Home Gujarat Gujarat Heatwave Health Guidelines 2026

ગુજરાતમાં પ્રચંડ ગરમીનો કહેર : આરોગ્ય વિભાગની હીટવેવ માર્ગદર્શિકા જાહેર

Heatwave
Published by: Aryan Shah
Last Updated: Apr 22, 2026, 10:15 AM IST

Heatwave alert in Gujarat : સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે સૂર્યદેવ આકરા પાણીએ છે. ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી રહ્યો છે, જેના કારણે હીટવેવની સ્થિતિ સર્જાઈ છે. આ ગંભીર પરિસ્થિતિમાં નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈનનો મુખ્ય હેતુ લોકોને હીટસ્ટ્રોક અને ગરમીથી થતી બીમારીઓથી બચાવવાનો અને તંત્રની સજ્જતા સુનિશ્ચિત કરવાનો છે.

ગરમી સામે રક્ષણ મેળવવા નાગરિકો માટેની ગાઈડલાઈન

વધતા તાપમાનમાં શરીરને ઠંડુ રાખવું સૌથી મહત્વનું છે. આરોગ્ય વિભાગે નાગરિકોને ખાસ વિનંતી કરી છે કે, બપોરે 12:00 થી 04:00 ના સમયગાળા દરમિયાન, જ્યારે સૂર્યના કિરણો સૌથી સીધા અને આકરા હોય છે, ત્યારે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું. જો કોઈ કામ અર્થે બહાર જવું પડે તેમ હોય, તો માથા પર ટોપી, રૂમાલ કે ભીનું સુતરાઉ કપડું અવશ્ય રાખવું. કપડાંની પસંદગીમાં હળવા રંગના અને સુતરાઉ કાપડને પ્રાધાન્ય આપવું, કારણ કે તે પસીનાને સોષે છે અને શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે.

આહાર અને હાઈડ્રેશનનું મહત્વ

ઉનાળામાં શરીરમાંથી પસીના દ્વારા પાણી અને ક્ષારનું પ્રમાણ ઝડપથી ઘટે છે, જેને કારણે ડિહાઈડ્રેશન થઈ શકે છે. આથી, તરસ ન લાગી હોય તો પણ દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીતા રહેવું જોઈએ. આ ઉપરાંત કુદરતી પીણાં જેવા કે છાસ, લીંબુ શરબત, નાળિયેર પાણી અને ઓઆરએસ (ORS) નું સેવન વધારવું. જો તમને અચાનક ચક્કર આવે, અતિશય તરસ લાગે, માથામાં ભારે દુખાવો થાય અથવા ચામડી લાલ અને ગરમ થઈ જાય, તો આ હીટસ્ટ્રોકના લક્ષણો હોઈ શકે છે. આવા સમયે વિલંબ કર્યા વગર નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

સંવેદનશીલ જૂથોની વિશેષ કાળજી

ગરમીની સૌથી વધુ અસર બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓ પર થતી હોય છે. આ જૂથના લોકોની રોગપ્રતિકારક શક્તિ અને શરીરનું તાપમાન નિયંત્રિત કરવાની ક્ષમતા ઓછી હોવાથી તેમને વિશેષ સંરક્ષણ આપવું જરૂરી છે. તેમને પૂરતા પ્રમાણમાં પ્રવાહી આપવું અને બને ત્યાં સુધી ઘરમાં ઠંડકવાળા વાતાવરણમાં રાખવા. નાના બાળકોને સીધા તડકામાં ન લઈ જવા અને વૃદ્ધોના સ્વાસ્થ્યનું સતત નિરીક્ષણ કરતાં રહેવું જોઈએ.

આ પણ ખાસ વાંચો : ગુજરાતમાં વધતી ગરમી અંગે અપાયું એલર્ટ : ચૂંટણીના દિવસે 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન

આરોગ્ય તંત્રની આગોતરી તૈયારીઓ અને સર્વેલન્સ

રાજ્ય સરકાર દ્વારા 1 માર્ચ, 2026 થી જ હીટસ્ટ્રોકના કેસોના મોનિટરિંગ માટે ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ (IHIP) કાર્યરત કરી દેવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા દરરોજ રાજ્યભરના કેસોનું વિશ્લેષણ કરવામાં આવે છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ની ગાઈડલાઈન મુજબ તમામ જિલ્લાઓમાં 'હીટ-હેલ્થ એક્શન પ્લાન' તૈયાર છે. આરોગ્ય કર્મીઓને ખાસ તાલીમ આપવામાં આવી છે જેથી તેઓ ઇમરજન્સીના કિસ્સામાં ઝડપથી અને સચોટ સારવાર પૂરી પાડી શકે.

આ પણ ખાસ વાંચો : દેશના 11 રાજ્યોમાં હીટવેવનું રેડ એલર્ટ : મહારાષ્ટ્રમાં ગરમીથી 7નાં મોત, આગ્રામાં 6 પ્રવાસીઓ બેભાન; પારો 45°C ને પાર

હોસ્પિટલ સજ્જતા અને ઇમરજન્સી સુવિધા

રાજ્યની દરેક સરકારી હોસ્પિટલને હીટવેવ સામે લડવા સજ્જ કરવામાં આવી છે. દવાઓનો પૂરતો સ્ટોક, આઈવી ફ્લુઈડ્સ અને આઈસ પેક્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દરેક સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) માં બે બેડ અને જિલ્લા હોસ્પિટલોમાં પાંચ બેડના ખાસ 'હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ' બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગરમીમાં વીજળીનો વપરાશ વધતો હોવાથી હોસ્પિટલોમાં ઈલેક્ટ્રિક લોડ ઓડિટ પણ કરવામાં આવ્યું છે જેથી કોઈપણ અડચણ વગર દર્દીઓની સારવાર થઈ શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now