Ahmedabad Blast Case Gujarat High Court to Deliver Verdict: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ આપશે ઐતિહાસિક ચુકાદો. આ કેસના 49 દોષિતોની અપીલ પર સૌની નજર રહેશે. 2008ના આતંકી હુમલાના 18 વર્ષ બાદ આજે ગુજરાત હાઈકોર્ટ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. સેસન્સ કોર્ટનો 38ને ફાંસી અને 11ને આજીવન કેદનો ચુકાદો યથાવત રાખી શકે છે હાઈકોર્ટ.
અમદાવાદમાં 26 જુલાઈ, 2008ના રોજ થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ ઐતિહાસિક અને અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવશે. વર્ષ 2022માં વિશેષ અદાલતે દોષિત જાહેર કરાયેલા કુલ 49 આરોપીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલો તેમજ રાજ્ય સરકાર દ્વારા મૃત્યુદંડની પુષ્ટિ માટે કરવામાં આવેલી કાર્યવાહી પર હાઈકોર્ટ આજે પોતાનો નિર્ણય જાહેર કરશે. દેશના સૌથી મોટા આતંકવાદી કેસોમાં ગણાતા આ મામલાના ચુકાદા પર પીડિત પરિવારો, કાનૂની નિષ્ણાતો અને સમગ્ર દેશની નજર મંડાઈ છે.
વિશેષ અદાલતે 18 ફેબ્રુઆરી, 2022ના રોજ 49 દોષિતોમાંથી 38ને મૃત્યુદંડ અને 11ને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ કાયદાકીય જોગવાઈ મુજબ મૃત્યુદંડની પુષ્ટિ માટે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો, જ્યારે તમામ દોષિતોએ પોતાની સજા અને દોષિત ઠરાવવાના નિર્ણય સામે અલગ-અલગ અપીલો દાખલ કરી હતી. લાંબી દલીલો અને સુનાવણી પૂર્ણ થયા બાદ આજે હાઈકોર્ટ પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરશે.
26 જુલાઈ, 2008ના રોજ 70 મિનિટમાં 21 વિસ્ફોટ
26 જુલાઈ, 2008ની સાંજે અમદાવાદ શહેરમાં આશરે 70 મિનિટના ગાળામાં અલગ-અલગ 20 સ્થળોએ કુલ 21 સિરિયલ બોમ્બ વિસ્ફોટ થયા હતા. શહેરના વ્યસ્ત વિસ્તારો, AMTS બસો અને ત્યારબાદ સારવાર માટે ઘાયલોને લઈ જવામાં આવતા સિવિલ હોસ્પિટલ અને એલ.જી. હોસ્પિટલના પરિસરમાં પણ વિસ્ફોટ થતાં ભારે અરાજકતા સર્જાઈ હતી. હુમલાખોરોએ ઘાયલોને સારવાર મળતી જગ્યાઓને પણ નિશાન બનાવી હોવાના કારણે આ હુમલો વધુ ભયાનક માનવામાં આવ્યો હતો. આ આતંકવાદી હુમલામાં 56 નિર્દોષ લોકોનાં મોત થયા હતા જ્યારે 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો અને ભારતના સૌથી ગંભીર સિરિયલ બ્લાસ્ટ કેસોમાં તેનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન ગુજરાત સહિત અનેક રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને લાંબી તપાસ બાદ વિવિધ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
13 વર્ષ સુધી ચાલ્યો ટ્રાયલ
આ કેસમાં કુલ 77 આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અનેક અલગ-અલગ FIRને એકત્ર કરીને વિશેષ અદાલતમાં એકસાથે ટ્રાયલ ચલાવવામાં આવ્યો હતો. 2009થી શરૂ થયેલી સુનાવણી લગભગ 13 વર્ષ સુધી ચાલી હતી. હજારો દસ્તાવેજો, સેંકડો સાક્ષીઓ, ફોરેન્સિક પુરાવા અને ટેક્નિકલ માહિતીના આધારે વિશેષ અદાલતે 8 ફેબ્રુઆરી, 2022ના રોજ 49 આરોપીઓને દોષિત અને 28 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ 18 ફેબ્રુઆરીએ સજા જાહેર કરવામાં આવી હતી. વિશેષ ન્યાયાધીશે આ કેસને "અત્યંત દુર્લભ" (Rarest of Rare) શ્રેણીનો ગણાવી 38 દોષિતોને ફાંસીની સજા ફટકારી હતી, જ્યારે બાકીના 11 દોષિતોને જીવનના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. એક જ કેસમાં 38 લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવવી ભારતીય ન્યાયિક ઇતિહાસની સૌથી મોટી સજાઓમાંની એક માનવામાં આવે છે. જોકે, મૃત્યુદંડ અમલમાં આવે તે પહેલાં હાઈકોર્ટની પુષ્ટિ ફરજિયાત હોવાથી સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવ્યો હતો.
આજે શું થઈ શકે?
ગુજરાત હાઈકોર્ટ આજે વિશેષ અદાલતના ચુકાદાને યથાવત રાખી શકે છે, મૃત્યુદંડને આજીવન કેદમાં ફેરવી શકે છે, કોઈ આરોપીને રાહત આપી શકે છે અથવા પુરાવાના આધારે અન્ય કોઈ યોગ્ય નિર્ણય લઈ શકે છે. હાઈકોર્ટનો નિર્ણય આવ્યા બાદ પણ પક્ષકારો માટે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાનો માર્ગ ખુલ્લો રહેશે. ચુકાદાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી તંત્ર સતર્ક છે. આ કેસ માત્ર એક આતંકવાદી હુમલાનો નહીં પરંતુ લાંબી ન્યાયિક પ્રક્રિયા, ફોરેન્સિક તપાસ અને આતંકવાદ વિરોધી કાયદાકીય કાર્યવાહીની દૃષ્ટિએ પણ દેશના સૌથી મહત્વપૂર્ણ કેસોમાંનો એક માનવામાં આવે છે.





