Taluka Panchayat Election 2026 : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 ના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. આ વખતે ચૂંટણીમાં માત્ર રાજકીય નેતાઓ જ નહીં, પરંતુ કલા જગત અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલા જાણીતા ચહેરાઓનો પણ દબદબો રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે કલાકારો પર ભરોસો મૂક્યો હતો અને પરિણામોમાં તે ભરોસો સાચો સાબિત થયો છે. ઉનાથી લઈને વિજાપુર સુધી, કલાકારોએ લોકસંગીત બાદ હવે રાજકારણના મંચ પર પણ પોતાની લોકપ્રિયતાની ધાક જમાવી છે.
રાજલ બારોટ : પિતાનો વારસો હવે રાજકારણમાં
ગીર સોમનાથની ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7 માં સૌરાષ્ટ્રની લોકપ્રિય ગાયિકા રાજલ બારોટે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠક પર રાજલ બારોટને કુલ 2313 મત મળ્યા હતા, જેના કારણે તેમનો ભવ્ય વિજય થયો છે. ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક સ્વ. મણિરાજ બારોટની પુત્રી રાજલ બારોટે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ લોકોનું ભારે સમર્થન મેળવ્યું હતું. હવે તેઓ માત્ર સ્ટેજ પર સંગીત પીરસવા પૂરતા મર્યાદિત નહીં રહે, પરંતુ નગરપાલિકાના સદસ્ય તરીકે લોકોની સમસ્યાઓ સાંભળી તેને ઉકેલવાનું પણ કામ કરશે.
નેહા સુથાર : વિજાપુરમાં ગૂંજ્યો ભાજપનો વિજય
મહેસાણા જિલ્લાની વિજાપુર તાલુકા પંચાયતની ફુડેડા બેઠક પર ભારે રસાકસી જોવા મળી હતી. આ હાઇ-પ્રોફાઈલ બેઠક પર જાણીતા લોકગાયિકા નેહા સુથારે ભાજપના ચિન્હ પર ચૂંટણી લડી હતી. નેહા સુથારે 1390 થી વધુ મતોની મોટી સરસાઈથી જીત મેળવીને વિરોધીઓને પછાડ્યા છે. ઉત્તર ગુજરાતમાં તેમની લોકપ્રિયતા પહેલાથી જ હતી, પરંતુ આ જીતે સાબિત કર્યું છે કે, લોકો તેમને એક લોકસેવક તરીકે પણ જોવા ઈચ્છે છે. તેમની આ જીતથી મહેસાણા ભાજપમાં ભારે ઉત્સાહનો માહોલ છે.
અંકિતા પરમાર : સોશિયલ મીડિયાની તાકાત અને અનુભવ
વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર અંકિતા પરમારે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. અંકિતા પરમારે આ બેઠક પર 6400 થી વધુ મતોથી જીત મેળવીને પોતાનો ગઢ સાચવી રાખ્યો છે. ખાસ વાત એ છે કે, તેમની સામે પક્ષમાં જ બળવો થયો હતો અને અપક્ષ ઉમેદવારનો મોટો પડકાર હતો, તેમ છતાં મતદારોએ અંકિતા પરમાર પર મહોર લગાવી. અંકિતા માત્ર સોશિયલ મીડિયા સ્ટાર જ નથી, પરંતુ તેઓ ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ છે, જેના કારણે તેમની સંગઠન શક્તિ અને સોશિયલ મીડિયા ફોલોઈંગનો તેમને સીધો ફાયદો મળ્યો છે. આ ચૂંટણી પરિણામોએ સ્પષ્ટ કર્યું છે કે, ગુજરાતના મતદારો હવે પરંપરાગત રાજકારણની સાથે સાથે લોકપ્રિય અને પરિચિત ચહેરાઓને પણ પસંદ કરી રહ્યા છે. કલાકારો અને સોશિયલ મીડિયા સ્ટાર્સ માટે આ એક નવી સફરની શરૂઆત છે, જ્યાં તેમણે જનતાના વિશ્વાસ પર ખરા ઉતરવાનું રહેશે.






