્યું છે કે આગામી 12 કલાક દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તેમજ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચ જિલ્લામાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે આ વરસાદના કારણે કેટલીક નાની નદીઓમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઉભી થઈ શકે છે.
ખાસ કરીને દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ વરસાદ ચિંતા વધારનાર સાબિત થઈ શકે છે, કારણ કે ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકોને નુકસાન પહોંચાડવાની શક્યતા છે. તંત્ર દ્વારા ખેડૂતોને યોગ્ય સાવચેતી રાખવા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાને ખસવા અપીલ કરવામાં આવી છે.






