Home Gujarat Ahmedabad Gujarat Latest News Updates Today 20 July 2026

LiveGujarat News Updates Live : 20 જુલાઈ 2026ના આજના ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર

Gujarat News Live Updates
Published by: OBS Bureau
Last Updated: Jul 20, 2026, 11:43 AM IST

Gujarat News Live Updates 20 July 2026: આજે 20 જુલાઈ 2026. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સહિત ગુજરાતના દરેક શહેરો અને જિલ્લાઓના દિવસભરના મોટા અને મહત્વના તમામ સમાચાર જાણો Offbeat Stories પર. વરસાદથી લઇને તમારા વિસ્તારની સ્થાનિક સમસ્યાઓ, ક્રાઈમથી લઇના ગુજરાતની રાજકીય હલચલ સુધીની તમામ મહત્ત્વની બાબતોની લેટેસ્ટ અપડેટ્સ અહીં જાણો.

લાઈવ અપડેટ્સ
11:43 AM20 જુલાઈ 2026

તાપી: લાકડા તસ્કરોનો પીછો કરતા શહીદ થયેલા RFO સ્વ. વિકાસ દેસાઈને વન મંત્રી અર્જુનસિંહ મોઢવાડિયાની ભાવભીની શ્રદ્ધાંજલિ

ગાંધીનગર/તાપી: તાપી જિલ્લાની તાપ્તી રેન્જમાં ગેરકાયદેસર રીતે કીમતી ખેરના લાકડાની ચોરી રોકવા જતાં અકસ્માતમાં શહીદ થયેલા બહાદુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સ્વ. વિકાસ દેસાઈને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનસિંહ મોઢવાડિયાએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ દુઃખદ ઘટનાને વન વિભાગ માટે કદી પૂરી ન શકાય તેવી મોટી ક્ષતિ ગણાવી તેમણે શહીદના શોકસંતપ્ત પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. વનમંત્રીએ જણાવ્યું હતું કે, "વન બચશે તો જ જીવન બચશે. આપણી પ્રકૃતિ અને પર્યાવરણની સંસ્કૃતિના રક્ષણ માટે RFO વિકાસ દેસાઈએ પોતાની અડગ નિષ્ઠા સાથે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે." તેમણે ઉમેર્યું કે, કીમતી લાકડાં ભરીને ભાગી રહેલા તસ્કરોની માહિતી મળતાં જ તેમણે તાત્કાલિક પોતાની ખાનગી કારમાં પીછો કર્યો હતો, જેમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા તેઓ શહીદ થયા હતા. તેમની આ નીડરતા અને સમર્પણ સમગ્ર વન પરિવાર માટે સદા પ્રેરણાસ્રોત બની રહેશે. આ ઘટના અંગે વન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી તથા અગ્ર મુખ્ય વનસંરક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ શહીદના પરિજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. મંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય સરકાર અને વન વિભાગ વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં સ્પષ્ટ કર્યું હતું કે, વન સંપત્તિને નુકસાન પહોંચાડતી કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ અને તસ્કરો સામે રાજ્ય સરકાર 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવીને કડકમાં કડક કાર્યવાહી કરશે.

11:30 AM20 જુલાઈ 2026

અમદાવાદ: શેલા વિસ્તારમાં દીપડાનું લોકેશન ટ્રેસ કરવા વન વિભાગ સજ્જ, ૧૫ કિમી એરિયામાં થર્મલ ડ્રોન અને કેમેરાથી તપાસ શરૂ

અમદાવાદ: અમદાવાદ શહેરની ભાગોળે આવેલા શેલા વિસ્તારમાં દીપડાની હાજરીથી ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શેલા સ્થિત શરણદીપ સોસાયટીની આજુબાજુમાં ગ્રીનબેલ્ટ અને ઘનઘોર ઝાડી-ઝાંખરાંનો મોટો વિસ્તાર આવેલો હોવાથી દીપડાને શોધવા તેમજ પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. વન વિભાગના અનુમાન મુજબ દીપડો કોલાહલ કે માનવ ચહલપહલથી દૂર રહીને બપોરના સમયે ઝાડીવાળા શાંત વિસ્તારમાં સંતાઈ રહ્યો હોઈ શકે છે અને માત્ર શાંત વાતાવરણમાં જ બહાર નીકળે છે. આથી દીપડાનું ચોક્કસ લોકેશન મેળવવા માટે વન વિભાગ ૧૫ કિલોમીટરના વિસ્તારમાં ખાસ થર્મલ કેમેરા ગોઠવશે. આ ઉપરાંત દીપડાની શોધખોળ માટે વન વિભાગ દ્વારા થર્મલ ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૧૫ કિમી સુધીના એરિયામાં ઓપરેટ થઈ શકતા આ થર્મલ ડ્રોનની મદદથી દીપડાના શરીરના તાપમાન (બોડી હીટ) દ્વારા તેને ઝાડીઓ કે અંધારામાં પણ સહેલાઈથી કેપ્ચર કરી શકાશે. વન વિભાગની આ હાઇટેક કવાયતથી ટૂંક સમયમાં જ દીપડો પકડાઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

10:59 AM20 જુલાઈ 2026

અમદાવાદ સિવિલ અને યુ.એન. મહેતા હોસ્પિટલના તબીબોની કમાલ: ૮ કલાકની જટિલ સર્જરી કરી ૫૦ વર્ષીય મહિલાને કેન્સરમુક્ત કરી આપ્યું નવું જીવન

અમદાવાદ: અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના નિષ્ણાત તબીબોની સંયુક્ત ટીમે એક અતિ જટિલ અને પડકારજનક સર્જરી સફળતાપૂર્વક પાર પાડી તબીબી જગતમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. તબીબોની ટીમે ૮ કલાક સુધી ચાલેલા ભગીરથ ઓપરેશન બાદ ૫૦ વર્ષીય દર્દી હંસાબેનને જીવલેણ કેન્સર સામે વિજય અપાવ્યો છે. મળતી વિગતો અનુસાર, દર્દી હંસાબેનને કિડનીના કેન્સરની સાથે ગાંઠ હૃદયના જમણા કર્ણક (Right Atrium) સુધી ફેલાઈ ગઈ હતી અને ત્યાં અત્યંત જોખમી 'ટ્યુમર થ્રોમ્બસ' એટલે કે લોહીનો ગઠ્ઠો જામી ગયો હતો. બંને હોસ્પિટલોના તબીબોએ અદ્ભુત સમન્વય દર્શાવી આશરે ૮ કલાકની ભારે જહેમત બાદ કિડની અને હૃદયમાંથી આ ગઠ્ઠાને સંપૂર્ણપણે બહાર કાઢીને દર્દીનો જીવ બચાવી લીધો હતો. આ સફળતા અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, તબીબી ક્ષેત્રે આવા ચમત્કારો મજબૂત સંકલન અને સંયુક્ત અભિગમથી જ શક્ય બને છે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં આવી જટિલ સર્જરી, કાર્ડિયોપલ્મોનરી બાયપાસ, આઈ.સી.યુ. કેર અને બ્લડ ટ્રાન્સફ્યુઝન સહિતનો કુલ ખર્ચ ₹૮ થી ૧૫ લાખ જેટલો થતો હોય છે. જોકે, રાજ્ય સરકારની લોકકલ્યાણકારી આરોગ્ય યોજનાઓ હેઠળ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આ મોંઘી અને જટિલ સારવાર દર્દીને સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે. આર્થિક તંગીના કારણે કોઈ દર્દી સારવાર વગર ન રહે તેવા અભિગમ સાથે મેળવેલી આ ભવ્ય સફળતા બદલ રાજ્યના આરોગ્ય મંત્રીશ્રીએ પણ તબીબોની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.

