પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની દોરવણીથી દૂધસાગર ડેરીમાં 14.80 કરોડનું બોનસ કૌભાંડના કેસમાં હાઈકોર્ટે દંડની સાથે ડિસ્ચાર્જ અરજીને ફગાવી દિધી છે.
વર્ષ 2020માં ગાંધીનગર CID ક્રાઈમ પોલીસ મથકે પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી, તત્કાલીન ચેરમેન આશાબેન ઠાકોર, તત્કાલીન વાઇસ પ્રેસિડેન્ટ મેઘજીભાઈ પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર એન.જે.બક્ષી સામે ડેરીમાં 14.80 કરોડના બોનસ કૌભાંડ કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસ વર્ષ 2022થી અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આવેલ સ્પેશિયલ ACB કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં આરોપી વિપુલ ચૌધરી, આશાબેન ઠાકોર અને એન.જે.બક્ષી સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો.
સ્પેશિયલ કોર્ટના આ નિર્ણયને ત્રણેય આરોપીઓએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ હાઇકોર્ટે આ અરજીને ટ્રાયલમાં વિલંબ કરવાની કોશિશ હોવાનું નોંધીને ફગાવી દીધી હતી. એટલું જ નહીં આરોપીઓને 10 હજાર રૂપિયા દંડ ફટકારીને તેને ગુજરાત હાઇકોર્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં જમા કરાવવા હુકમ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સરકારે આ કેસમાં ટ્રાયલ ચલાવવા સ્પેશિયલ સરકારી વકીલ તરીકે વિજય બારોટની નિમણૂક કરેલ છે. ચાર્જ ફ્રેમ થતાં આ કેસમાં હવે કોર્ટ ટ્રાયલ શરૂ થશે. વિપુલ ચૌધરીએ સાગર દાણમાં 22.50 કરોડનું દૂધસાગર ડેરીને નુકસાન કર્યું હતું. જેથી ટ્રિબ્યુનલ કોર્ટે વિપુલ ચૌધરીને 09 કરોડ રૂપિયા દૂધસાગર ડેરીમાં જમા કરાવવા હુકમ કર્યો હતો. જેને લઈને આ સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હતું.
જેમાં ડેરીના 1932 કર્મચારીઓને વાર્ષિક 8.33 ટકા બોનસની જગ્યાએ 18 ટકા બોનસ આપીને 80 ટકા રકમ ચેક અથવા કેસ દ્વારા પરત મેળવી લેવાઇ હતી જેનો આંકડો 14.80 કરોડ જેટલો થતો હતો. આ કેસમાં તત્કાલીન 30 કર્મચારીઓ પણ સામેલ હતા. જેને આ કામ કરવા બદલ પ્રમોશન જેવી લાલચો આપવામાં આવી હતી.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





