Home Gujarat Surat Surat Amroli Police Surprise Combing Kosad Awas H2

સુરતના અમરોલીમાં પોલીસનું સરપ્રાઇઝ કોમ્બિંગ : 39 કિસ્સાઓમાં કાર્યવાહી, જુઓ ડ્રોન Video

સુરત પોલીસ
Published by: Chintan Chavda
Last Updated: Jul 29, 2026, 06:52 AM IST

સુરત: શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે સુરત પોલીસે અમરોલી વિસ્તારમાં સરપ્રાઇઝ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. અમરોલીના કોસાડ આવાસ H-2 વિસ્તારમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ ચાર અલગ-અલગ ટીમો દ્વારા એકસાથે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

આ કોમ્બિંગ દરમિયાન અગાઉ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સો, અસામાજિક તત્વો તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી. પોલીસની ટીમોએ વિસ્તારમાં ઘર-ઘર તપાસ, ઓળખ ચકાસણી અને શંકાસ્પદ હિલચાલ પર ખાસ નજર રાખી હતી.

વિવિધ ગુનાઓમાં 39 કાર્યવાહી

પોલીસ દ્વારા હાથ ધરાયેલા આ કોમ્બિંગ દરમિયાન કુલ 39 જેટલા ગુનાહિત કિસ્સાઓ અને કાયદાભંગના બનાવોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પ્રોહિબિશન હેઠળના ગુનાઓ, જાહેરમાં દારૂના નશામાં ફરતા લોકો, ગુજરાત પોલીસ એક્ટ (જી.પી. એક્ટ)ના ભંગના કેસો તેમજ તડીપાર હોવા છતાં વિસ્તારમાં ફરી રહેલા ઇસમો સામે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ આવા સરપ્રાઇઝ કોમ્બિંગ ઓપરેશનનો મુખ્ય હેતુ ગુનાખોરી પર અંકુશ લાવવાનો, અસામાજિક તત્વોમાં કાયદાનો ભય જાળવી રાખવાનો અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનાવવાનો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વાઘની દસ્તક! : રતનમહાલ બાદ હવે છોટાઉદેપુરના જંગલોમાં અવરજવરની પુષ્ટિ, વનવિભાગ 17 મહિનાથી રાખી રહ્યું હતું નજર

ગુનાખોરી અટકાવવા સતત અભિયાન

સુરત પોલીસ સમયાંતરે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સરપ્રાઇઝ કોમ્બિંગ, વાહન ચેકિંગ અને ફ્લેગ માર્ચ જેવા અભિયાન ચલાવે છે. આવા ઓપરેશનથી વોન્ટેડ આરોપીઓ, તડીપાર ઇસમો અને કાયદાનો ભંગ કરનારાઓ સામે ઝડપી કાર્યવાહી શક્ય બને છે.

પોલીસે જણાવ્યું છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આગામી દિવસોમાં પણ વિવિધ વિસ્તારોમાં આ પ્રકારના કોમ્બિંગ ઓપરેશન ચાલુ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now