ગુજરાતની 9 નવી મહાનગરપાલિકાનું સીમાંકન જાહેર
દરેક મહાનગરપાલિકામાં 13 વોર્ડ અને 52 સીટ હશે
દરેક નવી મહાનગરપાલિકામાં આજુબાજુના વિસ્તારોને ભેળવી દેવાયા
ડિસેમ્બર-જાન્યુઆરીમાં 6 મહાનગર સાથે નવી 9 મહાનગરપાલિકાની પણ ચૂંટણી યોજશે
નવી મહનગરપાલિકાનું સીમાંકન જાહેર થતા ચૂંટણી પંચ કરશે કાર્યવાહી
Gujarat Municipalities: ગુજરાત સરકાર દ્વારા રાજ્યની નવીન 9 મહાનગરપાલિકાઓનું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં નવેમ્બર અથવા ડિસેમ્બર 2025માં યોજાનાર મહાનગરપાલિકા ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને તેના ભાગરૂપે આજે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા સીમા નિર્ધારણ મુજબ, દરેક નવી મહાનગરપાલિકામાં 13-13 વોર્ડની રચના કરવામાં આવી છે, જે હેઠળ કુલ 52 બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે. આ નવા આયોજનને કારણે ગુજરાતમાં હવે કુલ 15 મહાનગરપાલિકાઓ થશે – અગાઉની 6 જૂની મનપાઓ સાથે નવા ઉમેરાયેલી 9 મહાનગરપાલિકાઓ.
નવ ઘોષિત મહાનગરપાલિકાઓઃ
રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા તરીકે ઘોષિત થયેલા નવા શહેરોમાં નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વાપીનો સમાવેશ થાય છે. સાથે સાથે નડિયાદ, મહેસાણા, આણંદ, ગાંધીધામ અને મોરબીને પણ મહાનગરપાલિકા તરીકે રજૂ કરવામાં આવ્યા છે અને આ શહેરો માટે પણ સીમાંકન જાહેર કરાયું છે.
વિકાસ અને વસાહતી વિસ્તરણને આધારે સીમા નિર્ધારણ
શહેરોના સતત વિસ્તરણ અને વસ્તીની વૃદ્ધિને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોને સમાવીને આ સીમાંકન નક્કી કરાયું છે. સંચાલન સુદ્રઢ અને અસરકારક બને તે હેતુથી વોર્ડ અને બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.
ચૂંટણીની તૈયારી શરૂઃ
2025ના અંત સુધીમાં યોજાનાર મનપા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં લાખો મતદારો પોતાનાં નગરના પ્રતિનિધિઓ પસંદ કરશે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના મુખ્ય રાજકીય પક્ષો હવે સ્થાનિક સ્તરે ચૂંટણી પ્રચાર અને મતદારો સાથે સંવાદ શરૂ કરશે.
ગુજરાતમાં હાલ કેટલી મનપા કાર્યરત છે?
ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી કુલ ૦8 મહાનગરપાલિકાઓ કાર્યરત છે. આ પૈકી જુનાગઢ મહાનગરપાલિકાની વર્ષ 2002માં અને ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ 2010માં રચના કરવામાં આવેલી છે.
ઉલ્લેખનીય છેકે, આ નવી રચના શહેરોમાં સંવર્ધન અને શ્રેષ્ઠ શહેરી સુવિધાઓ પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. સાથે જ, નગર વિકાસના નવા અધ્યાયની શરૂઆત તરીકે પણ તેની ચરચે થઈ રહી છે.





