Patan Politics: કોંગ્રેસના ધારાસભ્ય અને નગરપાલિકાના ચીફ ઓફિસર વચ્ચે બબાલ સામે આવી છે. પાટણમાં કોંગ્રેસના ધારાસભ્ય અને નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર આમને-સામને આવી ગયા છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થકો દ્વારા તેમના જન્મદિવસની શુભેચ્છા આપતા હોર્ડિંગ લગાડવામાં આવ્યાં હતાં. જેને રાતોરાત ઉતારી લેવાનો નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસરે આદેશ કરતા વિવાદ વકર્યો છે.
પાટણમાં બેનર વિવાદે તીવ્ર રૂપ ધારણ કર્યુંઃ
ગુરુવારે પાટણમાં રાજકીય સ્તર પર ભારે બબાલ જોવા મળી. જયારે ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસ નિમિત્તે તેમના સમર્થકો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લાગેલા વિજ્ઞાપન બેનરોને નગરપાલિકા દ્વારા મંજૂરી વિના લગાવવામાં આવ્યા હોવાનું જણાતા તેમને ઉતારવાની કાર્યવાહી કરવામાં આવી. પાટણ નગરપાલિકાની ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા પાલિકા ટીમ સાથે આ બેનરો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. બે વખત પાલિકા ટીમે પ્રયાસ કર્યો છતાં ધારાસભ્યના સમર્થકોએ વિરોધ દર્શાવી બેનરો ઉતારવા દીધા નહોતા. અંતે, સાંજના સમયે ચીફ ઓફિસર પોતે પોલીસ બંદોબસ્ત સાથે મેદાનમાં ઉતરી બેનરો ઉતરાવતા ભારે વિવાદ અને ઘર્ષણ ઉભું થયું હતું.
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, નગરપાલિકાના તંત્રની કોઈ વેલ્યૂ નથી એવું સાબિત કરવા માંગે છે ધારાસભ્ય. અત્યારે પણ ધારાસભ્યએ આવીને ગુંડાગર્દી કરી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર અને પાટણના કોંગ્રેસના ધારાસભ્ય આમને-સામને આવી ગયા. પાટણની પ્રજાને એવો સંદેશ આપવા માંગે છે તમે ધારો ત્યાં દબાણ કરી શકો. નગરપાલિકાની જગ્યા પર હોર્ડિંગ લગાવ્યાં છે. ધારાસભ્યના ગુંડાઓએ દાદાગીરી કરીને હોર્ડિંગ લગાવ્યાં છે. અમારી જગ્યામાં કોઈપણ હોર્ડિંગ લાગશે તો નહીં લગાવાવા દેવાય. મારા માટે ધારાસભ્ય મહત્ત્વના નથી.
સમગ્ર વિવાદ મામલે પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યુંકે, મારા જન્મદિવસ નિમિતે મારા શુભેચ્છકોએ નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે પરવાનગી માંગી હતી. પરંતુ પરવાનગી આપી નહીં. અમે એજન્સીની મંજૂરીથી જ મારા જન્મદિવસના હોર્ડિંગ લગાવ્યાં હતાં.પરંતુ ચીફ ઓફિસર નગરપાલિકાના સળગતા પ્રશ્નોનું નિરાકરણ લાગતા નથી. પણ આવા વિષયમાં જાણીને વિવાદ કરે છે. પાટણ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર 'ચીફ ઓફિસર માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે.
ચીફ ઓફિસરનો આક્ષેપ: “પૈસા ભર્યા વિના બેનરો લગાવવામાં આવ્યા”
ચીફ ઓફિસર હિરલ ઠાકરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, "બેનરો માટે મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ ટેકનિકલ કારણસર પાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી. છતાં પણ જાહેર જગ્યા પર મનસ્વી રીતે અને પૈસા ભર્યા વિના બેનરો લગાવાયા છે, જે નિયમ વિરુદ્ધ છે. બેનરોને દૂર કરવાની કાર્યવાહી ચાલુ રહેશે."તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે, પાલિકા સ્ટાફ પર ધાકધમકી અને ગુંડાગર્દીનો ઉપયોગ થયો હતો, જે ચલાવી લેવાશે નહીં.
ધારાસભ્યનો જવાબ: “મગજ ઠેકાણે નથી એવું લાગી રહ્યું છે”
વિવાદ અંગે ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, "અમે પાલિકામાં પરમિશન માગી હતી, પરંતુ એજન્સીનું કામકાજ અટકાવવાના બહાના હેઠળ મંજૂરી આપવામાં આવી નહોતી. તેમ છતાં અમે એજન્સીની ફ્રેમમાં જ બેનરો લગાવ્યા છે."ચીફ ઓફિસરના નિવેદન અંગે તેમણે કડક પ્રતિક્રિયા આપતાં કહ્યું, "મહિલા છે એટલે બોલવાનો અધિકાર છે, પણ તેઓ જે રીતે બોલી રહ્યા છે, તે જોઈને એમ કહી શકાય કે તેમનું મગજ ઠેકાણે નથી. જેનું મગજ ઠેકાણે ન હોય, તે કંઈ પણ બોલી શકે છે."
મહિના પહેલાં પણ થયો હતો વિવાદઃ
પાટણના ચીફ ઓફિસર અને કોંગ્રેસ વચ્ચે તુ-તુ, મેં-મેં મહિના પહેલાં પણ થઈ હતી. ફાયર વિભાગની બેદરકારી મુદ્દે ચીફ ઓફિસર સાથે તકરાર જઈ હતી. જેમાં કોંગ્રેસે ચીફ ઓફિસરની ચેમ્બરમાં રામધૂન બોલાવીને વિરોધ કર્યો હતો. તે સમયે પણ પાટણ શહેર કોંગ્રેસે નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના શહેર પ્રમુખ, કોર્પોરેટરો, આગેવાનો અને કાર્યકરોએ 'હાય રે નગરપાલિકા હાય હાય', 'હાય રે ચીફ ઓફિસર હાય હાય', 'હાય રે પ્રમુખ હાય હાય' અને 'હાય રે ભાજપ હાય હાય' જેવા નારા લગાવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ચીફ ઓફિસર હિરલ ઠાકર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો વધુ ગરમાયો હતો.