10:39 AM20 જુલાઈ 2026

અમરેલી: ખીજડીયા ખારી ગામની વાડીના કૂવામાંથી મળી આવ્યો અજાણ્યા શખ્સનો મૃતદેહ, પોલીસ તપાસ શરૂ


અમરેલી: અમરેલીના ખીજડીયા ખારી ગામમાંથી એક યુવકનો કૂવામાંથી મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો અનુસાર, ખીજડીયા ખારી ગામે આવેલી પ્રવીણભાઈ પઢિયાર નામના ખેડૂતની વાડીના કૂવામાં એક વ્યક્તિ ડૂબી ગઈ હોવાની જાણ થઈ હતી. ઘટના અંગે સ્થાનિકો અને પોલીસને જાણ કરાતાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી કૂવામાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટના કયા સંજોગોમાં આકાર પામી, યુવક કૂવામાં પડ્યો કે પછી કોઈ અન્ય કારણ સર આ દુર્ઘટના બની તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિક પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

10:18 AM20 જુલાઈ 2026

ચાંદીપુરા વાયરસ સામે રાજ્ય તંત્ર સતર્ક: તાવ, ખેંચ કે ઊલટી જેવા લક્ષણો દેખાય તો ત્વરિત સારવાર લેવા આરોગ્ય મંત્રીની અપીલ

ગાંધીનગર: રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસો અંગે વિગતવાર અપડેટ આપતાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, વાયરસના સંક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે ચોક્કસ વિસ્તારોમાંથી કેસ સામે આવ્યા છે તે પોકેટમાં કડક દેખરેખ રાખવાની સાથે દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને કેસ હિસ્ટ્રીની ઝીણવટભરી તપાસ કરવા અધિકારીઓને સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે. વાયરસના નિયંત્રણ માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં હજારો કાચા-પાકા ઘરોને આવરી લઈને વ્યાપક હેલ્થ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું છે. આ વાયરસના મુખ્ય વાહક ગણાતી સેન્ડફ્લાય (રેતીની માખી) અને જીવાતોના ઉપદ્રવને અટકાવવા માટે કાચા મકાનો તથા પશુઓની ગમાણ આસપાસ યુદ્ધના ધોરણે મેલાથિઓન પાઉડરનું ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તમામ જિલ્લા સિવિલ હોસ્પિટલો અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં બાળકો માટે વિશેષ આઈ.સી.યુ. બેડ, વેન્ટિલેટર અને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરી દેવાયો છે. આરોગ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે ચોમાસા દરમિયાન અને સપ્ટેમ્બર માસ સુધી આ વાયરસ વધુ સક્રિય રહેતો હોય છે અને તે મુખ્યત્વે નાના બાળકોને નિશાન બનાવે છે. જો બાળકમાં અચાનક તીવ્ર તાવ, ખેંચ આવવી, ઊલટી-ઝાડા થવા કે બેભાન થવા જેવાં લક્ષણો જણાય તો વાલીઓએ વિલંબ કર્યા વિના તુરંત નજીકની સરકારી હોસ્પિટલ કે બાળરોગ નિષ્ણાતનો સંપર્ક કરવો. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સજ્જ છે, તેથી નાગરિકોએ ભયભીત થયા વિના માત્ર સાવચેતી રાખવી.

10:18 AM20 જુલાઈ 2026

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક: કુલ ૬૩ શંકાસ્પદ કેસ, ૧૨ પોઝિટિવ


ગાંધીનગર: રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધતા સંક્રમણને પગલે વર્તમાન પરિસ્થિતિ અને નિયંત્રણ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની ભૌગોલિક સ્થિતિ, વાયરસના ફેલાવાના કારણો, લેબોરેટરી ટેસ્ટિંગ તેમજ તંત્ર દ્વારા લેવાયેલાં પગલાંની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ વિગતો આપતાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ ૬૩ શંકાસ્પદ કેસો નોંધાયા છે, જેમાંથી ૫૫ નમૂનાના રિપોર્ટ આવી ચૂક્યા છે અને ૮ સેમ્પલનું પરીક્ષણ હાલ પ્રક્રિયા હેઠળ છે. પ્રાપ્ત થયેલા રિપોર્ટમાંથી અત્યાર સુધીમાં કુલ ૧૨ દર્દીઓ ચાંદીપુરા પોઝિટિવ આવ્યા છે, જેમાં ૯ દર્દીઓ ગુજરાતના અને ૩ દર્દીઓ રાજસ્થાનના છે. ગુજરાતમાં નોંધાયેલા પોઝિટિવ કેસોની સ્થિતિ જોઈએ તો પંચમહાલ અને ખેડા જિલ્લામાં ૨-૨ કેસ, જ્યારે સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ૧-૧ કેસ સામે આવ્યો છે. વાયરસના સંક્રમણના મૂળ સ્ત્રોતને સમજવા માટે આરોગ્ય મંત્રીએ અધિકારીઓને તમામ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને કેસ હિસ્ટ્રીની ઊંડાણપૂર્વક તપાસ કરવા કડક સૂચનાઓ આપી છે.

09:58 AM20 જુલાઈ 2026

જામનગર: બે બાળકોના ચાંદીપુરા વાયરસ રિપોર્ટ નેગેટિવ આવતા રાહત, દ્વારકાના વધુ એક બાળકનો શંકાસ્પદ કેસ સામે આવ્યો

જામનગર: જામનગરમાં સતત વધી રહેલા ચાંદીપુરા વાયરસના ભય વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. જામનગર શહેર અને જિલ્લાના બે બાળ દર્દીઓના સેમ્પલનો ચાંદીપુરા વાયરસ માટેનો લેબોરેટરી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મળતી વિગતો અનુસાર, શહેરના દિગ્જામ સર્કલ નજીક આવેલા રવિ પાર્ક વિસ્તારમાં રહેતા બે વર્ષના માસૂમ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મૃત બાળકના લેવામાં આવેલા સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આ ઉપરાંત જામનગર જિલ્લાની અન્ય એક ૧૧ માસની બાળકીનો રિપોર્ટ પણ ચાંદીપુરા વાયરસ માટે નેગેટિવ નોંધાયો છે.

બીજી તરફ, જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં વધુ એક શંકાસ્પદ બાળ દર્દીને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામના આ બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવાં પ્રારંભિક લક્ષણો જોવા મળતાં તેને જામનગર ટ્રાન્સફર કરાયો છે. બાળકનું સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યું છે અને રિપોર્ટ આવ્યા બાદ જ વાયરસની સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ થશે.

