Gujarat Politics : ગુજરાતમાં રાજકીય ગરમાવો વચ્ચે આમ આદમી પાર્ટીને (AAP) મોટો ઝટકો લાગ્યો છે. AAPના નેશનલ જોડ્ટ સેક્રેટરી અને સિનિયર નેતા ચેતન રાવલએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે અંગત કારણો દર્શાવતા પોતાના રાજીનામાનું પત્ર પાર્ટીના ગુજરાત પ્રમુખ ઈશુદાન ગઢવીને મોકલ્યું છે.
ગોવા AAPના પ્રભારી તરીકે નિભાવી રહી હતી જવાબદારીઃ
ચેતન રાવલ હાલમાં ગોવા રાજ્ય માટે AAPના પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા. તેમ છતાં, હવેથી તેઓ પાર્ટી સાથે પોતાનો નાતો તોડી રહ્યા છે. રાજીનામા પત્રમાં તેમણે કોઈ ખાસ રાજકીય કારણ ઉલ્લેખ્યું નથી, પરંતુ પારિવારિક અને અંગત કારણોનો ઉલ્લેખ કર્યો છે.
ફરીથી કોંગ્રેસમાં વાપસી કરવાની શક્યતાઃ
મળતી માહિતી મુજબ, ચેતન રાવલ આગામી દિવસોમાં કોંગ્રેસમાં પાછા ફરવાની તૈયારીમાં છે. તેઓ અગાઉ પણ લાંબા સમય સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા હતા. તેઓ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને પ્રવક્તા તરીકે પણ કાર્યરત રહ્યા છે. તેમણે અમદાવાદની ખાડિયા અને અસારવા વિધાનસભા બેઠકો પરથી ચૂંટણી લડી છે.
ચેતન રાવલની રાજકીય પૃષ્ઠભૂમિઃ
ચેતન રાવલ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી સ્વ. પ્રબોધ રાવલના પુત્ર છે. તેમની રાજકીય કારકિર્દી કોંગ્રેસથી શરૂ થઈ હતી અને તેમણે પક્ષના વિવિધ મહત્વપૂર્ણ પદો સંભાળ્યા હતા. કોંગ્રેસ છોડીને AAPમાં જોડાયા બાદ પણ તેમણે પાર્ટી માટે વિવિધ રાજ્યોમાં કાર્ય કર્યું છે.
પક્ષપલટાની સીઝનમાં વધુ એક મોટો ફેરફારઃ
હાલમાં રાજ્યમાં જુદા જુદા નેતાઓના પક્ષપલટાની લહેર ચાલી રહી છે. ચેતન રાવલનો રાજીનામો પણ એ જ પ્રવાહનો ભાગ માનવામાં આવી રહ્યો છે. જાણવા મળ્યું છે કે તેઓ પોતાના સમર્થકો સાથે મળી સંઘટિત રીતે ફરીથી કોંગ્રેસમાં પ્રવેશી શકે છે. ચેતન રાવલનો રાજીનામો માત્ર AAP માટે નહી, પરંતુ ગુજરાતની રાજકીય ગણિત માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આગામી દિવસોમાં તેઓની ઘોષિત રાજકીય દિશા પર બધાની નજર રહેશે.






