Gujarat Weather 2026: લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે અને ત્યાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી મારી દીધી છે. જો કે, આ વર્ષે ચોમાસું તેના નિર્ધારિત સમય (11 જૂન) કરતાં લગભગ 13 દિવસ મોડું પહોંચ્યું છે. મુંબઈમાં વરસાદના આગમનની સાથે જ હવે ગુજરાતમાં પણ ચોમાસાના સત્તાવાર મંડાણ માટેની ઘડીઓ ગણાઈ રહી છે. હવામાન વિભાગ (IMD) અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીઓએ ગુજરાતના ખેડૂતોમાં આશાનો નવો સંચાર કર્યો છે.
1951 પછી ઇતિહાસમાં ત્રીજી વખત ચોમાસામાં મોટો વિલંબ
આઈએમડી (IMD)ના આંકડાઓ અનુસાર, 1951 પછી સંયુક્ત રીતે ચોમાસામાં આ ત્રીજો સૌથી મોટો વિલંબ નોંધાયો છે. ઇતિહાસ પર નજર કરીએ તો...
25 જૂન: વર્ષ 1959, 2019 અને 2022માં ચોમાસું સૌથી મોડું પહોંચ્યું હતું.
24 જૂન: વર્ષ 1974માં આ તારીખે ચોમાસાનું આગમન થયું હતું.
23 જૂન: વર્ષ 1981માં ચોમાસું મુંબઈ પહોંચ્યું હતું.
ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું?
મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા બાદ હવે ચોમાસું ગુજરાતના આંગણે આવી પહોંચ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 જૂન આસપાસ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી શકે છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક અને સારો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે બુધવાર અને ગુરુવાર માટે 'યલ્લો એલર્ટ' પણ જાહેર કર્યું છે.
કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે?
હવામાન વિભાગ દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે વિશેષ આગાહી કરવામાં આવી છે..
સૌરાષ્ટ્ર: અમરેલી અને ભાવનગર જિલ્લા માટે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે.
દક્ષિણ ગુજરાત: સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ પડી શકે છે.
મધ્ય અને ઉત્તર ગુજરાત: આ વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ઝાપટાં પડવાની પૂરેપૂરી શક્યતા છે.
પવનની ગતિ અને ચેતવણી: વરસાદ દરમિયાન કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા અને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
ખેડૂતો માટે આશીર્વાદ સમાન બનશે આ વરસાદહવામાન નિષ્ણાતોના મતે, હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે વધશે. આ સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં થનારો વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે અને લાંબા સમયથી ચાલી રહેલી અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મુક્તિ મળશે.
અંધારી રાત, રહસ્યમય અવાજો અને ગુજરાતનું એક ઐતિહાસિક તળાવ : શું ખરેખર ભૂતોએ એક રાતમાં બનાવ્યું હતું?
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી: વાવણીના ઉત્તમ સંકેત
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ ખેડૂતોને હાશકારો થાય તેવી મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ટૂંક સમયમાં જ વાવણી લાયક વરસાદ વરસી પડશે.
બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ
અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે, 28 અને 29 જૂને બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમના ભેજને કારણે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર પ્રચંડ બનશે.
અંબાલાલ પટેલ અનુસાર કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા?
વડોદરા
મહીસાગર અને પંચમહાલ
સાબરકાંઠા અને હિંમતનગર
પાટણ, સમી અને હારીજ
બનાસકાંઠા (સારા વરસાદના મજબૂત સંકેતો)
જો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આ આગાહીઓ સાચી ઠરશે, તો આગામી થોડા જ દિવસોમાં ગુજરાતના ખેતરો લીલાછમ થઈ જશે. સખત ગરમી અને ઉકળાટ સહન કર્યા બાદ હવે ખેડૂતો ઉત્સાહભેર વાવણીના કાર્યમાં જોતરાઈ જશે અને રાજ્યભરમાં ચોમાસાનો માહોલ જામશે.






