ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મોટો રાજકીય ફેરફાર જોવા મળી રહ્યો છે. હાલના તબક્કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ 16 મંત્રીઓના રાજીનામા સ્વીકારી લીધા છે. રાત્રે 9 વાગ્યે મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચેની મુલાકાત અચાનક રદ થઈ ગઈ હતી, પરંતુ હવે આ મુલાકાત આવતીકાલે સવારે 9 વાગ્યે યોજાશે.
શપથ સમારોહ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ પૂર્ણ
આવતીકાલે સવારે 11:30 વાગ્યે મહાત્મા મંદિરમાં નવા મંત્રીઓનો શપથ સમારોહ યોજાશે. રાજ્યપાલ નવા મંત્રીઓને શપથ લેવડાવશે. માહોલને જોતા માનવામાં આવી રહ્યું છે કે હાલના 4 થી 5 મંત્રીઓને ફરી સ્થાન મળી શકે છે, જ્યારે કેટલાકના ખાતામાં ફેરફાર થવાની શક્યતા છે.
નડ્ડાની હાજરીમાં CM નિવાસસ્થાને મહત્ત્વપૂર્ણ બેઠક
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અમદાવાદ આવી પહોંચ્યા છે. તેઓને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રિસીવ કર્યા હતા. ત્યારબાદ તેઓ ગાંધીનગર સર્કિટ હાઉસમાં પહોંચ્યા, જ્યાં બેઠક બાદ તેઓ CM હાઉસમાં ભૂપેન્દ્ર પટેલ સાથે મળીને નવા મંત્રીમંડળના ચહેરાઓ પર અંતિમ ચર્ચા કરશે.
MLA ક્વાર્ટર્સમાં 40 જેટલા ધારાસભ્યોની હાજરી
ભાજપે તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના આપી છે. MLA ક્વાર્ટર્સમાં હાલ 40 જેટલા ધારાસભ્યો હાજર છે. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, તેમજ સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલની હાજરી ખાસ નોંધપાત્ર છે. કનુભાઈ પટેલને મંત્રીપદ માટે ચર્ચામાં માનવામાં આવી રહ્યા છે.
જૂના મંત્રીઓની ચેમ્બરો ખાલી – નવું મંત્રીમંડળ તૈયાર
રાજીનામા બાદ જૂના મંત્રીઓની ચેમ્બરો ખાલી કરાવવાનો કાર્ય શરૂ થઈ ગયો છે. ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, કુબેર ડીંડોર અને બળવંતસિંહ રાજપૂતની ઓફિસમાંથી દસ્તાવેજો હટાવવામાં આવ્યા છે. કર્મચારીઓએ ફાઈલો પેક કરી દીધી છે અને પ્લેટ્સ ઉતારી લેવામાં આવી છે.
સુનીલ બંસલ પણ પહોંચ્યા, સંગઠનની હલચલ તેજ
ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ પણ ગુજરાત આવી ગયા છે. તેમણે સર્કિટ હાઉસમાં સંગઠન મહામંત્રી રત્નાકર અને ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ મંત્રીઓના અંતિમ નામો નક્કી થવાની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે.






