ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે. ખાસ કરીને ચૂંટણીના દિવસે જ તાપમાન 40થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જો ચૂંટણીના દિવસે તાપમાન વધુ હશે તો મતદારોને મતદાન કરવામાં મુશ્કેલી પડી શકે છે. સ્થાનિક તંત્રએ મતદારો માટે વધુ સારી વ્યવસ્થા કરવી પડશે આ ઉપરાંત વધુ ગરમી પડે તો મતદામ ઓછું થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે 22થી 28 એપ્રિલ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેશે. આ સમયગાળામાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે, જેથી ગરમી વધી શકે છે. આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હાલમાં જ ગરમીનો પારો ઊંચો છે ત્યારે આ વધારો સામાન્ય જન જીવન પર સીધી અસર કરી શકે છે.
અમદાવાદ, ગાંધીનગર અને અમરેલીમાં છે વધુ ગરમી
રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન પહેલેથી જ ઉંચું નોંધાઈ રહ્યું છે. અમદાવાદમાં ઉચ્ચતમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં 40.5 ડિગ્રી સુધી પારો પહોંચ્યો છે તો અમરેલીમાં સૌથી વધુ 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ આંકડા દર્શાવે છે કે ગરમીનો પ્રભાવ વધી રહ્યો છે. આવા સમયમાં ચૂંટણી હોવાથી મતદાન પર થઈ શકે છે અસર.
આ પણ વાંચો: ગુજરાતમાં હીટવેવ એલર્ટ : આરોગ્ય વિભાગનો ‘હીટ એક્શન પ્લાન’ અમલમાં, હોસ્પિટલોમાં ખાસ વોર્ડ શરૂ
દરિયાકાંઠાના વિસ્તારોમાં વધશે બફારો
હવામાન વિભાગે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો માટે ચેતવણી આપી છે. ત્યાં માત્ર ગરમી જ નહીં પરંતુ ભેજના કારણે બફારો (humidity) વધવાની પણ શક્યતા છે. આ પરિસ્થિતિમાં લોકો માટે બહાર નીકળવું વધુ મુશ્કેલ બની શકે છે, કારણ કે ભેજ સાથેની ગરમી શરીર પર વધુ અસર કરે છે.
ચૂંટણીના દિવસે ગરમી બનશે પડકાર
આગામી 26 એપ્રિલે યોજાનારી ચૂંટણીના દિવસે ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, તે દિવસે તાપમાન 40થી 43 ડિગ્રી વચ્ચે રહી શકે છે. ખાસ કરીને અમદાવાદમાં 42થી 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે. આ પરિસ્થિતિમાં મતદારો અને ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓ માટે પડકારજનક સ્થિતિ ઊભી થઈ શકે છે.
આ પણ વાંચો: ભયંકર ગરમીની વચ્ચે અમદાવાદીઓ માટે ડરામણી આગાહી : હીટવેવને લઈને હવામાન વિભાગના શું છે લેટેસ્ટ અપડેટ?
ગરમીની શું થશે અસર
ઉચ્ચ તાપમાનના કારણે ડિહાઈડ્રેશન, હીટ સ્ટ્રોકનો ખતરો, થાક અને ચક્કર આવવાની સમસ્યા થાય છે. વૃદ્ધો અને બાળકો માટે વધુ જોખમ રહેલું છે. વિશેષજ્ઞો લોકોને દિવસના તીવ્ર તડકામાં બહાર ન નીકળવાની અને પૂરતું પાણી પીવાની સલાહ આપે છે.
ગરમીથી બચવા શું કરશો
ગરમીથી બચવા માટે વધારે પાણી પીવું જોઈએ. બહાર નીકળતી વખતે ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. હળવા અને કોટનનાં કપડાં પહેરવા જોઈએ. બપોરના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ. ORS અથવા લેમન વોટર જેવા પીણાં વધુ પીવા જોઈએ. ચૂંટણીના દિવસે મતદાન માટે જતા લોકોએ આ નિયમોનું ખાસ પાલન કરવું જોઈએ.
આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ચૂંટણીના દિવસે ગરમીની સીધી અસર મતદાન પર થઈ શકે છે. ગરમી વધશે તો લોકોનાં આરોગ્ય પર પણ અસર થઈ શકે છે. આ આગાહી જનજીવન અને ચૂંટણી પ્રક્રિયા બંને માટે મહત્વપૂર્ણ છે.






