વલસાડ/વાપી/મુંબઈ: દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદે જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં રેલવે ટ્રેક પર મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ જતાં પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ મંડળમાં રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. તેની સીધી અસર ગુજરાત અને મુંબઈ વચ્ચે દોડતી અનેક મહત્વની ટ્રેનો પર જોવા મળી છે. અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોને માર્ગમાં જ રોકી દેવામાં આવી છે અથવા તેમના રૂટ અને ટર્મિનલમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ સ્થિતિના કારણે વલસાડ, વાપી, નવસારી, સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક રેલવે સ્ટેશનો પર હજારો મુસાફરો કલાકો સુધી અટવાઈ ગયા હતા. ટ્રેનોના વિલંબ અને રદ થવાને કારણે સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી હતી, જ્યારે મુસાફરોને ખોરાક, પીવાના પાણી અને મુસાફરી અંગેની માહિતી મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
પાલઘરમાં ટ્રેક પાણીમાં ગરકાવ, મુંબઈ-ગુજરાત વચ્ચેની ટ્રેન સેવા ખોરવાઈ
પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ સફાલે, કેલવે રોડ, વસઈ રોડ અને નાલાસોપારા સ્ટેશનો વચ્ચે ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયા હતા. સુરક્ષાના કારણોસર ટ્રેનોની અવરજવર પર અસર પડી હતી. અનેક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ, શોર્ટ ઓરિજિનેટ અથવા રી-શેડ્યૂલ કરવામાં આવી હતી, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો.
મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડતી કર્ણાવતી એક્સપ્રેસ, વંદે ભારત એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ, ડબલ ડેકર એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો પ્રભાવિત થઈ હતી. પશ્ચિમ રેલવેના આંકડા મુજબ કુલ 86 ટ્રેનો પર અસર થઈ છે, જેમાં 16 ટ્રેનો સંપૂર્ણ રદ, 15 શોર્ટ ટર્મિનેટ, 16 શોર્ટ ઓરિજિનેટ, 26 ટ્રેનો રી-શેડ્યૂલ અને 13 ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉપરાંત અન્ય અનેક ટ્રેનો પણ કલાકો સુધી વિલંબથી દોડી રહી છે.
વલસાડ અને વાપી સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ
રેલ સેવા ખોરવાતા વલસાડ અને વાપી રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ ઉમટી પડી હતી. અનેક મુસાફરો પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હોવાથી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર, રેલવે અધિકારીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓ સતત સ્ટેશન પર પરિસ્થિતિની સમીક્ષા કરતા રહ્યા હતા.
RSS અને ભાજપની ટીમ મદદે આવી
મુસાફરોને મુશ્કેલીમાં જોઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સેવાકાર્ય માટે મેદાનમાં ઉતર્યા હતા. લોકસભાના દંડક અને સાંસદ ધવલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, હેતલબેન સહિત ભાજપના અગ્રણીઓ વલસાડ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા.
ભાજપના કાર્યકરો દ્વારા મુસાફરો માટે પીવાના પાણીની બોટલો, બિસ્કિટ, નાસ્તા અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ RSSના સ્વયંસેવકોએ મોટી સંખ્યામાં મુસાફરો માટે ગરમાગરમ ખીચડી અને અન્ય ભોજનની વ્યવસ્થા કરીને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
બસોની ખાસ વ્યવસ્થા, મુસાફરોને પહોંચાડાયા ગંતવ્ય સુધી
સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે મુસાફરોની મુશ્કેલી ઘટાડવા માટે જિલ્લા કલેક્ટર અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) સાથે સંકલન કરીને તાત્કાલિક બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વાપીથી ત્રણ અને વલસાડથી ત્રણ એમ કુલ છ બસો મુંબઈ તરફ રવાના કરવામાં આવી હતી. મુસાફરોની સંખ્યા વધે તો વધુ બસો દોડાવવાની પણ તૈયારી રાખવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. વાપીમાં રાત્રિ રોકાણ કરવાની ફરજ પડતા મુસાફરો માટે સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા રહેવા અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પણ અસરગ્રસ્ત
ભારે વરસાદની અસર માત્ર રેલવે પૂરતી મર્યાદિત રહી નથી. મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવેના કેટલાક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને ભૂસ્ખલનની શક્યતાને ધ્યાનમાં રાખીને પ્રશાસન સતત નજર રાખી રહ્યું છે.
મુંબઈ અને પુણે તરફ જતા માર્ગો પર મુસાફરી કરતા લોકોને ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
નાગરિકોને પ્રવાસ ટાળવાની અપીલ
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાંસદ ધવલ પટેલે ગુજરાતના નાગરિકોને હાલ પૂરતો મુંબઈ અને મહારાષ્ટ્ર તરફનો પ્રવાસ મુલતવી રાખવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી વરસાદની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બિનજરૂરી મુસાફરી ટાળવી હિતાવહ રહેશે.
રેલવે વિભાગે પણ મુસાફરોને મુસાફરી પહેલાં પોતાની ટ્રેનનું સ્ટેટસ ચકાસવા અને સત્તાવાર સૂચનાઓને અનુસરવા જણાવ્યું છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં નાસિકમાં વાદળ ફાટવાની આશંકા : સ્કૂલ-કોલેજો બંધ, સેના-પોલીસ અને તંત્ર હાઈ એલર્ટ પર
અનેક મહત્વની ટ્રેનો પર પડી અસર
ભારે વરસાદના કારણે અમદાવાદ-મુંબઈ કર્ણાવતી એક્સપ્રેસ, અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ, અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ, ડબલ ડેકર એક્સપ્રેસ, સુરત-વિરાર ઇન્ટરસિટી, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, જામનગર હમસફર, બાંદ્રા-જયપુર, બાંદ્રા-હિસાર, દાદર-પોરબંદર સહિત અનેક મહત્વની ટ્રેનો રદ, શોર્ટ ટર્મિનેટ અથવા વિલંબિત કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને સતત અપડેટ આપવામાં આવી રહ્યા છે અને વરસાદની સ્થિતિ સામાન્ય થતાં જ ટ્રેન સેવા ધીમે ધીમે પુનઃસ્થાપિત કરવામાં આવશે.