09:57 AM20 જુલાઈ 2026

NEET પેપર લીક મામલે જંતર મંતરથી સંસદ કૂચ, AAP વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયા આંદોલનમાં જોડાયા

NEET પેપર લીક વિવાદ બાદ દેશભરના યુવાનો અને GenZ દ્વારા શરૂ કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના ભાગરૂપે દિલ્હીના જંતર મંતર ખાતેથી સંસદ કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે આમ આદમી પાર્ટી (AAP) ની વિદ્યાર્થી પાંખ 'ASAP' ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયા દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીથી નિવેદન આપતાં ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે, જંતર મંતરની અંદર અને બહાર હજારોની સંખ્યામાં GenZ અને યુવાનો એકત્રિત થયા છે. દેશની આઝાદીની લડાઈમાં ઉપસ્થિત ન રહી શક્યાનો અફસોસ હતો, પરંતુ આજે દેશના ભવિષ્ય અને શિક્ષણ બચાવવાની આ લડાઈમાં ભાગ લેવાનો તેમને ગર્વ છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની મુખ્ય માંગ સાથે યુવાનો રસ્તા પર ઉતર્યા છે. સોનમ વાંગચુક જેવા વિચારકો સાથે સંવાદ કરવાના બદલે તંત્ર દ્વારા તેમને ઉઠાવી જવાની કાર્યવાહી કરાતાં યુવાનોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. ધાર્મિક માથુકિયાએ દેશભરના GenZ અને યુવાનોને અપીલ કરી હતી કે જો તેઓ દિલ્હી ન પહોંચી શકે તો સોશિયલ મીડિયાના માધ્યમથી આ આંદોલનને સતત સમર્થન આપતા રહે.

09:17 AM20 જુલાઈ 2026

રાજકોટ: ત્રિકોણ બાગ ખાતે કોંગ્રેસના હલ્લાબોલ, પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલતા RMC અને ભાજપ સામે પ્રહાર

રાજકોટ: ચોમાસાની શરૂઆત સાથે જ રાજકોટ મહાનગરપાલિકા (RMC)ની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઊડતાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગ ખાતે રસ્તા પર ઊતરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ RMC તંત્ર તેમજ શાસક પક્ષ ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ ભાજપ સરકાર અને પાલિકા શાસકો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ચોમાસાના પ્રારંભે જ RMCની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે "રાજકોટ સ્માર્ટ સિટી છે કે ગંદકીનું ઘર?" આ ઉપરાંત તેમણે જંગલેશ્વર ડિમોલિશન મામલે બનાવાયેલી SITનો રિપોર્ટ હજુ સુધી જાહેર કેમ કરવામાં નથી આવ્યો તે અંગે પણ તંત્રની નીતિ સામે શંકા વ્યક્ત કરી હતી.

કોંગ્રેસ પ્રમુખે વધુમાં ઉમેર્યું હતું કે, ચૂંટણી જીત્યા બાદ ભાજપના કોર્પોરેટરો પોતપોતાના વોર્ડમાંથી ગાયબ થઈ ગયા છે અને જનતા પ્રાથમિક સુવિધાઓ માટે હેરાન થઈ રહી છે. જ્યાં સુધી રાજકોટના નાગરિકોને તમામ પ્રાથમિક સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પ્રજાના હિત માટે આ લડત ચાલુ રાખશે.

09:11 AM20 જુલાઈ 2026

તાપી: લાકડા ચોરોનો પીછો કરતી વેળાએ સોનગઢ નજીક ગોઝારો અકસ્માત, RFO અને તસ્કરનું મોત

તાપી: તાપી જિલ્લાના ઉકાઈની તાપ્તી રેન્જમાં ફરજ બજાવતા વન વિભાગના અધિકારી (RFO) અને લાકડાની ચોરી કરી ભાગી રહેલા ઈસમનું એક ભયાનક માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું છે.

મળતી વિગતો અનુસાર, રાત્રિના સમયે ઉકાઈ તરફથી ગેરકાયદેસર રીતે લાકડા ભરીને જઈ રહેલી એક ઈનોવા કારનો RFO પોતાની ખાનગી કારમાં પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન સોનગઢ ચેકપોસ્ટ નજીક માર્ગ પર ઉભેલા એક કન્ટેનર પાછળ લાકડા તસ્કરોની ઈનોવા કાર ધડાકાભેર અથડાઈ હતી. તેની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી RFOની ખાનગી કાર પણ ઈનોવા સાથે ભટકાતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ અકસ્માતમાં તાપ્તી રેન્જના RFO વિકાસ દેસાઈ (મૂળ રહે. પાટણ, હાલ રહે. અમદાવાદ)નું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે લાકડા ભરીને ભાગી રહેલી ઈનોવા કારના ચાલક રેહાન ગામીત (રહે. ઉકાઈ)નું પણ ગંભીર ઈજાઓના કારણે મોત થયું છે.

ઘટનાની જાણ થતાં જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સમગ્ર બનાવ અંગે ઉચ્છલ પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

09:05 AM20 જુલાઈ 2026

સુરત: ઉધના દક્ષેશ્વર મંદિર રોડ પર બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી

સુરત: સુરતના ઉધના વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર મંદિર રોડ પર એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ચાલુ વાહને ટ્રેક્ટરનું સ્ટિયરિંગ અચાનક તૂટી જતાં ટ્રેક્ટર રસ્તાની વચ્ચે જ બંધ પડી ગયું હતું. આ દરમિયાન પાછળથી આવી રહેલી બસ ઊભેલા ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બસના આગળના ભાગને મોટું નુકસાન પહોંચ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાના પગલે રોડ પર થોડા સમય માટે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડીને માર્ગ વ્યવહાર પૂર્વવત કરી વાહનવ્યવહાર સામાન્ય બનાવ્યો હતો.

09:00 AM20 જુલાઈ 2026

અમદાવાદ: વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને 10 થયો

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ફટાકડા કારખાનામાં થયેલા ભીષણ વિસ્ફોટની હોનારતમાં મૃત્યુઆંક વધીને 10 પર પહોંચ્યો છે. 95% જેટલા ગંભીર રીતે દાઝી ગયેલા વધુ એક વ્યક્તિનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું. હાલમાં 4 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જે પૈકી એક મહિલાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, આ કેસમાં અટકાયત કરાયેલા ત્રણ પૈકી બે આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સ્પેશિયલ તપાસ માટે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેની સામે અદાલતે બંને આરોપીઓના 27 જુલાઈ સુધીના એટલે કે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મુખ્યા આરોપીઓ પૈકી રમીલાબેન નામના મહિલા પણ ઇજાગ્રસ્ત હોવાથી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકારી વકીલે ધારદાર રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ ગોઝારી ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે અને 5 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. દુઃખદ વાત એ છે કે મૃતકોમાં 4 સગીર વયના બાળકોનો સમાવેશ થાય છે. આરોપીઓએ કોઈપણ પ્રકારની પરમિટ કે મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાની ફેક્ટરી શરૂ કરી દીધી હતી. આ કૌભાંડમાં અન્ય કોઈ ભાગીદારો કે આર્થિક મદદગારો સામેલ છે કે કેમ તે અંગે આરોપીઓ મૌન સેવી રહ્યા હોવાથી કડક પૂછપરછ માટે રિમાન્ડ જરૂરી છે.

08:52 AM20 જુલાઈ 2026

ગુજરાત: પોલીસે ઝડપેલા ₹2153 કરોડના ડ્રગ્સનો દહેજ અને કચ્છ ખાતે કરાશે નાશ – હર્ષ સંઘવી

ગાંધીનગર: ગુજરાત પોલીસ દ્વારા વિવિધ દરોડા અને કામગીરી દરમિયાન જપ્ત કરવામાં આવેલા કરોડો રૂપિયાના નશાકારક દ્રવ્યોના જથ્થાનો નાશ કરવામાં આવશે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે, રાજ્યભરમાંથી ઝડપાયેલા કુલ ₹2,153 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો ટૂંક સમયમાં નિકાલ કરવામાં આવશે. અધિકૃત વિગતો અનુસાર, આ જંગી માત્રાના ડ્રગ્સનો નાશ ભરૂચના દહેજ અને કચ્છ ખાતે નિયમાનુસાર પ્રક્રિયા હાથ ધરીને કરવામાં આવશે. ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવાના અભિયાન હેઠળ પોલીસ તંત્ર દ્વારા જપ્ત કરાયેલા નશાકારક પદાર્થોનો આટલી મોટી માત્રામાં નાશ કરવાનો નિર્ણય લેવાયો છે.

