ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાતે 28 જુલાઈ, 2026ના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી માટે મતદાનની અપડેટ યાદી જાહેર કરી છે. આ યાદી મુજબ રાજ્યની એક મહાનગરપાલિકા, ત્રણ નગરપાલિકા અને ચાર તાલુકા પંચાયતોમાં મતદાનની પ્રાથમિક ટકાવારી જાહેર કરવામાં આવી છે. મતદાનના આંકડા મતદાન મથકો પરથી પ્રાપ્ત થયેલા પ્રાથમિક અહેવાલોના આધારે તૈયાર કરવામાં આવ્યા હોવાથી અંતિમ આંકડામાં થોડો ફેરફાર શક્ય હોવાનું પણ આયોગે સ્પષ્ટ કર્યું છે.
જાહેર કરાયેલા આંકડા મુજબ કડી તાલુકા પંચાયતમાં સૌથી વધુ 80.40 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં સૌથી ઓછું 55.90 ટકા મતદાન નોંધાયું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતોમાં મતદારોનો ઉત્સાહ નગર વિસ્તારોની સરખામણીએ વધુ જોવા મળ્યો હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ફરી દીપડાની દહેશત! : મુમતપુર વિસ્તારમાં પગના નિશાન મળતા વન વિભાગ સતર્ક
કઈ સંસ્થામાં કેટલું મતદાન થયું?
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જૂનાગઢ મહાનગરપાલિકામાં 55.90 ટકા મતદાન નોંધાયું છે. દેવભૂમિ દ્વારકા નગરપાલિકામાં 77.65 ટકા, વિસનગર નગરપાલિકામાં 57.65 ટકા અને વાંસદા નગરપાલિકામાં 58.92 ટકા મતદાન થયું છે.
તાલુકા પંચાયતોની વાત કરીએ તો હળવદ તાલુકા પંચાયતમાં 71.30 ટકા, ગારિયાધાર તાલુકા પંચાયતમાં 68.20 ટકા, કરજણ તાલુકા પંચાયતમાં 75.98 ટકા અને કડી તાલુકા પંચાયતમાં રાજ્યમાં સૌથી વધુ 80.40 ટકા મતદાન નોંધાયું છે.
સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું મતદાન
રાજ્ય ચૂંટણી આયોગના જણાવ્યા મુજબ તમામ આઠ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં મતદાન 28 જુલાઈના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું હતું. મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ મતદાન મથકો પરથી મળેલા અહેવાલોના આધારે પ્રાથમિક મતદાન ટકાવારી તૈયાર કરવામાં આવી છે.
આયોગે મતદારો, ચૂંટણી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સુરક્ષા દળોનો સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ મીડિયા દ્વારા ચૂંટણી પ્રક્રિયાના વ્યાપક પ્રસારણ બદલ પણ કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટના તપાસમાં મોટું અપડેટ : AAIB ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટને સીલબંધ અંતિમ રિપોર્ટ સોંપશે
હવે નજર મતગણતરી પર
રાજ્ય ચૂંટણી આયોગે જણાવ્યું છે કે આ ચૂંટણીની મતગણતરી 30 જુલાઈ, 2026ના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. મતગણતરી પૂર્ણ થયા બાદ સત્તાવાર પરિણામો જાહેર કરવામાં આવશે. ચૂંટણી સંબંધિત તમામ સત્તાવાર માહિતી રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓ આગામી પાંચ વર્ષ માટે સ્થાનિક વહીવટ અને વિકાસની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી હવે તમામ રાજકીય પક્ષો તેમજ ઉમેદવારોની નજર મતગણતરીના પરિણામો પર કેન્દ્રિત થઈ ગઈ છે.






