અમદાવાદ/ગ્લાસગો: વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે અમદાવાદે અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દીધી છે. ગ્લાસગોમાં યોજાઈ રહેલા કોમનવેલ્થ સંબંધિત કાર્યક્રમોમાં ગુજરાત સરકારનું પ્રતિનિધિમંડળ સક્રિય રીતે ભાગ લઈ રહ્યું છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સના સફળ આયોજન તરફ આગળ વધી રહ્યું છે અને તે માટે આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ટીમને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગ્લાસગોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતની ટીમ બેક ઓફિસ મેનેજમેન્ટથી લઈને ગેમ ડિલિવરી પ્લાનિંગ સુધીના વિવિધ પાસાઓ અંગે તાલીમ લઈ રહી છે. આ ઉપરાંત સ્પોર્ટ્સ ડિપ્લોમસી, ઇવેન્ટ મેનેજમેન્ટ અને આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરેશન સાથે સંકલન જેવા વિષયો પર પણ સત્રો યોજાઈ રહ્યા છે. સ્કોટલેન્ડ-ઈન્ડિયા બિઝનેસ સમિટમાં પણ ગુજરાતનું પ્રતિનિધિમંડળ ભાગ લઈ રહ્યું છે.
ગેમ ડિલિવરીથી લઈને ખેલાડીઓની સુવિધાઓ સુધી દરેક બાબત પર ફોકસ
હર્ષ સંઘવીએ જણાવ્યું કે 2030 જેવી વિશાળ રમતગમતની સ્પર્ધાનું આયોજન કરવા માટે માત્ર સ્ટેડિયમ પૂરતું નથી. ખેલાડીઓના રહેઠાણ, પાર્કિંગ, એક્રેડિટેશન, ટ્રાન્સપોર્ટ, સ્પોર્ટ્સ વેન્યૂ અને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ગેમ ડિલિવરી જેવી તમામ બાબતોનું ગ્રાઉન્ડ લેવલ પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
તેમણે જણાવ્યું કે ગ્લાસગોમાં દરરોજ સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી વિવિધ ટ્રેનિંગ સત્રોમાં ગુજરાતની ટીમ ભાગ લઈ રહી છે, જેથી ભવિષ્યમાં અમદાવાદમાં વિશ્વસ્તરીય આયોજન કરી શકાય.
આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સ 2026: નિરુપમા વેઈટલિફ્ટિંગમાં મેડલથી ચૂકી : વિશાલ 400m સેમિફાઇનલમાં; શ્રીહરિએ સ્વિમિંગની ટૉપ-4માં જગ્યા બનાવી
'અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટર' બનશે સ્પોર્ટ્સ ડિપ્લોમસીનું કેન્દ્ર
હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગ્લાસગોમાં 'અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટર' શરૂ કરવામાં આવી રહ્યું છે, જ્યાં વિશ્વના વિવિધ દેશોના સ્પોર્ટ્સ ફેડરેશન, અધિકારીઓ અને ખેલાડીઓને અમદાવાદ અને ગુજરાતની ઓળખ કરાવવામાં આવશે.
આ સેન્ટરમાં ગુજરાત અને ભારતની સંસ્કૃતિ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મહેમાનનવાજી અને વિવિધ રાજ્યોની પરંપરાગત વાનગીઓનો અનુભવ કરાવવામાં આવશે. 2 ઓગસ્ટ સુધી વિવિધ રાજ્યોની વિશિષ્ટ ડિશ મહેમાનોને પીરસવામાં આવશે. સાથે જ વિવિધ દેશોના પ્રતિનિધિઓ સાથે નાના સંવાદ સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર આ પહેલ સ્પોર્ટ્સ ડિપ્લોમસી માટે અનોખી સાબિત થશે અને વિશ્વને અમદાવાદ સાથે જોડવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ બનશે.
કોમનવેલ્થની સેન્ટેનરી ઇવેન્ટ ભારત માટે ગૌરવની ક્ષણ
હર્ષ સંઘવીએ જણાવ્યું કે કોમનવેલ્થની સેન્ટેનરી ઇવેન્ટ ભારત અને ખાસ કરીને અમદાવાદમાં યોજાવા જઈ રહી છે, જે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. વિશ્વની નજર આ આયોજન પર રહેશે અને આથી મળતો અનુભવ ભવિષ્યના અનેક આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટના આયોજનમાં પણ ઉપયોગી બનશે.
તેમણે જણાવ્યું કે ગુજરાત સરકાર અને સમગ્ર ટીમનો પ્રયાસ એ રહેશે કે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ સમુદાયને અમદાવાદમાં શ્રેષ્ઠ અનુભવ મળી રહે અને ગેમ્સનું આયોજન વૈશ્વિક ધોરણો મુજબ સફળતાપૂર્વક થાય.
આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સ 2026માં ફરી સામસામે આવશે નીરજ ચોપરા અને અરશદ નદીમ : જાણો ગોલ્ડ મેડલ માટેની હાઈ-વોલ્ટેજ ફાઇનલ ક્યારે રમાશે
નેશનલ ગેમ્સનો અનુભવ બનશે સૌથી મોટી તાકાત
2022માં ટૂંકા સમયમાં સફળતાપૂર્વક યોજાયેલી નેશનલ ગેમ્સનો ઉલ્લેખ કરતાં હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતે 100 દિવસથી પણ ઓછા સમયમાં ઐતિહાસિક નેશનલ ગેમ્સનું આયોજન કરીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી.
તેમણે જણાવ્યું કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યમાં રમતગમત માટે વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની શરૂઆત થઈ હતી. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, વીર સાવરકર સ્પોર્ટ્સ એન્ક્લેવ, સાબરમતી રિવરફ્રન્ટ સહિતની સુવિધાઓના કારણે અમદાવાદમાં એશિયન વોલીબોલ ટૂર્નામેન્ટ, બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ સહિત અનેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું સફળ આયોજન થઈ રહ્યું છે.
હર્ષ સંઘવીએ ઉમેર્યું કે અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટના હબ તરીકે વિકસાવવાનો સરકારનો સ્પષ્ટ રોડમેપ છે. રાજ્યનું રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશના દરેક ખેલાડી માટે ખુલ્લું છે અને કોઈપણ રાજ્યના ખેલાડીઓ અહીં આવીને પ્રેક્ટિસ કરી શકે છે.