08:50 AM20 જુલાઈ 2026

અમદાવાદ: દેશમાં પેપર લીક એક મહામારી, 2014થી અત્યાર સુધી 150 જેટલા પેપર લીક થયા – અમિત ચાવડા

અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ દેશ અને રાજ્યમાં સતત બની રહેલી પેપર લીકની ઘટનાઓ અંગે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આજે દેશભરમાં યોજાયેલો 'છાત્રોની ગુંજ' કાર્યક્રમ અભૂતપૂર્વ રીતે સફળ રહ્યો છે. વર્ષ 2014થી લઈને અત્યાર સુધીમાં દેશમાં આશરે 150 જેટલા પેપર લીક થઈ ચૂક્યા છે, જેના કારણે લાખો પરીક્ષાર્થીઓના ભવિષ્યના સપના ચકનાચૂર થઈ ગયા છે. અમિત ચાવડાએ વર્તમાન પરીક્ષા પદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે, એક પરીક્ષાર્થીની તૈયારી પાછળ આખો પરિવાર આર્થિક અને માનસિક રીતે જોડાયેલો હોય છે, પરંતુ આખી સરકારની નિષ્ફળતાના કારણે આજે વાલીઓ અને પરિવારો દેશના વડાપ્રધાનને પ્રશ્ન પૂછી રહ્યા છે, છતાં પીએમ મૌન સેવી રહ્યા છે. દેશના પીડિત વિદ્યાર્થીઓને અવાજ આપવાનું કામ રાહુલ ગાંધીએ કર્યું છે. તેમણે ઉમેર્યું કે દેશમાં પેપર લીક હવે એક મહામારીનું રૂપ લઈ ચૂક્યું છે. ગુજરાત યુથ કોંગ્રેસના કાર્યકરો ઘરે-ઘરે જઈને યુવાનો સમક્ષ આ મુદ્દો ઉઠાવી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષ ગુજરાતના યુવાનોને તેમનો વાસ્તવિક અધિકાર અપાવવા માટે કટિબદ્ધ થઈને કાર્ય કરી રહ્યો છે.

08:37 AM20 જુલાઈ 2026

મહીસાગર: લુણાવાડામાં ચણા પુલાવની લારીના ગેસ સિલિન્ડરમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

મહીસાગર: લુણાવાડા શહેરમાં જૂની આરટીઓ કચેરી સામે આવેલી એક ચણા પુલાવની લારીમાં અચાનક ગેસ સિલિન્ડરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સિલિન્ડરમાં આગ ભબકી ઊઠતાં આસપાસના વિસ્તારમાં અને માર્ગ પર અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ લુણાવાડા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહમત બાદ ગેસ સિલિન્ડરમાં લાગેલી આગ પર સમયસૂચકતા વાપરીને પૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી, જેથી સ્થાનિક લોકો અને તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.

08:37 AM20 જુલાઈ 2026

અમરેલી: વાતાવરણમાં પલટો આવતાં બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદી ઝાપટાં, માર્ગો પાણી-પાણી

અમરેલી: અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બગસરા શહેર અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક હવામાન બદલાતાં ધોધમાર વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. બગસરા શહેરમાં પડેલા ભારે વરસાદી ઝાપટાના કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. શહેર ઉપરાંત બગસરા તાલુકાના મુંજયાસર, હડાળા, વાઘણીયા અને ખારી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં નોંધાયા છે. વાતાવરણમાં આવેલા આ અચાનક પલટાથી અને વરસાદના આગમનથી વિષમ ગરમી વચ્ચે લોકોને ભારે શેકારામાંથી રાહત મળી છે, જ્યારે માર્ગો પર પાણી ભરાતાં વાહનચાલકોને થોડી અગવડતાનો સામનો કરવો પડ્યો હતો.

08:33 AM20 જુલાઈ 2026

વાવ-થરાદના ભાભરમાં ટ્રાન્સમિશન લાઇન મુદ્દે ખેડૂતોનો વિરોધ, વળતર અંગે કલેક્ટરને રજૂઆત


ભાભર: વાવ-થરાદ વિસ્તારના ભાભર તાલુકામાં લાકડીયા - બનાસકાંઠા ટ્રાન્સમિશન લાઇનને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ લાઇનથી પ્રભાવિત ગોસણ, ચચાસણા અને સિસોદરા ગામના ખેડૂતોએ એકઠા થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ અંગે રજૂઆત કરી હતી. અસરગ્રસ્ત ખેડૂતોએ માંગ કરી છે કે ટ્રાન્સમિશન લાઇન પસાર થવાના કારણે તેમની જમીનને થઈ રહેલા નુકસાન સામે 15 ટકા મુજબ યોગ્ય અને વ્યાજબી વળતર ચૂકવવામાં આવે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની ન્યાયી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

08:21 AM20 જુલાઈ 2026

સુરત: અનાજ ચોરી અને ભ્રષ્ટાચાર સામે યુવકનો કલેક્ટર કચેરી ખાતે અનોખો વિરોધ, અનશન માટે જગ્યા ફાળવવા માગ

સુરત: સુરતમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ચાલતી કથિત ગેરરીતિઓ અને અનાજ ચોરી સામે એક યુવકે કલેક્ટર કચેરી ખાતે અનોખો વિરોધ નોંધાવ્યો છે. યુવકનો ગંભીર આક્ષેપ છે કે રેશનિંગ દુકાનદારો ભાડેથી દુકાનો ચલાવી ગરીબોના હકનું અનાજ બ્લેકમાં વેચી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી નાયબ મામલતદાર, કલેક્ટર, રાજ્યના પુરવઠા મંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધી લિખિત ફરિયાદો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. યુવકે પોલીસ સામે પણ આક્રોશ વ્યક્ત કરતા આક્ષેપ કર્યો હતો કે, પીએમ મોદીના પ્રવાસ વખતે વિરોધ દર્શાવવા જતાં પોલીસે તેની પાસે રહેલા તમામ પુરાવા અને અરજીઓની નકલો છીનવીને ફાડી નાખી હતી. યુવકે જવાબદાર નાયબ મામલતદાર અને કલેક્ટર સામે કડક કાર્યવાહી કરવાની તેમજ પુરાવા છીનવનાર પોલીસકર્મીઓ સામે પગલાં લેવાની માગ કરી છે. આ સાથે અનાજ ચોરીના વિરોધમાં અનશન પર બેસવા માટે સરકારી પરમિશન અને યોગ્ય જગ્યા ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

08:08 AM20 જુલાઈ 2026

સુરત સિવિલ હોસ્પિટલમાં કિશોરીની ટીંગાટોળીનો વીડિયો વાયરલ, પરિવારજનોનો તબીબોની બેદરકારીનો આક્ષેપ

