ગુજરાતમાં દર મહિને પોલીસ વિભાગ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે, જેમાં રાજ્યભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ગુનાખોરી રોકવા માટેની કામગીરી અને નવી દિશાઓ પર ચર્ચા કરે છે. ત્યારે આ વખતે ‘કમ્યુનિટી પ્રોગ્રામ’ અને સાઇબર સુરક્ષા પર ખાસ ભાર મુકાયો હતો.
'તેરા તુઝકો અર્પણ' હેઠળ 14 કરોડનો મુદ્દામાલ પરત કરાયો
આ ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન વિગતો આપવામાં આવી હતી કે, 'તેરા તુઝકો અર્પણ' યોજના હેઠળ માત્ર મે મહિનામાં 623 કાર્યક્રમો દ્વારા અંદાજે રૂપિયા 14 કરોડનો મુદ્દામાલ પરત કરાયો છે. પોલીસે લોકો સાથે નજીકથી જોડાવાનું કાર્ય પણ કર્યું છે. પોલીસે 1770 વાર્તાલાપો થકી સ્થાનિક સમસ્યાઓ અંગે ચર્ચા કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વ્યાજખોરો સામે 43 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને 74 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સાઈબર ફ્રોડ મામલે પોલીસની કામગીરી
સાઈબર ફ્રોડ ખૂબ મોટો પડકાર છે. મે 2025 દરમિયાન પોલીસે હેલ્પલાઇન પર આવેલી ફરિયાદોની તપાસ કરીને રૂપિયા 17 કરોડ પરત અપાવ્યા છે. સાથો સાથ સાઇબર એજ્યુકેશન અભિયાનો ચલાવી લોકજાગૃતિ ફેલાવવામાં આવી છે. ‘સમન્વય પોર્ટલ’ની મદદથી ભાડે આપવામાં આવતા બેંક ખાતાની પણ પોલીસે ઓળખ કરી છે. ફરાર આરોપીઓ પકડી પાડવામાં પણ પોલીસને સફળતા મળી છે, જેમાં 480 આરોપીઓને પકડવામાં આવ્યા છે, જેમાંથી 276 આરોપી વર્ષોથી ફરાર હતા. 26 પેરોલ જમ્પ કરનારા આરોપી પણ ઝડપાયા છે.
અસામાજિક તત્વો સામે પોલીસની ખાસ કાર્યવાહી
અસામાજિક તત્વો સામે 15 માર્ચથી શરૂ થયેલી ખાસ કામગીરી હેઠળ અઢી મહિના દરમિયાન 586 અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણ દૂર કરાયા છે, 1857 વીજ જોડાણ કાપવામાં આવ્યા છે, 434 જામીન અરજી રદ કરવામાં આવી છે અને 1000થી વધુ તત્વોને તડીપાર કરાયા છે. ઉપરાંત 800થી વધુ વિરૂદ્ધ પાસા હેઠળ કડક કાર્યવાહી થઈ છે. 204 બેંક ખાતા સીઝ કરવામાં આવ્યા છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં સુરક્ષાને લઈ મેરિન ટાસ્ક ફોર્સ અને SOGની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે ચર્ચા થઈ છે. છેલ્લાં 15 દિવસોમાં NDPS કેસમાં 70 આરોપીની ધરપકડ પણ કરાઈ છે. આ તમામ વિગતો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આપી હતી
ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ગરમાયો માહોલ: ભાજપના બે ઉમેદવાર સહિત ત્રણ નામો મેદાનમાં, ઉમેદવારી પ્રક્રિયા તેજ






