ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં અત્યાર સુધીનું સૌથી મોટું સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વિશ્વ ડોક્ટર દિવસના અવસરે બુધવારે રાજ્યભરની આશરે 12 હજાર આરોગ્ય સંસ્થાઓમાં 'નમો સ્વચ્છતા અભિયાન'નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન આગામી સાત દિવસ સુધી સતત ચાલશે, જેમાં સિવિલ હોસ્પિટલોથી લઈને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC), પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સબ સેન્ટર અને અન્ય સરકારી આરોગ્ય સંસ્થાઓમાં વ્યાપક સફાઈ, જાળવણી અને રિપેરિંગની કામગીરી હાથ ધરાશે.
આ અભિયાનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હોવાનું રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણ મહિનાથી આ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું હતું અને હવે તેનું અમલીકરણ સમગ્ર રાજ્યમાં એકસાથે શરૂ કરવામાં આવ્યું છે.
હોસ્પિટલોમાં સફાઈથી લઈને રિપેરિંગ સુધીની કામગીરી
આરોગ્ય વિભાગના આયોજન મુજબ અભિયાન દરમિયાન હોસ્પિટલ પરિસરની સફાઈ ઉપરાંત પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિકલ મરામત, તૂટેલા સાધનોનું સમારકામ, ભંગારનો નિકાલ, જૂના ફર્નિચર અને બિનઉપયોગી સામગ્રી દૂર કરવી, એમ્બ્યુલન્સની સફાઈ તેમજ દર્દીઓને વધુ સ્વચ્છ અને સુવિધાસભર વાતાવરણ ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી કામગીરી કરવામાં આવશે. હોસ્પિટલના દરેક વિભાગ, વોર્ડ, પ્રતીક્ષાખંડ, કોરિડોર અને ખુલ્લા પરિસરને સ્વચ્છ બનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અભિયાન પૂર્ણ થયા બાદ પણ હોસ્પિટલોમાં કાયમી સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નિયમિત મોનિટરિંગ અને અનુસરણની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાત સરકારનો મોટો નિર્ણય : ફોજદારી કેસમાં આરોપી નિર્દોષ છૂટે તો હવે પોલીસ અને સરકારી વકીલની થશે તપાસ
લોકો પણ સ્વચ્છતામાં સહભાગી બને: આરોગ્યમંત્રી
આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે માત્ર સફાઈ કર્મચારીઓ કે હોસ્પિટલ સ્ટાફની જવાબદારી પૂરતી નથી, પરંતુ હોસ્પિટલમાં આવતા દરેક નાગરિકે પણ સ્વચ્છતા જાળવવામાં પોતાનો ફાળો આપવો જરૂરી છે.
તેમણે લોકોને હોસ્પિટલના પરિસરમાં કચરો ન ફેંકવા, વધેલો ખોરાક ખુલ્લો ન મૂકવા તેમજ પાન, માવો અને ગુટખાની પિચકારી કરીને ગંદકી ન ફેલાવવા અપીલ કરી હતી. તેમના જણાવ્યા મુજબ સ્વચ્છ હોસ્પિટલ માત્ર દેખાવ માટે નહીં, પરંતુ દર્દીઓમાં ચેપનું પ્રમાણ ઘટાડવા અને સારવારનું સારું વાતાવરણ ઉભું કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
ગંદકી ફેલાવનાર સામે થશે કાર્યવાહી
આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હોસ્પિટલ પરિસરમાં ગંદકી ફેલાવનાર લોકો સામે નિયમો મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સરકારનો ઉદ્દેશ માત્ર સાત દિવસનું અભિયાન ચલાવવાનો નથી, પરંતુ તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં લાંબા ગાળે સ્વચ્છતા અને શિસ્તની સંસ્કૃતિ વિકસાવવાનો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ, ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓના સંકલનથી સમગ્ર રાજ્યમાં આ અભિયાનનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : અમદાવાદ મેટ્રો ફેઝ-3B માટે કાઉન્ટડાઉન શરૂ : GMRCએ રૂ.1.46 કરોડનું જિયોટેકનિકલ ટેન્ડર બહાર પાડ્યું






