Home Gujarat Gujarat News Gandhinagar Nfsu Fincon Fincon 2025

''નાણાકીય સાક્ષરતા અને સાયબર સુરક્ષા ડિજિટલ ભવિષ્યને સુરક્ષિત બનાવે'' : NFSU ખાતે “FINCON-2025''માં બોલ્યા બી.કે. સિંઘલ

''નાણાકીય સાક્ષરતા અને સાયબર સુરક્ષા ડિજિટલ ભવિષ્યને સુરક્ષિત બનાવે''
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 12:49 PM IST

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે બે દિવસીય ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સિક્યોરિટી એન્ડ મેનેજમેન્ટ કોન્ફરન્સ-“FINCON-2025”નું ઉદ્ઘાટન તા.28 ઓગસ્ટ, 2025ના રોજ થયું હતું. આ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, "NFSU જર્નલ - ફોરેન્સિક એકાઉન્ટિંગ અને ફ્રોડ ઇન્વેસ્ટિગેશન (NJFAFI)"નું વિમોચન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત NABARD-ગુજરાતના ચીફ જનરલ મેનેજર બી.કે. સિંઘલ; અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ડૉ. ગુરુપ્રસાદ મૂર્તિ, સ્થાપક ડિરેક્ટર-VNBRIMS; અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)-મુંબઈના મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી, રાજેશ થાપર; NFSUના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસ; NFSU-ગોવાના કેમ્પસ ડાયરેક્ટર પ્રો.(ડૉ.) નવીન કુમાર ચૌધરી અને NFSUની સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ડીન પ્રો.(ડૉ.) હરેશ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉદ્ઘાટન સમારોહમાં, ગુજરાતના નાબાર્ડના ચીફ જનરલ મેનેજર બી. કે. સિંઘલે ભાર મૂક્યો હતો કે, 'આજના અર્થતંત્રમાં નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નાણાકીય સાક્ષરતા આવશ્યક છે.' AI, મશીન લર્નિંગ અને બ્લોકચેનના પ્રભુત્વ ધરાવતા યુગમાં, તેમણે મજબૂત સાયબર સુરક્ષાના વધતા મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં નાણાકીય છેતરપિંડી અટકાવવા અને સંસ્થાકીય સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવામાં ટેકનોલોજીની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

"પદ્મશ્રી"થી સન્માનિત, NFSUના કુલપતિ, ડૉ. જે. એમ. વ્યાસે પોતાના અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું હતું કે, 'નાણાકીય ક્ષેત્રમાં વ્યૂહરચનાઓ અને ઈનોવેશનના આદાનપ્રદાન માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ આ કોન્ફરન્સ બની છે.' શ્રીમદ્ ભગવદ્ ગીતામાં દર્શાવેલી ભૌતિક અને નૈતિક સંપત્તિની પ્રાપ્તિ તથા તેના સંરક્ષણના મહત્ત્વને પણ તેમણે સરળ ભાષામાં સમજાવ્યું હતું. ડૉ. વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, 'ઉત્તમ ભાવિ સિક્યોરિટી એક્સપર્ટ અને મેનેજર બનવા માટે NFSUનો પાંચ વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ - BBA-MBA (ફોરેન્સિક એકાઉન્ટિંગ અને ફાઈનાન્સિયલ ફ્રોડ) ખૂબ જ મહત્ત્વનો છે.' તેમણે ઉમેર્યું હતું કે, 'સરકાર દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ સુરક્ષિત નાણાકીય ઇકોસિસ્ટમ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.'

NSE મુંબઈના મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી રાજેશ થાપરે નાણાકીય ક્ષેત્રને સુરક્ષિત કરવામાં શિક્ષણ-ઉદ્યોગ-સરકારના સહયોગની પરિવર્તનશીલ સંભાવના પર ભાર મૂક્યો હતો. તેમણે ભાવિ જોખમો સામે ઇનોવેશનને વેગ આપવા માટે વિસ્તૃત સંશોધનની હિમાયત કરી હતી. થાપરે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા માળખાને મજબૂત બનાવવા માટે "મેક ઇન ઇન્ડિયા" પ્રોડક્ટ બનાવવા પર વ્યૂહાત્મક ધ્યાન કેન્દ્રિત કરવા પણ જણાવ્યું હતું. NFSU-ગોવાના કેમ્પસ ડિરેક્ટર પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરીએ કોર્પોરેટ સાયબર સિક્યોરિટીને મજબૂત બનાવવા માટે એક મજબૂત ફોરેન્સિક માળખાની મહત્વપૂર્ણ જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ કોન્ફરન્સમાં ભારત સહિત વિદેશના વિદ્વાનો, વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને ઉદ્યોગ વ્યાવસાયિકો દ્વારા 600થી વધુ સહભાગીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now