રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત માવઠાના કારણે કૃષિ ક્ષેત્રમાં ગંભીર અસર જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે મગફળી, કપાસ અને ડાંગર જેવા પાકને નુકસાન પહોંચ્યું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અમરેલીના રાજુલામાં 8.5 ઇંચ, ભાવનગરના મહુવામાં 7.24 ઇંચ, સૂત્રાપાડામાં 6.85 ઇંચ, ઉના અને ગળતેશ્વરમાં 5.55 ઇંચ, લીલિયામાં 5.39 ઇંચ, ગીર ગઢડામાં 5.16 ઇંચ તથા વેરાવળમાં 4.92 ઇંચ વરસાદ નોંધાયો છે. આ અચાનક પડેલા વરસાદે ખેડૂતોએ ઉભા પાક વિશે ચિંતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં આગામી એક સપ્તાહ દરમિયાન હળવાથી લઈને ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. વિભાગના જણાવ્યા મુજબ, 31 ઑક્ટોબર સુધીમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. 1 નવેમ્બર સુધી ગાજવીજની પ્રવૃત્તિ યથાવત્ રહેશે જ્યારે 2 નવેમ્બર પછી વરસાદ ધીમો પડવાની સંભાવના છે. તાપમાનની દ્રષ્ટિએ આગામી પાંચ દિવસ દરમિયાન કોઈ મોટા ફેરફારની શક્યતા નથી પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
હવામાન વિભાગે આજે 29 ઑક્ટોબર માટે અમરેલી અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જે મુજબ અહીં ગાજવીજ સાથે અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે જુનાગઢ, ગીરસોમનાથ, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તીવ્ર પવન અને વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આગામી 30 ઑક્ટોબરે વરસાદની તીવ્રતા વધવાની સંભાવના છે. પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી રહેશે, જ્યારે દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ, દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર થશે. 31 ઑક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા યથાવત્ રહેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 2 નવેમ્બર સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. નવેમ્બરની શરૂઆતમાં બંગાળની ખાડીમાં ફરી સક્રિયતા વધવાની શક્યતા છે જ્યારે અરબી સમુદ્રમાં પણ હવામાન તંત્રોમાં હલચલ જોવા મળશે. તેમણે ઉમેર્યું કે ઉત્તર ભારતમાં 4 થી 8 નવેમ્બર દરમિયાન એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જે ગુજરાતના વાતાવરણમાં પલટો લાવી શકે છે. આ પ્રણાલી કારણે રાજ્યના મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીનો અહેસાસ શરૂ થશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવેમ્બરના બીજા સપ્તાહ પછી ફરી હવામાનમાં બદલાવ આવી શકે છે અને 18 નવેમ્બર બાદ એક નવું વાવાઝોડું સક્રિય થવાની સંભાવના છે, જેના પ્રભાવ ડિસેમ્બર સુધી રહેશે.






