Home Gujarat Gujarat Ports Nanda Devi Shivalik Ships Lpg Gas Supply Middle East War Impact

'Shivalik' બાદ 'Nanda Devi' પહોંચ્યું ગુજરાત : સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી LPG ભરેલા બીજા જહાજનું વાડિનાર ખાતે આગમન

'Shivalik' બાદ  'Nanda Devi' પહોંચ્યું ગુજરાત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 07:33 AM IST

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત માટે મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. ઈરાનની વ્યૂહાત્મક રીતે મહત્વની ગણાતી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પાર કરીને ભારતનું બીજું મહત્વનું જહાજ 'નંદા દેવી' (Nanda Devi) આજે ગુજરાતના વાડિનાર પોર્ટ પર સફળતાપૂર્વક પહોંચી ગયું છે. આ અગાઉ ગઈકાલે જ 'શિવાલિક' જહાજ મુંદ્રા પોર્ટ પર લંગરવામાં આવ્યું હતું.
ભારતીય જહાજ 'નંદા દેવી'નું વાડિનાર ખાતે આગમન

દેશની ઊર્જા સુરક્ષા માટે નંદા દેવી જહાજનું ભારત પહોંચવું ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. કોસ્ટ ગાર્ડ અને પોર્ટ પ્રશાસનની કડક દેખરેખ હેઠળ આ જહાજનું સુરક્ષિત એન્કરિંગ કરવામાં આવ્યું છે. વાડિનારના ડીપ વોટર ટર્મિનલ પર હવે આ જહાજમાંથી ગેસનો જથ્થો ખાલી કરવાની (Unloading) તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નંદા દેવીમાંથી LPG ગેસને 'Mtbw બ્રિઝ' અને 'Mt જગ પ્રતાપ' જેવા નાના જહાજોમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

કુલ 92,700 ટન LPG જથ્થા સાથે બે જહાજોની એન્ટ્રી

ભારત સરકારના સતત પ્રયાસોને કારણે ગુજરાતના બે મોટા બંદરો પર ગેસનો વિશાળ જથ્થો આવી પહોંચ્યો છે:

  • કુલ જથ્થો: બંને જહાજો મળીને કુલ 92,700 ટન LPG ગેસ ભારત લાવ્યા છે.

  • શિવાલિક જહાજ: કચ્છના મુંદ્રા પોર્ટ પર પહોંચેલા આ જહાજમાં 44,000 મેટ્રિક ટન ગેસ છે.

  • વિતરણ: શિવાલિકના 44 હજાર ટનમાંથી 20 હજાર ટન ગેસ પાઈપલાઈન દ્વારા મુંદ્રાના ટેન્કોમાં રિફિલ કરાશે, જ્યારે બાકીનો 24 હજાર ટન જથ્થો મેંગ્લોર મોકલવામાં આવશે.

યુદ્ધના જોખમ વચ્ચે 15 દિવસની લાંબી સફર

સામાન્ય સંજોગોમાં શિવાલિક જહાજ જે અંતર 8 દિવસમાં કાપે છે, તેને યુદ્ધની સ્થિતિ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી અડચણોને કારણે ભારત પહોંચતા 15 દિવસ લાગ્યા હતા. કેપ્ટન અને 25 ક્રૂ મેમ્બર્સ સાથે આ ભારતીય ધ્વજ ધરાવતું LPG કેરિયર તમામ મુશ્કેલીઓ પાર કરીને મુંદ્રા પહોંચ્યું ત્યારે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

તેમને જણાવી દઈએ કે, શિવાલિક જહાજ લગભગ 200 મીટરથી વધુ લાંબું અને 5 માળ જેટલી ઊંચાઈ ધરાવે છે. તેને કિનારા સુધી લાવવા માટે ખાસ 'ટગ બોટ'ની મદદ લેવામાં આવી હતી.

સામાન્ય જનતાને શું ફાયદો થશે?

મધ્ય પૂર્વના તણાવને કારણે ગેસના પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકા હતી. જોકે, આ બે જહાજોના આગમનથી ભારતમાં LPG ગેસની અછત દૂર થશે અને સામાન્ય જનતાને રાંધણ ગેસના સિલિન્ડર મેળવવામાં પડતી હાલાકીમાંથી મુક્તિ મળશે. સરકાર હજુ પણ વધુ જથ્થો ભારત લાવવા માટે રાજદ્વારી સ્તરે પ્રયત્નો કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now