Gujarat Elections: લોકશાહીના મહાપર્વમાં આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાનનો માહોલ જામી ગયો છે. રાજ્યની આશરે 10,000 સીટો પર 25,000થી વધુ ઉમેદવારો વચ્ચે જોરદાર રાજકીય મુકાબલો જામ્યો છે. આ વખતે 6 મનપા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાઓનું મતદાન એક જ દિવસે યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના હોવાથી રાજકીય પક્ષોએ મતદારોને બૂથ સુધી પહોંચાડવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે.
મુખ્ય નેતાઓનું મતદાન
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અમદાવાદના નારણપુરા અંકુર ચાર રસ્તા પાસે આવેલા કામેશ્વર મહાદેવ નજીકની સબ ઝોનલ ઓફિસ ખાતે પરિવાર સાથે મતદાન કરશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શીલજ પ્રાથમિક શાળા ખાતે મતદાન કરશે.
અમદાવાદમાં કુલ 30થી વધુ મંત્રીઓ, ધારાસભ્યો અને શહેરી નેતાઓ મતદાન કરવાના છે.
રાજકોટમાં EVM બંધ: કોંગ્રેસનો આક્ષેપ
રાજકોટના વોર્ડ નંબર 15માં સરસ્વતી શિશુ વિદ્યામંદિર સ્કૂલ ખાતે સવારે 7 વાગ્યાથી જ EVM મશીન બંધ હોવાની ફરિયાદ ઉઠી છે. અડધા કલાક પછી પણ મશીન ચાલુ ન થતાં મતદારોની લાંબી કતારો લાગી ગઈ છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વશરામ સાગઠીયાએ આક્ષેપ કર્યો છે કે જ્યાં કોંગ્રેસને વધુ મતદાન થવાની સંભાવના છે ત્યાં EVM બંધ રાખીને ભાજપ તરફથી નુકસાન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. મતદારો મત આપ્યા વિના પરત જવા માંડ્યા છે.
પૂર્ણેશ મોદીએ ઢોલ-નગારા સાથે કર્યું મતદાન
વિધાનસભાના ઉપાધ્યક્ષ અને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ અડાજણમાં કંચનલાલ મામાવાલા મિશ્ર પ્રાથમિક શાળા ખાતે ઢોલ-નગારાના નાદ સાથે ઉત્સાહભેર મતદાન કર્યું. તેમની આ પરંપરાગત શૈલીએ મતદારોમાં ખાસ જાગૃતિ અને ઉત્સાહ જગાડ્યો.અન્ય નેતાઓનું મતદાનઅમદાવાદના દરિયાપુરથી ભાજપના ધારાસભ્ય કૌશિક જૈનએ પરિવાર સાથે મતદાન કરીને લોકશાહીના આ તહેવારમાં ભાગ લીધો.
મતદાનની પ્રક્રિયા સરળ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. EVM સંબંધિત કોઈ પણ તકલીફ તાત્કાલિક ઉકેલવામાં આવશે તેવી અપેક્ષા છે. આ ચૂંટણી ગુજરાતના સ્થાનિક સ્તરે વિકાસ અને સુશાસનની દિશા નક્કી કરશે.






