Home Gujarat Gujarat News Anand Road Accident Truck Pickup Fire Deaths

કેમિકલ ભરેલાં પિકઅપ-ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, ભડથું થયા મહિલા-પુરુષ : આણંદ જિલ્લામાં સર્જાયો ભયાનક અકસ્માત, દ્રશ્યો જોઈને વિચલિત થઈ જશે મન

કેમિકલ ભરેલાં પિકઅપ-ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, ભડથું થયા મહિલા-પુરુષ
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 09:05 AM IST

Anand Road Accident: આણંદ જિલ્લામાં એક હૃદયવિદ્રાવક અને ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. આંકલાવ તાલુકાના અંબાવ ટોલ પ્લાઝા નજીક વાસદ–બગોદરા હાઇવે પર મોડી રાત્રે ટ્રક અને કેમિકલ ભરેલા પિકઅપ વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતાં જ પિકઅપમાં ભરેલા જ્વલનશીલ પ્રવાહીના કારણે વિકરાળ આગ ફાટી નીકળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રે અંદાજે 2 વાગ્યાના અરસામાં પિકઅપ વાહનમાં કોઈક પ્રકારનું સમારકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક ટ્રક આવીને પિકઅપને જોરદાર ટક્કર મારી હતી. પિકઅપના કાર્બામાં ભરેલું જ્વલનશીલ પ્રવાહી ટક્કર સાથે જ સળગી ઉઠ્યું અને પળોમાં આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. આગની લપેટમાં આવતા બંને વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા.

આ અકસ્માતમાં પિકઅપમાં સવાર એક પુરુષ અને એક મહિલાનું જીવતા જ સળગી જવાથી દુઃખદ મૃત્યુ થયું હતું. આગ એટલી તીવ્ર હતી કે બંને મૃતદેહો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા, જેને કારણે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી. ઘટના સ્થળે ભયાનક દ્રશ્યો સર્જાયા હતા અને હાઇવે પર દુરદુર સુધી આગ અને ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.

દુર્ઘટનાની જાણ થતાં જ આંકલાવ પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પોલીસે માર્ગ પરનો અવરોધ દૂર કરી ટ્રાફિકને નિયંત્રિત કર્યો હતો, જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા હાલ મૃતકોની ઓળખ કરવા તેમજ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતને કારણે વાસદ–બગોદરા માર્ગ પર થોડા સમય માટે વાહન વ્યવહારને અસર પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ અંકલેશ્વર-વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક બાઇક અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં એક મહિલાનું જીવતી જ ભુંજાઈ જવાથી કરુણ મૃત્યુ થયું હતું. આવી વારંવાર બની રહેલી ઘટનાઓ હાઇવે પર સલામતીના ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now