ફરી એક વાર ગુજરાતની ધરા ધ્રુજી ઉઠી, ગીર સોમનાથના તાલાલા વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા. ગઈ કાલે સાંજે 08:07 વાગ્યા આસપાસ આંચકો અનુભવાયો હતો. આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 1.8 ની નોંધવામાં આવી હતી. ગીર સોમનાથના ગીર તાલાલામાં અનુભવાયેલા આંચકાનું કેન્દ્ર બિંદુ નોર્થ તાલાલા વિસ્તારમાં નોંધાયું હતું.
5 ઓગસ્ટે કચ્છમાં અનુભવાયો આંચકો
કચ્છમાં સતત ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યાં છે. 5 ઓગસ્ટે સવારે સાત વાગ્યાની આસપાસ ધોળાવીરા નજીક 3.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 26 કિમી દૂર નોંધાયું હતું. નવ દિવસમાં કચ્છમાં 3થી વધુની તીવ્રતાના 4 આંચકા નોંધાયા હતા. સતત આવી રહેલા ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
9 દિવસમાં 4 આંચકા
કચ્છમાં જુલાઈ માસમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહેતા એક જ મહિનામાં ત્રણથી વધુની તીવ્રતાના 7 જેટલા આંચકા નોંધાયા હતા. 28 જુલાઈ રાત્રે ખાવડાથી 40 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતો 3.2ની તિવ્રતાનો આંચકો આવ્યો હતો. 31 જુલાઈએ સવારે 9 વાગ્યાની આસપાસ 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્ર બિંદુ બેલાથી 16 કિ.મી દૂર નોંધાયું હતું.