સુરત: સુરત સિવિલ હોસ્પિટલમાંથી તંત્રની બેદરકારી છતી કરતો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સારવાર અર્થે લાવવામાં આવેલી એક કિશોરીને ટીંગાટોળી કરીને ઈમરજન્સી વિભાગ તરફ લઈ જવામાં આવી રહી છે. તાવ અને પેટના અસહ્ય દુખાવાની ફરિયાદ હોવાથી પરિવારજનો કિશોરીને હોસ્પિટલ લાવ્યા હતા. પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ડૉક્ટરો અને હોસ્પિટલ તંત્રની બેદરકારી તેમજ ધક્કામુક્કીના કારણે કિશોરી અચાનક બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ દર્દીને તાત્કાલિક ધોરણે ટીંગાટોળી કરી ઈમરજન્સી વિભાગમાં સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. જોકે, આ બાબતે સિવિલ હોસ્પિટલ પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

08:06 AM20 જુલાઈ 2026

અમરેલી: ખાંભાના રબારીકા ગામે સુતેલા વૃદ્ધ પર સિંહનો હુમલો, બ્લેંકેટ ખસેડતાં જ માણસ હોવાની જાણ થતાં સિંહ ભાગ્યો

અમરેલી: ખાંભા તુલસીશ્યામ રેંજ હેઠળ આવેલા રબારીકા ગામે સિંહે એક વૃદ્ધ પર હુમલો કરવાનો પ્રયાસ કરતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. રબારીકા ગામે પોતાના ઘરે બ્લેંકેટ ઓઢીને સુતેલા રવજીભાઈ સેંજલિયા નામના વૃદ્ધ પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. સિંહ દ્વારા બ્લેંકેટ પર મોઢું મારવામાં આવ્યું હતું, પરંતુ અંદર માણસ હોવાની જાણ થતાં જ સિંહ ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનામાં રવજીભાઈને માથાના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચતાં તેમને ત્વરિત સારવાર અર્થે ઊનાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમ રબારીકા ગામે દોડી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ ગામજનોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.

07:37 AM20 જુલાઈ 2026

ગાંધીનગર: શેલા-બોપલમાં દીપડો દેખાતાં વન વિભાગ એલર્ટ, મુખ્યમંત્રી અને વનમંત્રીનું સીધું મોનિટરિંગ

ગાંધીનગર: અમદાવાદના શેલા-બોપલ વિસ્તારમાં દીપડો દેખાવાની ઘટના બાદ વન વિભાગ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. વન રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, હજુ સુધી કોઈને નુકસાન થયાના સમાચાર નથી. આ અંગે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વનમંત્રી પોતે સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. વન વિભાગના અનુમાન મુજબ દીપડો નદીના કોતરોમાંથી શહેરી વિસ્તારમાં આવી ચડ્યો હોવાની શક્યતા છે. વન વિભાગ દ્વારા ફૂટપ્રિન્ટના આધારે દીપડાને સલામત રીતે રેસ્ક્યૂ કરવા માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. વન વિભાગે નાગરિકોને અંધારા અને સૂમસામ વિસ્તારોમાં ન જવા, દીપડાને કોઈ હાનિ ન પહોંચાડવા અને દીપડો દેખાય તો તરત જ તંત્રને જાણ કરવા અપીલ કરી છે. અમરેલી જેવી અપ્રિય ઘટના ફરી ન બને તે માટે વન વિભાગ દ્વારા તમામ જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.

07:27 AM20 જુલાઈ 2026

રાજકોટના રૈયાધારમાં પૈસાની લેતી-દેતીમાં ખૂની ખેલ: એકની હત્યા, 3 ઘાયલ; યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી


રાજકોટ: રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં આજે વહેલી સવારે પૈસાની લેતી-દેતી મામલે થયેલી ઉગ્ર તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતાં 50 વર્ષીય સુરેશભાઈ બાલાભાઈ ઘોળકિયાની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ લોહીયાળ ઘટનાથી સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બે પક્ષો વચ્ચે થયેલી મારામારી અને હુમલામાં સુરેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના ભાઈ રાજેશભાઈ અને પુત્ર લાખાભાઈ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડાયા છે. સામા પક્ષે વળતા હુમલામાં આરોપી હાર્દિક ઘુડાભાઈ ઘોળકિયા પણ ઈજાગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્ર કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

07:22 AM20 જુલાઈ 2026

અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ: SIT એ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માગ્યા, તબિયત લથડતાં મહિલા આરોપી હોસ્પિટલમાં ખસેડાયા


અમદાવાદ: મહેમુદપુરા સ્થિત 'ન્યુ ગુજરાત ફાયર વર્ક્સ' ફટાકડા ફેક્ટરીમાં ગંભીર બેદરકારીના કારણે થયેલા વિસ્ફોટ અને આગમાં 10 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. આ મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા ફેક્ટરીના સંચાલક મેહુલ ડોડીયા અને ભાગીદાર સાદિક સૈયદને મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરીને 14 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. મહિલા આરોપી રમીલા ડોડીયાની તબિયત બગડતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. SIT દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, બનાવ સ્થળેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હોય તેના ખરીદ-વેચાણ, આર્થિક વ્યવહારો અને સ્ટોક રજીસ્ટર કબજે કરવા માટે આરોપીઓની હાજરી જરૂરી છે. આ ઉપરાંત, આરોપીઓને સાથે રાખી સ્થળ પંચનામું કરવા, વેપારમાં સામેલ અન્ય લોકોની પૂછપરછ કરવા તેમજ કેસની તલસ્પર્શી તપાસ માટે પોલીસ રિમાન્ડ અનિવાર્ય હોવાનું જણાવાયું છે. હાલ પોલીસ સમગ્ર કેસમાં સંયોગિક પુરાવા એકત્રિત કરવા સઘન તપાસ ચલાવી રહી છે.

07:20 AM20 જુલાઈ 2026

અંકલેશ્વર બેટથી માર મારવાના કેસમાં નાટકીય વળાંક: આરોપીની પુત્રીએ કહ્યું- 'આ હુમલો નહીં પણ એક્શનનું રિએક્શન હતું'

ભરૂચ: અંકલેશ્વરમાં ગત 15 જુલાઈના રોજ બે વિદ્યાર્થીનીઓ પર બેટ વડે જીવલેણ હુમલો કરવાના ચર્ચાસ્પદ મામલામાં નવો અને નાટકીય વળાંક આવ્યો છે. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી ગુરુદેવ ઉર્ફે દેવ પ્રીતમ સિંગ જેસર અને તેની પત્ની ભાવિનીની ધરપકડ કર્યા બાદ હવે ગુરુદેવની પુત્રી પર્લનું નિવેદન સામે આવ્યું છે. ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી પર્લે દાવો કર્યો છે કે, વિદ્યાર્થીનીઓ સંસ્કૃતિ અને આકૃતિ પર થયેલો હુમલો એ હુમલો નહીં પરંતુ તેમના એક્શનનું રિએક્શન હતું. પર્લના જણાવ્યા અનુસાર, આ ઘટના પહેલાં સંસ્કૃતિએ તેને મળવા બોલાવીને તેના મિત્રો સાથે મળીને માર માર્યો હતો અને સિગરેટના ડામ પણ આપ્યા હતા. પર્લે વધુમાં જણાવ્યું કે, આ અંગે વાત કરવા તેના માતા-પિતા સંસ્કૃતિના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તે રસ્તામાં મળતા આવેશમાં આવીને મારામારી થઈ હતી. બીજી તરફ સંસ્કૃતિએ પણ તેના પર થયેલા હુમલાનો વીડિયો વાયરલ કર્યો છે. હાલ આ મામલે સામા પક્ષે ક્રોસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

