આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ અને દિલીપસિંહની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મીડિયા સાથે સંવાદ કરતાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આજે હું ગુજરાતભરની જનતાનું ધ્યાન બે મહત્વના મુદ્દાઓ તરફ દોરવા માંગું છું. ગઈકાલે વિધાનસભામાં મારો એક તારાંકિત પ્રશ્ન (પ્રશ્ન ક્રમાંક 68) હતો. મેં પૂછેલા પ્રશ્નનો ગૃહમંત્રી દ્વારા લેખિત જવાબ આપવામાં આવ્યો, પરંતુ સમયના અભાવે તેની વિસ્તૃત ચર્ચા થઈ શકી નહીં.
8000 લોકો પાસે રિવોલ્વર લાયસન્સ : ગોપાલ ઇટાલીયા
આપ ધારાસભ્યએ વધુમાં જણાવ્યું, તેમ છતાં, મળેલો જવાબ ચોંકાવનારો છે. મેં પૂછ્યું હતું કે અમદાવાદ અને સુરત જિલ્લામાં કેટલાં લોકોએ સ્વરક્ષણ માટે રિવોલ્વર લાયસન્સ લીધાં છે. અહીં સિક્યુરિટી ગાર્ડ, પાક રક્ષણ અથવા અન્ય પ્રકારના લાયસન્સનો સમાવેશ કરેલો નથી, માત્ર વ્યક્તિગત રક્ષણ માટેના રિવોલ્વર લાયસન્સ અંગે પ્રશ્ન હતો. સરકારના જવાબ મુજબ સુરતમાં અંદાજે 2900 લોકો અને અમદાવાદમાં લગભગ 5100 લોકો એમ મળી કુલ આશરે 8000 લોકો પાસે રિવોલ્વર લાયસન્સ છે. ઉપરાંત, અંદાજે 1000થી વધુ લોકોએ નવા લાયસન્સ માટે અરજી કરી છે.
આ આંકડા માત્ર બે જિલ્લાઓના છે. રાજકોટ, મોરબી, ભાવનગર, જામનગર વગેરેના આંકડા હજુ બાકી છે. આ પરથી એવું જણાય છે કે ગુજરાતના સુખી અને સમૃદ્ધ વર્ગને પોલીસ, કાયદો અને સરકાર પર વિશ્વાસ નથી. તેઓ પોતાનું રક્ષણ પોતે કરવા માટે હથિયાર રાખે છે. જો સરકાર લોકોને સુરક્ષા આપવાની જવાબદારી નિભાવતી હોત, તો આટલી મોટી સંખ્યામાં લાયસન્સ આપવાની જરૂર પડતી નહીં. મારું માનવું છે કે સમગ્ર ગુજરાતમાં અંદાજે એક લાખ લોકો પાસે રિવોલ્વર લાયસન્સ હોઈ શકે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે ગુજરાતમાં પણ “ગન કલ્ચર” વધતું જઈ રહ્યું છે, જેમ કે યુપી અને બિહાર જેવા રાજ્યોમાં જોવા મળે છે. એમ ગોપાલ ઇટલીયા એ કહ્યું.
’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે હવે પ્રશ્ન એ છે કે આ પરિસ્થિતિ ઊભી કેમ થઈ? આટલી મોટી પોલીસ વ્યવસ્થા હોવા છતાં લોકો સુરક્ષિત કેમ અનુભવતા નથી? આજે હું એ બતાવવા આવ્યો છું કે પોલીસનો ઉપયોગ જનતાની સુરક્ષા માટે નહીં, પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓને ડરાવવા, ધમકાવવા અને જેલમાં નાખવા માટે થઈ રહ્યો છે.
ગયા કેટલાક દિવસોમાં વિવિધ જિલ્લાઓમાં અમારા કાર્યકરોને પોલીસે હેરાન કર્યા છે. 13 માર્ચે સાબરકાંઠામાં ત્રણ કલાક સુધી એક કાર્યકરને ધમકી આપવામાં આવી. ધરમપુરમાં ઉમેદવારોના ઘેર જઈ તેમના મોબાઇલ અને લેપટોપ ચેક કરવામાં આવ્યા. વાંસદા અને અમદાવાદમાં કાર્યકરોને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ કલાકો સુધી બેસાડવામાં આવ્યા. પાલનપુર, સુરેન્દ્રનગર, ચોટીલા, નવસારી, નરોડા, બાપુનગર, એલિસબ્રિજ સહિત અનેક વિસ્તારોમાં આવી જ કાર્યવાહી થઈ. કાર્યકરો પાસેથી ચૂંટણી સંબંધિત ડેટા માંગવામાં આવ્યો અને ન આપવાથી ખોટા કેસમાં ફસાવવાની ધમકીઓ આપવામાં આવી, એમ આપ ધારાસભ્ય બોલ્યા.
