Gujarat Local Body Election 2026: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગ માટે મતદાન પ્રક્રિયાનો વહેલી સવારથી પ્રારંભ થઈ ચૂક્યો છે. સવારે 7 વાગ્યાથી જ રાજ્યના મહાનગરોથી લઈને અંતરિયાળ ગામડાઓ સુધી મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે મતદારો વહેલી સવારથી જ લાઈનો લગાવી રહ્યા છે. જેથી બપોરના આકરા તડકા પહેલા પોતાનો પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી શકાય. આ ચૂંટણી સ્થાનિક સ્તરે વિકાસના કામો અને આગામી પાંચ વર્ષના શાસન માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે.
રાજ્યના કુલ 4.08 કરોડથી વધુ મતદારો આજે ઈવીએમ (EVM) ના બટન દબાવીને હજારો ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. મનપા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોના આ ત્રિસ્તરીય જંગમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે, ત્યારે તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન કરવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે.
મનપા અને નગરપાલિકા: શહેરી વિસ્તારોમાં ચૂંટણીનો જંગ
રાજ્યની કુલ 15 મહાનગરપાલિકાઓ અને 84 નગરપાલિકાઓમાં સવારથી મતદાન ચાલી રહ્યું છે.
મનપા: મનપાના 261 વોર્ડની કુલ 1001 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં 3145 ઉમેદવારો મેદાનમાં છે. નોંધનીય છે કે 43 બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.
નગરપાલિકા: 84 નગરપાલિકાઓની 2239 બેઠકો માટે 5441 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. અહીં 385 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે 53 વોર્ડમાં કોઈ હરિફ ન હોવાથી ત્યાં ચૂંટણીની જરૂર પડી નથી.
આ પણ વાંચો: અમદાવાદીઓ માટે જલસો! : મતદાન કરનાર લોકોને મળશે આ 3 મોટા લાભ, જાણો કયા શું કરાઈ જાહેરાત
પંચાયતી રાજ: જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકોનું ગણિત
ગ્રામીણ મતદારોમાં પણ ભારે ઉત્સાહ છે. રાજ્યની 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે મતદાનની પ્રક્રિયા વેગવંતી બની છે.
જિલ્લા પંચાયત: 1038 બેઠકો માટે 3059 ઉમેદવારો વચ્ચે મુકાબલો છે, જેમાં 52 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે.
તાલુકા પંચાયત: 4976 બેઠકો માટે સૌથી વધુ 13,871 ઉમેદવારો મેદાનમાં છે. અહીં 252 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. કુલ મળીને રાજ્યમાં 9263 બેઠકો માટે 25,537 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે, જ્યારે 736 બેઠકો પર ચૂંટણી પૂર્વે જ વિજેતાઓ નક્કી થઈ ગયા છે.
ચુસ્ત સુરક્ષા અને ટેકનિકલ વ્યવસ્થા
ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે રાજ્યભરમાં 48,450 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.
સુરક્ષા: 14,275 મથકો સંવેદનશીલ અને 2,196 મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. શાંતિ જાળવવા માટે 92,583 પોલીસ જવાનો, જીઆરડી અને હોમગાર્ડ તૈનાત છે.
સ્ટાફ: અંદાજે 2.64 લાખથી વધુ પોલિંગ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે.
EVM: મતદાન માટે 1,22,951 બેલેટ યુનિટ અને 1,08,188 કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મતદારોને અપીલ: લોકશાહીને મજબૂત કરો
આ ચૂંટણીમાં કુલ 4 કરોડ 8 લાખ 16 હજાર 713 મતદારો નોંધાયેલા છે. વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, ગરમીથી બચવા માટે પૂરતું પાણી પીને અને જરૂરી સાવચેતી રાખીને મતદાન મથકે ચોક્કસ પહોંચે. તમારો એક મત તમારા વિસ્તારના વિકાસનો પાયો બની શકે છે, તેથી આ લોકશાહીના પર્વમાં અચૂક ભાગીદાર બનો.






