અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાને લઈને એક પછી એક ચર્ચાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. થોડા દિવસ પહેલાં ઘુમા-શેલા વિસ્તારમાં વાયરલ થયેલા CCTV વીડિયોમાં કથિત દીપડાનું બચ્ચું હોવાનો દાવો ખોટો સાબિત થયો હતો અને વન વિભાગે તે સામાન્ય બિલાડી હોવાનું સ્પષ્ટ કર્યું હતું. હવે કર્ણાવતી ક્લબ નજીક દીપડાના પંજાના નિશાન મળ્યાની ચર્ચા પણ તપાસમાં ખોટી સાબિત થઈ છે. વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે સ્થળ પરથી મળેલા નિશાન દીપડાના નહીં પરંતુ શ્વાનના છે.
કર્ણાવતી ક્લબ નજીક આવેલા એક કેફેના પાછળના ભાગમાં દીપડાના પગના નિશાન જોવા મળ્યાની વાત સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ હતી. આ સમાચાર બાદ સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી. માહિતી મળતા જ વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને સાવચેતીના ભાગરૂપે ત્યાં પીંજરું પણ ગોઠવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વાઘની દસ્તક! : રતનમહાલ બાદ હવે છોટાઉદેપુરના જંગલોમાં અવરજવરની પુષ્ટિ, વનવિભાગ 17 મહિનાથી રાખી રહ્યું હતું નજર
તપાસમાં દીપડાની હાજરીના કોઈ પુરાવા મળ્યા નહીં
વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર મળેલા પંજાના નિશાનોનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું કે તે દીપડાના નહીં પરંતુ શ્વાનના છે. આસપાસના વિસ્તારમાં પણ દીપડાની હાજરી દર્શાવતા કોઈ અન્ય પુરાવા મળ્યા નથી. પરિણામે સ્થળ પર મૂકવામાં આવેલું પીંજરું હટાવી દેવામાં આવ્યું છે.
આ ઉપરાંત કર્ણાવતી ક્લબથી એસ.પી. રિંગ રોડ તરફ દીપડો દેખાયો હોવાના દાવાને પણ વન વિભાગે નકારી કાઢ્યો છે. વિભાગના જણાવ્યા મુજબ હાલ આવા કોઈ વિશ્વસનીય પુરાવા ઉપલબ્ધ નથી અને શહેરના આ વિસ્તારમાં દીપડાની હાજરીની પુષ્ટિ થઈ નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં ફરી દીપડાની દહેશત! : મુમતપુર વિસ્તારમાં પગના નિશાન મળ્યાની ચર્ચા, વનવિભાગે કરી સ્પષ્ટતા
અફવાઓથી ગભરાશો નહીં, સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખો
આ પહેલી ઘટના નથી. થોડા દિવસ પહેલાં ઘુમા-શેલા વિસ્તારની એક સોસાયટીમાં વાયરલ થયેલા CCTV વીડિયોમાં દીપડાનું બચ્ચું દેખાયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે વન વિભાગની તપાસમાં તે સામાન્ય બિલાડી હોવાનું બહાર આવ્યું હતું.
હવે ફરી એકવાર શ્વાનના પંજાના નિશાનને દીપડાના પંજાના નિશાન ગણાવી સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાઈ હતી, પરંતુ વન વિભાગે તથ્યો જાહેર કરીને સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે.
વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર ફરતા અપ્રમાણિત વીડિયો કે સંદેશાઓ પર વિશ્વાસ ન કરે. જો કોઈ શંકાસ્પદ જંગલી પ્રાણી જોવા મળે તો તરત જ વન વિભાગને જાણ કરવી જોઈએ અને સત્તાવાર પુષ્ટિ વગર કોઈ માહિતી વાયરલ ન કરવી જોઈએ.





