દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના પ્રતિનિધિઓ ચૂંટવા માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારના 7:00 વાગ્યાથી જ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી, જે લોકશાહી પ્રત્યે લોકોની જાગૃતિ દર્શાવે છે.
આ પણ વાંચો: Live Updates Gujarat Local Body Election 2026 : જાણો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પળેપળની ખબર
1000 થી વધુ ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો
આજના આ ચૂંટણી જંગમાં જિલ્લાની વિવિધ બેઠકો માટે કુલ 1,000 થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. આ તમામ ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય આજે ઈવીએમ (EVM) મશીનમાં સીલ થશે. જિલ્લાના કુલ 13,99,042 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ગામડાં અને શહેરના વિકાસની ધુરા કોના હાથમાં સોંપવી તે નક્કી કરશે.
ચુસ્ત સુરક્ષા અને ટેકનોલોજીની નજર
ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે વહીવટી તંત્ર દ્વારા અભેદ્ય કિલ્લા જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 5,000 થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળોની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ અને અતિ-સંવેદનશીલ મતદાન મથકો પર ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે કુલ 11,000 થી વધુ સરકારી કર્મચારીઓ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.
શાંતિપૂર્ણ માહોલમાં મતદાન
જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવેલી અપીલની અસર જોવા મળી રહી છે, કારણ કે સમગ્ર જિલ્લામાં અત્યાર સુધી ક્યાંય પણ અનિચ્છનીય બનાવની જાણ થઈ નથી. 1,753 મતદાન મથકો પર વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણી અને છાંયડા જેવી પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેથી મતદારોને કોઈ તકલીફ ન પડે.
લોકશાહીના આ પર્વમાં યુવા મતદારોથી લઈને વડીલો સુધીના તમામ લોકો ખૂબ જ ઉમળકાભેર જોડાઈ રહ્યા છે. સાંજ સુધીમાં મતદાનના આંકડામાં મોટો ઉછાળો આવે તેવી શક્યતા જણાઈ રહી છે.






