Home Gujarat Gujarat Hc Pil Hearing In Blueprint With Concrete Plan From Government To Eliminate Manual Scavenging

ગુજરાત HCમાં PIL સુનાવણી : હાઇકોર્ટે મેન્યુઅલ સ્કેવેનજિંગને નાબૂદ કરવા સરકાર પાસે કોંક્રિટ પ્લાન સાથની બ્લુ પ્રિન્ટ માંગી, વધુ સુનાવણી આ તારીખે

ગુજરાત HCમાં  PIL સુનાવણી
Published by: OBS Bureau
Last Updated: Jul 07, 2025, 11:35 AM IST

ગરીમા સંસ્થા દ્વારા વર્ષ 2016માં ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ગટર સફાઈ કામદારોના મોતના કેસમાં તેના પરીવારજનોને વળતર ચૂકવવા, મેન્યુઅલ સ્કેવેંજીગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ અને આવા કિસ્સાઓમાં અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની દાદ માંગવામાં આવી હતી. જો કે, આ કેસમાં વનળતર ચુકવાઈ ગયું પરંતુ જવાબદાર સ્થાનિક ઓથોરિટીના અધિકારીઓ ઉપર ફરિયાદ અંગે દાદ માગવામાં આવી હતી. જેમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેંચ સમક્ષ આજે આ મુદ્દે વધુ સુનવણી હાથ ધરાઈ હતી. કોર્ટે પૂછ્યું હતું કે અમદાવામાં જજીસ બંગલો ખાતે મેન્યુઅલ સ્કેવનજિંગની ઘટનામાં કામદારનું મૃત્યુ થતા કોન્ટ્રાકટર સામે શું પગલા લેવાયા છે ? સરકારી વકીલે જણાવ્યું હતું કે આ કોન્ટ્રાક્ટરને ગેરલાયક ઠેરવીને, બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાકટર પાસેથી બાહેંધરી લેવામાં આવે છે કે કોઈપણ કામદારને ગટરમાં ઊતારાશે નહીં?
કામદારોના પરિવારને વળતર ચૂકવવાની માહિતી કોર્ટ સમક્ષ મુકાઈ હતી
જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે સતત નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગને લઈને આવતા મૃત્યુના સમાચાર હતાશાજનક છે. વળી ચોમાસાની ઋતુ ચાલુ છે, ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા પાસે કામદારો માટે લઘુતમ લાયકાત મુજબના સાધનો ઉપલબ્ધ ન હોય તે ગંભીર બાબત છે. મેન્યુઅલ સ્કેવેન્જિંગની સંપૂર્ણપણે નાબૂદી જરૂરી છે. આ બાબત એડવોકેટ જનરલને ધ્યાને મૂકવામાં આવે. મેન્યુઅલ સ્કેવેન્જિંગની નાબૂદી માટે આગામી 08 ઓગસ્ટના રોજ હાઈકોર્ટ સમક્ષ સરકાર કોંક્રિટ પ્લાન સાથે બ્લુ પ્રિન્ટ મૂકે. આ સાથે તાજેતરમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગની ઘટનામાં મૃત્યુ પામેલા કામદારોના પરિવારને વળતર ચૂકવવાની માહિતી કોર્ટ સમક્ષ મુકાઈ હતી.
જામનગરની ઘટના પણ HCમાં ચર્ચાઈ
અરજદારે જણાવ્યું હતું કે, ''જામનગરમાં 2 દિવસ પહેલા સેપ્ટિક ટેન્કની સફાઈ કરવા ઉતારેલા 04 લોકોને ઝેરી ગેસની અસર થઈ છે. 04 પૈકી 01 અસરગ્રસ્ત ICU માં છે. એડવોકેટ જનરલે પણ સ્વીકાર્યું હતું કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ રોકવા તાત્કાલિક પગલાની જરૂર છે. મ્યુનિસિપલ કોર્પોરેશન વતી ઉપસ્થિત થયેલા સરકારી વકીલે જણાવ્યું હતું કે અમદાવાદના જજીસ બંગલો ખાતે સેપ્ટિક ટેન્કની સફાઇમાં કામદારના મૃત્યુ મામલે કોન્ટ્રાકટરનો કોન્ટ્રાક્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેને 10 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવા શો કોઝ નોટિસ આપવામાં આવી છે. અમદાવાદમાં ગટર સફાઈના કામ સાથે 23 કોન્ટ્રાકટર સંકળાયેલા છે. એડવોકેટ જનરલે કહ્યું હતું ગટરમાં ઉતરવા અને મેન્યુઅલ સ્કેવેન્જિંગ ઉપર જ પ્રતિબંધ છે. ત્યારે ગટરની સફાઈ યાંત્રિક સાધનોથી જ કરવાની થાય, કોઈને ગટરમાં ઉતરવા ફરજ પાડી શકાય નહીં. આ માટે એક SOP તૈયાર કરવામાં આવી છે. ગટરમાં કામદારને ઉતરવા ફરજ પાડનાર કોન્ટ્રાકટર વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. લોકોમાં જાગરૂકતા લાવવા માટે જાહેર સ્થળોએ મેન્યુઅલ સ્કેવેન્જિંગ પ્રતિબંધિત હોવાની જાહેરાત કરતા હોર્ડિંગ્સ લગાવાશે.
હાઇકોર્ટે નોંધ્યું હતું કે 11 માર્ચ, 2025 ના રોજ ચીફ જજના બંગલા પાછળ આવેલ એક સોસાયટીના સેપ્ટીક ટેંકની સફાઈમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવેલા એક કોન્ટ્રાક્ટરના સફાઈ કર્મચારીનું મૃત્યુ થયું હતું. તો 17 એપ્રિલ, 2025 ના રોજ જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે બે સફાઈ કર્મચારીઓનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી ગુજરાત હાઇકોર્ટે કમિશનર ઓફ મ્યુનિસિપાલ્ટીને રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, નગર પંચાયતો વગેરેને આવી ઘટનાઓમાં કોન્ટ્રાક્ટર સામે શું પગલા લીધા છે ? તેની એફિડેવિટ માગી હતી અને અમદાવાદ મહાનગરપાલિકા પાસે પણ જવાબ માંગ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now