07:18 AM20 જુલાઈ 2026

અમદાવાદના ઘુમામાં દીપડાના એન્ટ્રીથી ફફડાટ: વનવિભાગનું મોટું સર્ચ ઓપરેશન, થર્મલ ડ્રોનની મદદ લેવાશે

અમદાવાદ: અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં દીપડો દેખાતાં રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઘટના અંગે અમદાવાદના DCF ડૉ. મીનલ જાનીએ જણાવ્યું હતું કે, આ દીપડો અંદાજે 8 વર્ષનો હોવાનું અનુમાન છે અને તે ખોરાકની શોધમાં આ વિસ્તારમાં આવી ચડ્યો હોવાની શક્યતા છે. ઘટના સ્થળેથી એક મરઘીના મારણના પુરાવા મળ્યા છે. વનવિભાગની ટીમ દ્વારા દીપડાના પગના નિશાન (ફૂટ પ્રિન્ટ)ના આધારે તેની દિશા શોધવાના પ્રયાસો હાથ ધરાયા છે. દસક્રોઈ, સાણંદ સહિત અન્ય વિસ્તારની ટીમો સર્ચ ઓપરેશનમાં જોતરાઈ છે અને સાંજ પછી થર્મલ ડ્રોનની મદદથી ઓપરેશન ફરી ઝડપી કરાશે. વનવિભાગે સ્થાનિક રહીશોને સાવચેત રહેવા અને નાના બાળકોને અવાવરું જગ્યાએ ન મોકલવા અપીલ કરી છે. હાલ દીપડો અજાણ્યા વિસ્તારમાંથી દૂર નીકળી ગયો હોવાની પણ શક્યતા સેવાઈ રહી છે.

06:06 AM20 જુલાઈ 2026

જલાલપોરમાં 8 ઈંચ અને નવસારીમાં પોણા છ ઈંચ ધોધમાર વરસાદ: રસ્તાઓ જળમગ્ન થતાં જનજીવન પ્રભાવિત

નવસારી: નવસારી જિલ્લામાં વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના જલાલપોરમાં અંદાજે 8 ઈંચ અને નવસારી શહેરમાં પોણા છ ઈંચ જેટલો ખાબકેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદના કારણે ધાનેરા પોઈન્ટ, કાલિયાવાડી અને દુધિયા તળાવ સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને ધાનેરા પોઈન્ટ નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. સતત વરસતા વરસાદને લીધે વિઝિબિલિટી ખૂબ જ ઘટી જતાં વાહનચાલકોને દિવસ દરમિયાન પણ વાહનોની હેડલાઈટ ચાલુ રાખીને મુસાફરી કરવાની ફરજ પડી હતી.

06:05 AM20 જુલાઈ 2026

સુરત પૂર નુકસાની મામલે સરકારનો મહત્વનો નિર્ણય: ઉદ્યોગ અને ખાણ વિભાગે જાહેર કર્યો પરિપત્ર, સહાય માટે 6 મહિનાની સમયમર્યાદા

સુરત: સુરતમાં તાજેતરમાં આવેલા પૂરના કારણે થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતાં અધિકૃત પરિપત્ર જાહેર કર્યો છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા પૂર નુકસાની સહાય અંગેના વિસ્તૃત નિયમો અને પ્રક્રિયા સાથેનો પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વિવિધ શ્રેણીમાં સહાય ચૂકવવામાં આવશે. નિયમો અનુસાર, નુકસાની માટેની સહાય મેળવવા માટે અરજદારે નિયત ફોર્મ સાથે પૂર નુકસાનીના ફોટો કે વીડિયો રજૂ કરવાના રહેશે. વેપાર-ઉદ્યોગ સંબંધિત અરજીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે મોકલવાની રહેશે, જ્યારે રોકડ સહાય મેળવવા માટે સંબંધિત મામલતદાર અથવા મ્યુનિસિપલ કમિશનરને અરજી કરવાની રહેશે. આ ઉપરાંત, વ્યાજ સહાય માટે લોન મેળવ્યા અંગેના પુરાવા રજૂ કરવા ફરજિયાત બનાવાયા છે. સરકારે આ સહાય યોજના હેઠળ અરજી કરવા માટે 6 માસની સમયમર્યાદા નક્કી કરી છે. આ પરિપત્ર જાહેર થતાં પૂર અસરગ્રસ્ત વેપારીઓ અને સ્થાનિકોને મોટી રાહત મળશે.

05:55 AM20 જુલાઈ 2026

સુરત: ₹14 લાખના ટેન્કર ચોરી કેસનો ભેદ ઉકેલાયો, પાંડેસરા પોલીસ અને DCBએ 6 આરોપીઓને ઝડપ્યા


સુરત: સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી પાણીના ટેન્કરની ચોરી થવાની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. પાંડેસરા પોલીસ અને ડી.સી.બી. (DCB) ની સંયુક્ત ટીમે સઘન તપાસ હાથ ધરીને ₹14 લાખની કિંમતના ટેન્કર ચોરીના ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કાર્યવાહી દરમિયાન કુલ ₹16.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં વિભુત ઉર્ફે સુશીલ નિવાસી, જીતેન્દ્ર ઉર્ફે જીતુ, અનીલ ઉર્ફે દીક્ષુ, ફરહત ઉર્ફે ફારૂક, બાબુલ ઉર્ફે બાબુ અને ઓમપ્રકાશ વિશ્વકર્માનો સમાવેશ થાય છે. આરોપીઓની ઓળખ સીસીટીવી (CCTV) ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવી હતી. હાલ પાંડેસરા પોલીસે તમામ આરોપીઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

05:55 AM20 જુલાઈ 2026

સુરતમાં ભારે વરસાદ બાદ પાલિકા કમિશનર એમ. નાગરાજન મેદાને: રાત્રે જ સરપ્રાઈઝ વિઝિટ કરી સફાઈ કામગીરીનું કર્યું નિરીક્ષણ


સુરત: સુરત શહેરમાં ગત રોજ પડેલા ભારે વરસાદ અને ખાડીના પાણી બેક મારવાના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદી પાણી ઓસર્યા બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન મોડી રાત્રે પોતે મેદાને ઉતર્યા હતા. પાલિકા કમિશનરે અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લઈને જળભરાવની સ્થિતિનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. જ્યાંથી પાણી ઓસરી ગયા છે ત્યાં તાત્કાલિક ધોરણે હાથ ધરાયેલી સફાઈ કામગીરીની પણ તેમણે સમીક્ષા કરી હતી. ભવિષ્યમાં આવી સ્થિતિમાં પાણીનો ઝડપી નિકાલ થાય તે દિશામાં નક્કર આયોજન કરવા માટે કમિશનરે ઉપસ્થિત પાલિકા અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.

