Home Gujarat Gujarat Fuel Crisis Jamnagar Petrol Pumps Queues Vadodara Lpg Shortage

મધ્ય પૂર્વની તંગ પરિસ્થિતિથી ગુજરાતમાં ઈંધણ સંકટ! : જામનગરમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો, વડોદરામાં ગેસ સિલિન્ડરની અછતથી નાગરિકો પરેશાન

મધ્ય પૂર્વની તંગ પરિસ્થિતિથી ગુજરાતમાં ઈંધણ સંકટ!
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 07:31 AM IST

ગુજરાતના બે મોટા શહેરોમાં ઈંધણ અને ગેસના પુરવઠાને લઈને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. જામનગરમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યારે વડોદરામાં LPG ગેસ સિલિન્ડરની અછતને કારણે નાગરિકો તેમજ વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

જામનગરમાં પેટ્રોલ-ડીઝલ માટે લાંબી કતારો

11 માર્ચે જામનગર શહેરના વિવિધ પેટ્રોલ પંપ પર વાહનચાલકોની ભારે ભીડ જોવા મળી હતી. પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચતા અનેક પંપ પર વાહનોની લાઈનો રોડ સુધી લંબાઈ ગઈ હતી. અચાનક વધેલી ભીડને કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.

લોકોમાં ઈંધણની અછત થવાની આશંકા ફેલાતા ઘણા લોકો પહેલેથી જ વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા હતા.

વડોદરામાં LPG ગેસની અછત

બીજી તરફ વડોદરામાં LPG ગેસના પુરવઠાને લઈને ગંભીર સ્થિતિ સર્જાઈ છે. શહેરના લગભગ 36 ગોડાઉનમાં કોમર્શિયલ ગેસના સિલિન્ડર ખલાસ થઈ જતાં હોટલ, કેટરિંગ વ્યવસાય અને નાના ફૂડ ઉદ્યોગો પર તેની સીધી અસર પડી રહી છે.

શહેરના પાણીગેટ વિસ્તાર સહિત અનેક ગેસ એજન્સીઓ પર સિલિન્ડર મેળવવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. કેટલાક લોકોને સિલિન્ડર માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે.

એજન્સીની સ્પષ્ટતા

પાણીગેટ વિસ્તારમાં આવેલી Gayatri Gas Agencyના કર્મચારીઓએ જણાવ્યું છે કે લોકો પેનિક થઈને લાઈનમાં ઉભા રહી રહ્યા છે. ઘરેલું ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે અને લોકોને ઘરે જ સિલિન્ડર મળી જશે તેવી ખાતરી આપવામાં આવી છે. જોકે હાલમાં કોમર્શિયલ ગેસ ઉપલબ્ધ નથી.

વેપારીઓ પર અસર

ગેસની અછતનો સૌથી વધુ અસર હોટલ, કેટરિંગ વ્યવસાય અને ફરસાણ બનાવતા નાના કારખાનાઓ પર પડી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ અગાઉ રોજ શહેરમાં કોમર્શિયલ ગેસની બે ગાડીઓ આવતી હતી, જ્યારે હાલમાં માત્ર એક જ ગાડી ગેસનો પુરવઠો લઈ આવી રહી છે.

વૈશ્વિક પરિસ્થિતિની અસર

વિશેષજ્ઞોનું માનવું છે કે મધ્ય પૂર્વમાં ઊભી થયેલી તંગ પરિસ્થિતિઓને કારણે ઓઈલ અને ગેસ સેક્ટર પર અસર પડી રહી છે. તેના પડઘા હવે સ્થાનિક બજારોમાં પણ જોવા મળી રહ્યા છે.

નાગરિકો અને વેપારીઓએ તંત્ર તેમજ ગેસ કંપનીઓને ગેસનો પુરવઠો વહેલી તકે નિયમિત કરવાની માંગ કરી છે. જો પરિસ્થિતિ જલ્દી સુધરે નહીં તો શહેરના સામાન્ય જીવન અને ખાદ્ય વ્યવસાય પર વધુ ગંભીર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now