અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુચારુ બનાવવા અને રસ્તાઓ પરના દબાણો દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 4 એપ્રિલથી વિશેષ સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાનો અને જાહેર માર્ગોને દબાણમુક્ત બનાવવાનો છે.
Joint Enforcement Team (JET) કરશે કાર્યવાહી
આ કામગીરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખાસ Joint Enforcement Team (JET)ની રચના કરી છે. જેમાં એસ્ટેટ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ટીમ શહેરના મુખ્ય માર્ગો અને વ્યસ્ત વિસ્તારોમાં સંયુક્ત રીતે ડ્રાઇવ ચલાવશે.
બે શિફ્ટમાં દૈનિક અભિયાન
આ અભિયાન અંતર્ગત દરરોજ સવારે અને સાંજે બે શિફ્ટમાં કામગીરી હાથ ધરવામાં આવશે. ગેરકાયદેસર પાર્કિંગ, રસ્તા પરની અડચણો, અનિયમિત રીતે લગાવાયેલા પોસ્ટર-બેનર તેમજ અન્ય દબાણો દૂર કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ નાગરિકોને નિયમોનું પાલન કરવા માટે પ્રેરિત કરવામાં આવશે.
આધુનિક સાધનો અને સુવિધાઓ
શહેરના વિવિધ ઝોનમાં દબાણ દૂર કરવા માટે જરૂરી વાહનો અને સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેમાં ટોઇંગ વાહનો, દબાણ હટાવવાની ગાડીઓ અને સ્વચ્છતા માટેના સાધનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પારદર્શિતા જાળવવા માટે બોડી-વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે.
મુખ્ય વિસ્તારોમાં ખાસ ધ્યાન
આ સંયુક્ત ડ્રાઇવ પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ અને મધ્ય ઝોનના મુખ્ય માર્ગો પર કેન્દ્રિત રહેશે. નાગરિકોને પાર્કિંગ અને ટ્રાફિક સંબંધિત નિયમોની માહિતી આપવામાં આવશે જેથી તેઓ સરળતાથી તેનું પાલન કરી શકે.
AMCના આ અભિયાનથી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરશે અને માર્ગો વધુ સ્વચ્છ અને સુગમ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.