05:36 AM20 જુલાઈ 2026

શ્રાવણ 2026 માટે શ્રી સોમનાથ ટ્રસ્ટનું ભવ્ય આયોજન, માત્ર ₹51માં મહામૃત્યુંજય યજ્ઞમાં બેસી શકાશે

ગીર સોમનાથ: પવિત્ર શ્રાવણ માસ 2026 ને ધ્યાનમાં રાખીને પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવભક્તો માટે ભવ્ય અને અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટે જાહેરાત કરી છે કે શ્રાવણ દરમિયાન આવનાર કોઈપણ ભક્ત પૂજાના લાભથી વંચિત નહીં રહે. શ્રાવણના 30 દિવસ સુધી મંદિર પરિસરમાં 3 વિશાળ યજ્ઞશાળાઓમાં 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞ યોજાશે. ભક્તો માત્ર ₹51 ના શુકનવંતી ફીમાં આ યજ્ઞમાં ભાગ લઈ શકશે. આ માટે દરરોજ 9 ટાઈમ સ્લોટ રાખવામાં આવ્યા છે, જ્યારે યજ્ઞમાં બેસવા માટે પરંપરાગત ધોતીની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવશે.

લાખો શિવભક્તોના આગમનને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં જ somnath.org પરથી ઓનલાઈન સ્લોટ બુકિંગ શરૂ કરવામાં આવશે.

05:28 AM20 જુલાઈ 2026

બાવળાના રાસમ ગામે રસ્તા પર વિશાળ અજગર દેખાતાં ગ્રામજનોમાં ફફડાટ, રેસ્ક્યૂ ટીમને કરાઈ જાણ

બાવળા: અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલા રાસમ ગામે અચાનક વિશાળ અજગર દેખાતાં સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બાવળાથી કાવીઠા જવાના મુખ્ય માર્ગ પર અજગર રસ્તા પર આવી જતાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં અવારનવાર અજગરો નીકળવાની ઘટનાઓ સામે આવતી રહે છે, જેના કારણે ગ્રામજનોમાં સતત ભયનો માહોલ રહે છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક નાગરિકો દ્વારા તાત્કાલિક વનવિભાગ અને રેસ્ક્યૂ ટીમને જાણ કરવામાં આવી છે. રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી અજગરને સુરક્ષિત રીતે પકડીને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કામગીરી હાથ ધરશે.

05:27 AM20 જુલાઈ 2026

તાલાલાના જેપુર ગીર ખાતે સિંહોના વસવાટ નજીક ડમ્પિંગ સાઇટ બનાવતા વિવાદ, સરપંચે કલેક્ટરને કરી રજૂઆત

ગીર સોમનાથ: તાલાલા તાલુકાના જેપુર ગીર ગામે સિંહોના કુદરતી વસવાટ અને ગાઢ જંગલ વિસ્તાર નજીક નગરપાલિકા દ્વારા ઘન કચરાના નિકાલ (ડમ્પિંગ સાઇટ) માટે જમીન ફાળવાતાં મોટો વિવાદ સર્જાયો છે. આ વિસ્તારમાં સિંહોની મુક્ત અવરજવરના વીડિયો પણ સામે આવ્યા છે. ગ્રામ પંચાયતના લેખિત અને મૌખિક વિરોધ છતાં વન વિભાગની NOC વગર જમીન ફાળવી દેવાઈ હોવાનો આરોપ સરપંચ હીનાબેન બમરોટીયાએ લગાવ્યો છે. સરપંચે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી આ નિર્ણય તાત્કાલિક રદ કરવા માંગ કરી છે. વાગડીયો નદી અને જંગલ નજીક ડમ્પિંગ સાઇટ બનવાથી સિંહ અને દીપડા જેવા વન્યજીવોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થશે. તાજેતરમાં ફેલાયેલા બેબીસિયા સંક્રમણ બાદ વન્યજીવોની સુરક્ષાને લઈને સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી છે.

05:26 AM20 જુલાઈ 2026

સુરતના કતારગામમાં દંપતી જીવન ટૂંકાવતા અરેરાટી

સુરત: સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી કિસ્મત કોલોની, હળપતિ વાસ ખાતેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતા એક યુવાન દંપતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મકાનના બીજા માળે રહેતા 23 વર્ષીય અભય ગિરીશભાઈ કાતરિયા અને તેમની પત્ની દિશાબેન અભય કાતરિયાએ પોતાના ઘરમાં જ અણધાર્યું પગલું ભરી મોતને વ્હાલું કરી લીધું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને બંનેની લાશ ઘરમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. ઘટના અંગે સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને દંપતીના આત્યંતિક પગલાં પાછળનું સાચું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

05:01 AM20 જુલાઈ 2026

અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી: વસ્ત્રાપુર, સેટેલાઈટ અને બોપલમાં સાર્વત્રિક વરસાદ


અમદાવાદ: અમદાવાદ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ પશ્ચિમના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેરના વસ્ત્રાપુર, સેટેલાઈટ, જજીસ બંગલા, પ્રહલાદનગર અને વેજલપુર જેવા અગ્રણી વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત બોપલ, ઘુમા, ઘાટલોડિયા, નારણપુરા અને નવરંગપુરા સહિતના વિસ્તારોમાં પણ ધીમી ધારેથી લઈને તેજ વરસાદી ઝાપટાં શરૂ થતાં સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદના કારણે વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી નાગરિકોને બફારા અને ગરમીમાંથી મોટી રાહત મળી છે. નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાતાં તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.

04:51 AM20 જુલાઈ 2026

મહેસાણા: દીકરો ડોક્ટર બનવાની ખુશીમાં અમેરિકાસ્થિત માઈભક્તે માં બહુચરને અર્પણ કર્યું 1 કિલો ચાંદીનું છત્ર


બહુચરાજી: પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી ખાતે માં બહુચરના ચરણોમાં એક માઈભક્ત દ્વારા 1 કિલોગ્રામ ચાંદીનું આકર્ષક છત્ર અર્પણ કરવામાં આવ્યું છે. મૂળ ખેડા જિલ્લાના અને હાલ અમેરિકા સ્થાયી થયેલા પરિવારના દીકરાએ તબીબી ક્ષેત્રે સફળતા મેળવી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી છે. દીકરાની કારકિર્દીની નવી શરૂઆત થતાં અને પરિવારમાં ખુશીનો માહોલ છવાતાં, માતાજીની માનતા પૂરી કરવાના ભાગરૂપે આ ચાંદીનું છત્ર ભક્તિભાવપૂર્વક ધરાવવામાં આવ્યું હતું. માતાજીના મંદિરે અર્પણ કરાયેલા આ ચાંદીના છત્રને જોઈ દર્શનાર્થે આવેલા અન્ય ભક્તો પણ ભાવાવિભોર બન્યા હતા.

04:51 AM20 જુલાઈ 2026

રાજકોટમાં નાણાકીય લેતીદેતીમાં લોહિયાળ ખેલ: કૌટુંબિક ભત્રીજાએ કાકાની કરી હત્યા, 3 ઈજાગ્રસ્ત


રાજકોટ: રાજકોટના સોમનાથ સોસાયટી-2 વિસ્તારમાં પૈસાની લેતીદેતી ચાલતી કૌટુંબિક તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. નાણાકીય બાબતે થયેલી બોલાચાલીમાં કૌટુંબિક ભત્રીજાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી પોતાના જ કૌટુંબિક કાકાની નિર્મમ હત્યા કરી નાખી છે. આ લોહિયાળ ઘટનામાં રૈયાધાર વિસ્તારમાં રહેતા સુરેશ ધોળકીયા (ઉંમર વર્ષ 50) નું મોત નીપજ્યું છે, જ્યારે રાજેશ ધોળકિયા અને લાખા ધોળકિયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. વળતા હુમલામાં આરોપી હાર્દિક ધોળકિયા પણ ઘાયલ થયો છે. ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

04:46 AM20 જુલાઈ 2026

વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ: તપાસ માટે SITની રચના, 10 દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ

અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટના કેસમાં પોલીસ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર દ્વારા એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. DCP ના અધ્યક્ષપણા હેઠળ રચાયેલી આ SIT માં DCP ઝોન-8, ACP S ડિવિઝન અને રામોલ PI નો સમાવેશ કરાયો છે.

