Home Gujarat Gujarat News Sabarkatha Arvali Milk Protest Sabar Dairy

સતત પાંચમા દિવસે પણ સાબરડેરી સામે વિરોધ યથાવત : સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ ટેન્કરોના વાલ્વ ખોલી રસ્તા પર દૂધ ઢોળ્યું

સતત પાંચમા દિવસે પણ સાબરડેરી સામે વિરોધ યથાવત
Published by: OBS Bureau
Last Updated: Jul 18, 2025, 11:06 AM IST

સતત પાંચમા દિવસે પણ સાબરડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત

પશુપાલકોએ હિંમતનગર અને મેઘરજમાં ટેન્કરોના વાલ્વ ખોલી દૂધ ઢોળ્યું

આજે સાબરડેરીના નિયામક મંડળના સભ્યોની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો સાબર ડેરી સામેનો વિરોધ પાંચમા દિવસે પણ યથાવત રહ્યો છે. લગભગ 3.5 લાખ પશુપાલકો સાથે જોડાયેલા આ આંદોલનનું મૂળ કારણ ડેરી દ્વારા ભાવ વધારાની માંગણી ન સ્વીકારવામાં આવી હોવાનું છે. પશુપાલકોએ પોતાનો રોષ વ્યક્ત કરવા માટે આકરાં પગલાં લીધાં છે.


ખાસ કરીને આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં, સાબરડેરી સામે રોષે ભરાયેલાં પશુપાલકોએ નેશનલ હાઈવે 48 પર જવાનપુરા ગામ નજીક દૂધના ટેન્કરોના વાલ્વ ખોલી રોડ પર દૂધ ઢોળી દીધું. આ ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે. તેવી જ રીતે, મોડાસા અને મેઘરજમાં, પશુપાલકોએ મોડાસા-મેઘરજ રોડ પર દૂધ ઢોળ્યું અને મોડાસામાં ડેરીને બદલે સ્થાનિક જરૂરિયાતમંદોમાં દૂધનું વિતરણ કર્યું. પશુપાલકોએ જણાવ્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. માંગળીઓ નહીં સંતોષાય તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી પણ ચિમકી અપાઈ છે.


પશુપાલકોની મુખ્ય માંગણીઓઃ

તેમની મહેનતનું યોગ્ય વળતર મળે તે માટે દૂધના ભાવમાં યોગ્ય ભાવફેર આપવામાં આવે.

આંદોલન દરમિયાન પશુપાલકો સામે દાખલ થયેલા કેસો પરત ખેંચવામાં આવે.

ઈડરના જીજવા ગામના એક યુવકના મૃત્યુના કેસમાં તેના પરિવારને યોગ્ય ન્યાય અને વળતર આપવામાં આવે.


નિયામક મંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાઈઃ

વધતા જતા વિરોધના પગલે, સાબર ડેરીના નિયામક મંડળની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં ચેરમેન, વાઈસ ચેરમેન અને નિયામક મંડળના સભ્યોએ ભાગ લીધો. બેઠકમાં વાર્ષિક ભાવફેરના મુદ્દે અને વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી. બેઠક પહેલાં સ્થાનિક આગેવાનો અને સાંસદ સાથે પણ વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. બેઠકમાં વાર્ષિક સાધારણ સભા, ભાવફેરના મુદ્દાઓ અને સાબર ડેરી વિરુદ્ધ ગેરસમજ ફેલાવનારાઓની ભૂમિકા પર ગહન ચર્ચા થઈ. આ ઉપરાંત, આંદોલન દરમિયાન પોલીસ પર હુમલો કરનારાઓ સામે દાખલ થયેલા ગુનાઓનો મુદ્દો પણ ચર્ચાઈ શકે છે. બેઠક બાદ નિયામક મંડળ દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો જાહેર થવાની શક્યતા છે.


રાજકીય પક્ષો પણ દૂધિયા રાજકારણમાં મેદાનમાંઃ

આ આંદોલન હવે રાજકીય રંગ પકડી રહ્યું છે, જેમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસે પશુપાલકોનું સમર્થન કર્યું છે. AAPના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 23 જુલાઈએ મોડાસા ખાતે ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’માં હાજરી આપશે અને પશુપાલકોના હક માટે અવાજ ઉઠાવશે. કોંગ્રેસે પણ જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકીની આગેવાની હેઠળ ઈડર, હિંમતનગર અને તલોદમાં નાયબ કલેકટર અને મામલતદારને આવેદનપત્રો સુપરત કર્યા છે. પાર્ટીએ માંગ કરી છે કે સાબર ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં યોગ્ય ભાવફેર ચૂકવવામાં આવે. આ ઉપરાંત, આંદોલન દરમિયાન ઈડરના જીજવા ગામના એક યુવકના મૃત્યુના કેસમાં તેના પરિવારને યોગ્ય વળતર આપવાની માંગ પણ ઉઠી છે.


સાબર ડેરી એમડીનું નિવેદનઃ

સાબર ડેરીના એમડી સુભાષ પટેલે જણાવ્યું કે આંદોલનનો રોષ ધીમે ધીમે ઘટી રહ્યો છે. તેમણે કહ્યું કે કેટલાક પશુપાલકો દૂધ ભરવા માટે તૈયાર છે, પરંતુ અસામાજિક તત્વો તેમને અટકાવી રહ્યા છે, જેના કારણે અસમંજસની સ્થિતિ છે. તેમણે ઉમેર્યું કે દૂધનું સંગ્રહ ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે અને આજે લગભગ 15 લાખ લિટર દૂધ એકત્ર થવાની ગણતરી છે.


દૂધ મંડળીઓ બંધઃ

એમડીના દાવા છતાં, હિંમતનગરના આકોદરા ગામમાં દેશની પ્રથમ એનિમલ હોસ્ટેલમાં દૂધ મંડળી બંધ રહી. કેટલાક ગામોમાં પશુપાલકો ડેરીમાં દૂધ મોકલવાને બદલે સ્થાનિક જરૂરિયાતમંદોને આપી રહ્યા છે, જે સાબર ડેરી પ્રત્યેનો તેમનો રોષ દર્શાવે છે.


હાપા ગામની પ્રેરણાદાયી પહેલઃ

વિરોધ વચ્ચે, હાપા ગામના પશુપાલકોએ દૂધનો સદુપયોગ કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. દૂધ મંડળીઓ બંધ હોવાથી, તેમણે 200 લિટર દૂધનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ દૂધપાક બનાવ્યો, જે આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાના લગભગ 800 બાળકોને પીરસવામાં આવ્યો. આ પહેલથી બાળકોને પૌષ્ટિક આહાર મળ્યો અને દૂધનો વ્યય પણ ટળ્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now