Home Gujarat Gujarat Rain Red Alert Vadodara Amreli Surat Weather Update July 2026

ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી! : સુરતમાં શાળા-કોલેજ બંધ, વડોદરા જળબંબાકાર; આજે 6 જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Rain
Published by: Suman Dabhi
Last Updated: Jul 07, 2026, 02:59 AM IST

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું હવે વધુ સક્રિય બન્યું છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ 7 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લામાં તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. વડોદરા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

વડોદરા શહેર જળબંબાકાર

વડોદરામાં મધરાત બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક સ્થળોએ ટ્રાફિકની ગતિ પણ ધીમી પડી હતી.

અમરેલીમાં પૂર જેવી સ્થિતિ, NDRFનું રેસ્ક્યૂ

અમરેલી જિલ્લાના લાઠી, દામનગર અને લીલીયા તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા. લીલીયા તાલુકાના ખારા અને ગુંદરણ ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાતાં NDRFની ટીમને બચાવ કામગીરી માટે ઉતારવામાં આવી હતી. ટીમે ખારા ગામમાંથી 40 અને ગુંદરણ ગામમાંથી 20 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડીને સફળ રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.

મહુવામાં મધરાતે મુશળધાર વરસાદ

ભાવનગર જિલ્લાના મહુવામાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મધરાતે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સ્વામિનારાયણ ધામ, કોલેજ રોડ, ગાર્ડન રોડ, કુબેર બાગ અને ગાંધીબાગ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સુરતમાં શાળા-કોલેજોમાં રજા

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત શહેર અને જિલ્લામાં આવેલી તમામ શાળા-કોલેજોમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપીને શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે. તંત્રે વાલીઓ અને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.

માળીયાહાટીનામાં દીપડાનું સફળ રેસ્ક્યૂ

જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના પાણકવા ગામમાં એક વાડીના મકાનમાં દીપડો ઘૂસી જતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ દીપડાને બેભાન કરીને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો હતો. બાદમાં તેને સારવાર અને નિરીક્ષણ માટે એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો.

આજે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ, છૂટાછવાયા વરસાદ અને વીજળીના કડાકા-ભડાકાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મેઘતાંડવની અસર ગુજરાત સુધી : પાલઘરમાં ટ્રેક પાણીમાં ગરકાવ થતાં 86 ટ્રેનો પ્રભાવિત, વલસાડ-વાપીમાં હજારો મુસાફરો અટવાયા

10 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ઝારખંડ અને ઉત્તર આંતરિક ઓડિશા ઉપર સર્જાયેલા ડિપ્રેશનની અસર ગુજરાત પર પણ જોવા મળશે. ઓફ-શોર ટ્રફ, મોસમી ટ્રફ અને અન્ય હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી આગામી દિવસોમાં વરસાદનું જોર યથાવત રહી શકે છે. માછીમારોને 10 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ નાગરિકોને ભારે વરસાદ દરમિયાન નદી-નાળાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા, હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવા અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now