Home Gujarat Gujarat News Breaking News Gujarat Politics Congress Rahul Gandhi Offbeat Stories

કોંગ્રેસમાં લગ્ન અને રેસના ઘોડા! : ભાજપની B ટીમ તરીકે કામ કરતા નેતાઓનું લિસ્ટ તૈયાર, ગુજરાત કોંગ્રેસમાં થશે ધરખમ ફેરફાર

કોંગ્રેસમાં લગ્ન અને રેસના ઘોડા!
Published by: OBS Bureau
Last Updated: Apr 16, 2025, 05:38 AM IST

Gujarat Politics: ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફારના એંધાણ જોવા મળી રહ્યાં છે. સંસદમાં ગુજરાત જીતવાનું ચેલેન્જ રાહુલ ગાંધી પીએમ મોદીને આપી ચૂક્યા છે. ત્યાર બાદ રાહુલ ગાંધીએ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરવા કમરકસી દીધી છે. એ જ કારણ છેકે, રાહુલ ગાંધીએ ભાજપ સાથે ભળેલાં અને પાર્ટીને નુકસાન પહોંચાડતા નેતાઓનું લિસ્ટ તૈયાર કરાવ્યું છે. આ નેતાઓની પાર્ટીમાંથી હકાલપટ્ટી નક્કી છે. તેથી જ રાહુલ ગાંધીના ફરી ગુજરાત પ્રવાસથી કોંગ્રેસના નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પક્ષના આંતરિક સૂત્રો મુજબ, કેટલાક નિષ્ક્રિય અને વિવાદાસ્પદ નેતાઓને પાર્ટીમાંથી સાઈડલાઇન કરવા અથવા સસ્પેન્ડ કરવા માટે તૈયારી શરૂ થઈ ગઈ છે.

અગાઉ રાહુલ ગાંધીએ કેટલાંક નેતાઓ પર નિશાન સાધતા એવું કહ્યું હતુંકે, ગુજરાત કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે, એક લગ્નના અને એક રેસના. એમાં તેમણે લગ્નના ઘોડા એટલેકે, શોભાના ગાંઠિયા સમાન નેતાઓ જે ભાજપ સાથે મળેલાં છે તેના પર સાંકેતિક ઈશારો કર્યો હતો. ત્યારે હવે ફરી રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ કોંગ્રેસે રેસના અને લગ્નના ઘોડા અલગ તારવી લીધા છે. પાર્ટીને નુકસાન કરતા કયા-કયા નેતાઓની હકાલપટ્ટી કરવી તેની યાદી કોંગ્રેસે તૈયાર કરી લીધી છે. એ જ કારણે ગુજરાત કોંગ્રેસના નેતામાં હવે ગભરાટ પેસ્યો છે.

આગામી વિધાનસભાની ચૂંટણી જીતવાના લક્ષ્યાંક સાથે ગુજરાતમાં કૉંગ્રેસના સંગઠનને મજબૂત કરવા હવે રાહુલ ગાંધી ખુદ મેદાને ઉતર્યા છે. રાષ્ટ્રીય અધિવેશન પછી તરત જ રાહુલ ગાંધી અમદાવાદના પ્રવાસે આવ્યાં હતાં. મંગળવારે બપોરે ત્રણ વાગે અમદાવાદ એરપોર્ટથી ગાંધી પ્રદેશ કોંગ્રેસ સમિતીએ પહોંચ્યા હતાં. જ્યાં સંગઠન સર્જન અભિયાન અંતર્ગત જિલ્લા અને મહાનગરોના 41 પ્રમુખો નક્કી કરવા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના કોઈપણ નેતાને સ્ટેજ પર સ્થાન અપાયું નહોતું. રાહુલ ગાંધીના કડક વલણથી કોંગ્રેસના કહેવાતા મોટા માથાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. એવી પણ માહિતી સામે આવી છેકે, મોવડી મંગળ દ્વારા દોઢ ડઝનની વધારે મળતિયા નેતાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. જેના પર કોંગ્રેસ હાઈકમાન્ડ ગમે ત્યારે એક્શન લઈ શકે છે.

ગુજરાત કોંગ્રેસના સંગઠનને નવો ઓપ આપવા રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી ખાતે એઆઇસીસી-પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો સાથે બેઠક યોજી વિસ્તૃત ચર્ચા કરી હતી. જિલ્લા પ્રમુખોની નવી રચના
રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ હવે જિલ્લા અને મહાનગર કક્ષાના પ્રમુખોની પસંદગી માટે નવી રીત અપનાવવામાં આવી છે. 31મી મે પહેલા સમગ્ર સંગઠનનું માળખું નવી રીતે ઊભું કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. દરેક જીલ્લામાં પાંચ સભ્યોની નિરીક્ષણ ટીમ બનાવવામાં આવશે જે સ્થાનિક કાર્યકરો અને આગેવાનો સાથે સંવાદ કરીને પ્રદેશ હાઈકમાન્ડને અહેવાલ આપશે.

23 એપ્રિલથી 8મી મે સુધી નીરિક્ષકો ગુજરાતના જુદા-જુદા જિલ્લાનો પ્રવાસ કરીને ડિટેલ રિપોર્ટ હાઈકમાન્ડને સુપરત કરશે. રાહુલ ગાંધી તરફથી નિરીક્ષકોને એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છેકે, મહિલાઓ ઉપરાંત તમામ સમાજ-વર્ગના લોકોને પ્રતિનિધિત્વ મળે તે રીતે નક્કી કરેલાં માપદંડ આધારે જીલ્લા પ્રમુખ-જલ્લા કમિટીની રચના કરવી. બુધવારે એટલેકે, આજ રોજ રાહુલ ગાંધી મોડાસામાં 1200થી વધારે બુથ કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now