પોલીસ કમિશનરે SIT ને ઘટનાના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરીને આગામી 10 દિવસમાં વિગતવાર અહેવાલ રજૂ કરવા માટે સ્પષ્ટ સૂચના આપી છે.

04:20 AM20 જુલાઈ 2026

અમદાવાદના VIP રોડ પર રાત્રિના અંધારામાં દીપડાનું આગમન: હજું પાંજરે નથી પૂરાયો દીપડો


અમદાવાદ: શહેરના પોશ ગણાતા ઘુમા વિસ્તારમાં રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ અચાનક દીપડાનું આગમન થતાં સ્થાનિક રહીશોમાં ભારે ભય અને દહેશતનો માહોલ છવાઈ ગયો છે. ઘુમા વિસ્તારના જાણીતા VIP રોડ પર આવેલી એક સોસાયટીના સીસીટીવી (CCTV) કેમેરામાં દીપડાની હલચલ સ્પષ્ટપણે કેદ થઈ છે. રાત્રિના અંધારામાં રહેણાંક વિસ્તારમાં દીપડો રખડતો જોવા મળતાં જ વાયરલ વીડિયોને પગલે વનવિભાગ પણ તાત્કાલિક સાબદું થઈ ગયું છે. વનવિભાગ દ્વારા વિસ્તારમાં તપાસ અને પેટ્રોલીંગ તેજ કરવામાં આવ્યું છે. જોકે, હજુ સુધી દીપડો પાંજરે પુરાયો નથી. તેના કારણે લોકોના ડર અને દહેશતનો માહોલ છે.

04:11 AM20 જુલાઈ 2026

અમદાવાદના પોશ વિસ્તાર ઘુમામાં દીપડાની દસ્તક: CCTV સામે આવતાં સ્થાનિકોમાં દહેશત, વન વિભાગનું રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

અમદાવાદ: અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં આવેલી એક પોશ સોસાયટીમાં દીપડો ઘૂસી આવતાં સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને દહેશતનો માહોલ સર્જાયો છે. રાત્રીના સમયે રહેણાંક વિસ્તારમાં દીપડાની મુવમેન્ટ CCTV કેમેરામાં કેદ થતાં સ્થાનિક રહીશોમાં ભય વ્યાપી ગયો છે. અમદાવાદ જેવા મેટ્રો સિટીના રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતાં તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે. હાલ વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા અને તેને સુરક્ષિત રીતે પકડવા માટે સઘન રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે.

03:48 AM20 જુલાઈ 2026

આણંદ બાળકી અપહરણ-હત્યા કેસમાં મોટો વળાંક: આરોપી સુરેશ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત


આણંદ: આણંદ જિલ્લાના વાસદમાં 4 વર્ષની બાળકીના અપહરણ અને નૃશંસ હત્યા કેસમાં મોટો વળાંક આવ્યો છે. આ સનસનાટીભર્યા કેસના મુખ્ય આરોપી સુરેશ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, પોલીસ ટીમ જ્યારે આરોપીને વાસદ લઈ જઈ રહી હતી, ત્યારે નશાની હાલતમાં રહેલા સુરેશે અચાનક પોલીસ કાફલા પર હુમલો કર્યો હતો. LCB PSI દ્વારા વારંવાર ચેતવણી આપવા છતાં આરોપી કાબૂમાં આવ્યો ન હતો, જેથી પોલીસે સ્વબચાવમાં આત્મરક્ષા અર્થે ફાયરિંગ કરવું પડ્યું હતું. આ હિંસક ઝપાઝપી અને ઘટના દરમિયાન બે પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

03:20 AM20 જુલાઈ 2026

ગિરનાર પર ધાર્મિક મહોત્સવોનો ત્રિવેણી સંગમ: જૈન સમાજનો નિર્વાણ લાડુ મહોત્સવ અને દૂધધારા પરિક્રમા યોજાશે


જૂનાગઢ: ગિરનાર પર્વત પર દિગંબર જૈન સંપ્રદાય દ્વારા ‘નિર્વાણ લાડુ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. તંત્ર દ્વારા પ્રથમ ટૂંક પર આ મહોત્સવ ઉજવવાની પરવાનગી આપવામાં આવી છે. બીજી તરફ, સનાતન રૈવતક સમિતિ દ્વારા ‘દૂધધારા પરિક્રમા’નું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ પગથિયાથી દત્તાત્રેય ટૂંક સુધી દૂધધારા લઈ જઈ વિધિવત રીતે દત્ત પાદુકાનું પૂજન-અર્ચન કરવામાં આવશે. એકસાથે ધાર્મિક પ્રસંગોને પગલે ગિરનાર પર ભક્તિમય માહોલ સર્જાયો છે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

03:19 AM20 જુલાઈ 2026

અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ: ફેક્ટરી પર બુલડોઝર ફર્યું, આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે


અમદાવાદ: અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટ મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેસની ઊંડાણપૂર્વક તપાસ માટે ખાસ 'સિટ' (SIT) ની રચના કરવામાં આવી છે, જ્યારે ઘટનાસ્થળે બ્લાસ્ટ થયેલી ગેરકાયદે ફેક્ટરી પર તંત્રનું બુલડોઝર ફેરવી દેવાયું છે. પોલીસ અને FSL ની ટીમે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. બીજી તરફ, પોલીસે ફેક્ટરીના માલિક મેહુલ ડોડિયા અને તેની માતા રમિલા ડોડિયાની અટકાયત કરી છે. પૂછપરછ અને તપાસ અર્થે બંને આરોપીઓને વધુ રિમાન્ડની માંગણી સાથે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

03:09 AM20 જુલાઈ 2026

તાપી જિલ્લામાં વહેલી સવારથી મેઘમહેર: વ્યારામાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં આનંદનો માહોલ


વ્યારા: તાપી જિલ્લામાં એક સપ્તાહના લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરી છે. આજે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના વાલોડ, વ્યારા, ડોલવણ અને સોનગઢ સહિતના વિવિધ વિસ્તારોમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વ્યારા નગરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ રહેતાં માર્ગો પર પાણી વહેતા થયા છે. લાંબા વિરામ બાદ મેઘમહેર થતાં અને ચોમાસુ પાકને નવું જીવનદાન મળતાં પંથકના ખેડૂતપુત્રોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.

03:08 AM20 જુલાઈ 2026

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ

નવસારી જળબંબાકારગાંધીનગર: રાજ્યમાં ચોમાસુ માહોલ પૂર્ણપણે સક્રિય થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 111 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 6 ઇંચ અને નવસારી શહેરમાં 5 ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે. વલસાડના પારડીમાં 4 ઇંચ, જ્યારે પલસાણા અને ચીખલીમાં 3-3 ઇંચ વરસાદ નોંધાયો છે. અહેવાલ મુજબ રાજ્યના 6 તાલુકામાં 2 ઇંચથી વધુ અને 20 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય વિસ્તારોમાં અડધા ઇંચથી હળવો વરસાદ નોંધાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now