Home Gujarat Gujarat Government Supports Children Of Jewellers Governments Special Education Assistance

રત્ન કલાકારોના બાળકોની વ્હારે ગુજરાત સરકાર : સરકારની વિશેષ શિક્ષણ સહાય

રત્ન કલાકારોના બાળકોની વ્હારે ગુજરાત સરકાર
Published by: OBS Bureau
Last Updated: Jul 08, 2025, 05:34 PM IST

ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા તા. 24/05/2025ના ઠરાવ ક્રમાંક: હરઉ-102025-442-ચ દ્વારા રાજ્યના હીરા ઉદ્યોગમાં કાર્યરત અને આંતરરાષ્ટ્રીય કક્ષાએની વિષમ પરિસ્થિતિથી અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકો માટે શિક્ષણમાં સહાયરૂપ થવા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

યોજનાની મુખ્ય ખાસિયતો:
100% શાળા ફી સહાય: પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સુધીના વિદ્યાર્થીઓ માટે રૂ. 13,500/- સુધીની શાળા ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.

લક્ષ્ય સમૂહ: એવા રત્ન કલાકાર પરિવારોના બાળકો જે હીરા ઉદ્યોગમાં સર્જાયેલી આર્થિક મંદીથી અસરગ્રસ્ત થયા છે.

અરજી પ્રક્રિયા સરળ બનાવવા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજન
તા. 26/06/2025ના રોજ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એક ખાસ બેઠક યોજાઈ હતી, જેમાં અમદાવાદ ડાયમંડ એસોસિયેશનના પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓએ સહભાગિતા આપી હતી.

બેઠકમાં નિર્ણય લેવાયો કે દરેક શાળા સ્તરે આ સહાય માટેની અરજીઓ સ્વીકારવામાં આવશે જેથી રત્ન કલાકાર વાલીઓએ જિલ્લા કચેરીએ ન જવું પડે.

સુચારૂ અમલ માટે કરાયેલા પગલાં
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ તમામ શાળાઓને સૂચનાઓ પાઠવી છે કે તેઓ:

આ સહાય અંગે વાલીઓને માહિતગાર કરે.

અરજીપત્રકનો નમૂનો અને જરૂરી બાંહેધરીનો નમૂનો શાળામાં ઉપલબ્ધ રાખે.

શાળાઓ દ્વારા જરૂરી દસ્તાવેજો એકત્ર કરીને સહાય માટેની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદની અપીલ
દુઃખદ પરિસ્થિતિનો સામનો કરી રહેલા તમામ યોગ્ય અને પાત્ર રત્ન કલાકારોને આ યોજના અંતર્ગત સહાય મળે એ માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદ દ્વારા અપીલ કરવામાં આવી છે કે તમામ યોગ્ય લાભાર્થીઓ આ યોજનાનો લાભ લે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now