Accident News : વૈષ્ણોદેવીનાં દર્શન કરીને પરત ફરી રહેલાં વલસાડ - ગુજરાતના લગભગ 50 જેટલા શ્રદ્ધાળુઓ ખાટુશ્યામજી જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ, બીકાનેર તરફથી જયપુર જઈ રહેલી સ્લીપર બસમાં ઝુંઝુનૂથી બીકાનેર તરફ ઝડપે આવી રહેલી ટ્રકે જોરદાર ટક્કર મારી હતી.
ભારે મહેનતે મુસાફરોને બસની બહાર કાઢ્યા
અકસ્માતમાં ટક્કર એટલી ભયંકર હતી કે, બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો અને મુસાફરો અંદર ફસાઈ ગયા. ઘટનાસ્થળે આવેલા સ્થાનિક લોકોએ તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી અને બચાવકાર્ય શરૂ કરવામાં સહાય કરી હતી. મુસાફરોને બસમાંથી બહાર કાઢવા માટે ભારે મહેનત પડી હતી.
4 લોકોનાં મોત
આ અકસ્માતમાં 4 લોકોનાં દુઃખદ મોત નિપજ્યા છે, જ્યારે 7 જેટલા શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટના સ્થળ પર શોક અને અફરાતફરીનું માહોલ જોવા મળ્યો હતો.






