ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે રાજ્યભરમાં લોકશાહીના પર્વનો ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાયો છે. શહેરોથી લઈને ગામડાં સુધી મતદાતાઓ મતદાન મથકો તરફ ઉમટી રહ્યા છે અને પોતાના મતાધિકારનો સક્રિય ઉપયોગ કરી રહ્યા છે. વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો બહાર લાઈનો જોવા મળી રહી છે, જે લોકશાહી પ્રત્યે જનતાની જાગૃતિ અને પ્રતિબદ્ધતાનો સંકેત આપે છે. ચૂંટણી પંચ દ્વારા શાંતિપૂર્ણ અને પારદર્શક મતદાન માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો પોતાનો કિંમતી મત
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાના મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સામાન્ય નાગરિકોની વચ્ચે ઉભા રહી મતદાન કરવાથી તેમણે સાદગી અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સંદેશ આપ્યો. મતદાન બાદ તેમણે વધુમાં વધુ મતદાન કરવા લોકોને અપીલ કરી અને લોકશાહી મજબૂત બનાવવા મતદાન જરૂરી હોવાનું જણાવ્યું.
નેતાઓનું મતદાન અને જનતાને અપીલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પીપલોદ વિસ્તારમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે રાજ્યના વિકાસ માટે દરેક મત મહત્વનો છે અને દરેક નાગરિકે મતદાનમાં ભાગ લેવો જોઈએ. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ પણ પોતાના વિસ્તારોમાં મતદાન કરવા પહોંચી રહ્યા છે અને મતદાતાઓને સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.
ચૂંટણી દરમિયાન અનેક સ્થળોએ શાંતિપૂર્ણ મતદાન નોંધાઈ રહ્યું છે, જોકે કેટલાક વિસ્તારોમાં નાના તણાવના બનાવો પણ સામે આવ્યા છે. ચૂંટણી પંચ અને સ્થાનિક પ્રશાસન દ્વારા આવી પરિસ્થિતિઓને નિયંત્રણમાં લેવા માટે કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. પોલીસ બંદોબસ્ત મજબૂત રાખવામાં આવ્યો છે જેથી મતદાન પ્રક્રિયા નિર્વિઘ્ન પૂરતી થઈ શકે.






