Home Gujarat Gujarat Malnutrition 4 Lakh Children Jignesh Mevani Assembly Statement

ગુજરાતના 20 જિલ્લામાં કુપોષણનું કલંક : જીગ્નેશ મેવાણીએ ઉઠાવ્યા ગંભીર સવાલો, મંત્રી મનીષા વકીલનો જવાબ ઘેરાયા ધારાસભ્ય

ગુજરાતના 20 જિલ્લામાં કુપોષણનું કલંક
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2026, 11:17 AM IST

ગુજરાત વિધાનસભામાં કુપોષણના મુદ્દે ગરમાગરમી જોવા મળી. જીગ્નેશ મેવાણીએ રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે સરકારના જવાબ મુજબ રાજ્યના 20 જિલ્લાઓમાં ઓછા વજનવાળા, અતિ ઓછા વજનવાળા અને કુપોષિત મળીને 4 લાખથી વધુ બાળકો છે, જે ગંભીર ચિંતાનો વિષય છે.

મેવાણીએ કહ્યું કે વર્ષ 2004 માં રાજ્ય સરકારે ગુજરાતનો હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો. પરંતુ છેલ્લા બે દાયકામાં નરેન્દ્ર મોદીથી લઈને ભૂપેન્દ્ર પટેલ સુધીની સરકારો હોવા છતાં કુપોષણનો પ્રશ્ન સંપૂર્ણ રીતે દૂર થયો નથી.

કુપોષણનું કારણ ડાયેટરી પ્રેક્ટિસ કહેવું ખોટું

તેમણે સરકારના જવાબ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે કુપોષણને લોકોની ખાવાની ટેવો અથવા ડાયેટરી પ્રેક્ટિસ સાથે જોડવું યોગ્ય નથી. ગુજરાતમાં આદિવાસી, OBC, દલિત અને અન્ય વંચિત વર્ગના બાળકોમાં કુપોષણનું પ્રમાણ વધુ જોવા મળે છે.

મેવાણીએ જણાવ્યું કે જો કોઈ જિલ્લામાં હજારો બાળકો કુપોષણમાંથી બહાર આવે તો આંકડાઓ સારા લાગે, પરંતુ બાકીના બાળકો પર તેનો ગંભીર અસર રહે છે કારણ કે બાળપણમાં થયેલું કુપોષણ મગજના વિકાસને અસર કરે છે.

કુપોષણ સામે વિશેષ અભિયાનની માંગ

તેમણે રાજ્ય સરકારને વિનંતી કરી કે જેમ અન્ય મુદ્દાઓ પર કડક કાર્યવાહી થાય છે તેમ કુપોષણ દૂર કરવા માટે પણ નિષ્ણાતોની સલાહ લઈને વિશેષ અભિયાન ચલાવવું જોઈએ.

દલિત મુદ્દાઓ પર પણ સરકારને ઘેરી

મેવાણીએ સમાજ કલ્યાણ વિભાગના બજેટ પર ચર્ચા દરમિયાન ઉના કાંડ, અસ્પૃશ્યતા અને દલિત સમાજના પ્રશ્નો પણ ઉઠાવ્યા. તેમણે જણાવ્યું કે દલિતો સામેના અનેક કેસોમાં હજુ સુધી યોગ્ય ન્યાય મળ્યો નથી. તેમણે એ પણ આક્ષેપ કર્યો કે GPSC ની ભરતી પ્રક્રિયામાં દલિત, આદિવાસી અને OBC યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે. મેવાણીએ અંતે સરકારને આ તમામ મુદ્દાઓ પર સ્પષ્ટ અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી.

મંત્રી ડૉ. મનીષા વકીલનો જવાબ ઘેરાયા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી

વિભાગના મંત્રી ડૉ. મનીષા વકીલે ગૃહમાં જવાબ આપતા જણાવ્યું હતું કે રાજ્યને કુપોષણમુક્ત બનાવવા સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેના પરિણામે ધીમે ધીમે કુપોષણના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આહાર પદ્ધતિમાં આવેલા બદલાવ અને કેટલીક સ્થાનિક પરિસ્થિતિઓને કારણે કેટલાક વિસ્તારોમાં હજુ પણ કુપોષણ જોવા મળે છે.

આ મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગૃહમાં મંત્રીને ઘેર્યા હતા. બંને વચ્ચે આંકડાઓને લઈને સામસામે તર્કવિતર્ક જોવા મળ્યો હતો અને મંત્રીને આંકડાઓ અંગે સ્પષ્ટતા કરવી અઘરી પડી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now