પોલીસનો ઉપયોગ માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકરોને દબાવવા: ગોપાલ ઇટલીયા
ગોપાલ ઇટલીયાએ વધુમાં જણાવ્યું, સુરેન્દ્રનગરમાં અમારા આગેવાનોને પોલીસ અધિકારીઓ દ્વારા માર મારવામાં આવ્યો અને રાજકીય દબાણની ધમકી આપવામાં આવી. આખા ગુજરાતમાં પોલીસનો ઉપયોગ માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકરોને દબાવવા માટે થઈ રહ્યો છે, જ્યારે સામાન્ય જનતા ગુંડાઓ, માફિયા અને ગુનાખોરોના ભરોસે છોડી દેવામાં આવી છે. પરિણામે લોકો હવે પોતાનું રક્ષણ કરવા માટે હથિયાર લાયસન્સ લેવાનું પસંદ કરી રહ્યા છે.
હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટી એક આંદોલનમાંથી ઊભી થયેલી લડાયક પાર્ટી છે. અમે ડરવાના નથી. આ લડાઈ સત્ય અને ન્યાય માટે છે. તેથી જનતાએ સત્યનો સાથ આપવો જોઈએ અને આમ આદમી પાર્ટીને સમર્થન આપવું જોઈએ.
આપ કાર્યકરોને ડરાવો, ધમકાવો અને ડેટા મેળવો: ગોપાલ ઇટલીયા
આ મામલે ફરિયાદ નોંધાવામાં આવી છે? પત્રકારના આ પ્રશ્નના જવાબ આપતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ હતુ કે આ બાબતે અમે ફરિયાદ નોંધાવી છે, પરંતુ અમારી ફરિયાદ ક્યાંય સ્વીકારવામાં આવતી નથી. પોલીસે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ઉપરથી “કમલમ” તરફથી આદેશ છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ડરાવો, ધમકાવો અને તેમના ઉમેદવારોનો ડેટા મેળવો. અમે નિયમ મુજબ ફરિયાદ કરી રહ્યા છીએ, પરંતુ અમારી ફરિયાદને યોગ્ય રીતે લેવામાં આવતી નથી.
અમે કોર્ટમાં પણ જઈશું: ગોપાલ ઇટલીયા
હાલમાં પણ એ જ પ્રક્રિયા ચાલુ છે અને અમને પણ એ જ રીતે આગળ વધવાનું કહેવામાં આવે છે. ધરમપુર, વાંસદા, પાલનપુર, સુરેન્દ્રનગર, ચોટીલા, નવસારી, નરોડા સહિત અનેક વિસ્તારોમાં અમારા કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવ્યા છે. આ તમામ મામલાઓમાં અમે પ્રથમ તબક્કે પોલીસ પાસે જ રજૂઆત કરી છે. આગામી દિવસોમાં જો પોલીસ સ્ટેશનમાંથી અમને યોગ્ય અને લેખિત જવાબ નહીં મળે, તો અમે કોર્ટમાં પણ જઈશું, કારણ કે આ ઘટનાઓ તાજેતરમાં બની છે અને હજુ પણ ચાલુ છે. આ તમામ વિગતો અમે વોટ્સએપ દ્વારા પણ શેર કરીશું.
વધુમાં જણાવ્યુ હતુ કે આંકડાઓ મુજબ, માત્ર બે જિલ્લાઓમાં જ આશરે આઠ હજારથી વધુ લોકો પાસે હથિયાર લાયસન્સ છે અને પાંચસોથી વધુ નવા લાયસન્સ માટે અરજીઓ થઈ રહી છે. ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ છે. જો માત્ર બે જિલ્લાઓમાં આટલો આંકડો હોય, તો સમગ્ર રાજ્યમાં આ સંખ્યા ખૂબ મોટી થઈ શકે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતના ઘણા લોકો હવે હથિયાર લાયસન્સ લઈ રહ્યા છે, કારણ કે તેઓ માને છે કે મુશ્કેલી વખતે પોલીસ પર સંપૂર્ણ ભરોસો રાખી શકાતો નથી અને પોતાની સુરક્ષા માટે પોતે જ સજ્જ રહેવું જરૂરી છે.






